- પવનથી છપરાવાળામાં રહેતા લોકોના પતરા ઉડ્યા
- દહેગામમાં સૌથી વધુ 92 મિલિમીટર વરસાદ નોંધાયો
- આજે બુધવારે પણ વાદળછાયું વાતાવરણ રહેશે
ગાંધીનગર: જિલ્લામાં વાવાઝોડા અને કમોસમી વરસાદ પડતાં ખેતીના પાકને નુકસાન થયું છે. ત્યારે, સમગ્ર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 263 મિલિમીટર વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ દહેગામ તાલુકામાં નોંધાયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો પણ આવ્યો હતો. ગાંધીનગરમાં પણ છપરાવાળા વિસ્તારમાં મકાનોના પતરા પવનને કારણે ઉડી ગયા હતા.
આ પણ વાંચો: રાજ્યમાં બે દિવસ વેક્સિનેશન સ્થગિત, મુખ્યપ્રધાન રૂપાણીએ લોકોને ઘરમાં જ રહેવા કરી અપીલ
ગાંધીનગર શહેરમાં 59 મિલિમીટર વરસાદ
ગાંધીનગર શહેરમાં 59 મિલિમીટર વરસાદ પડ્યો હતો. 24 કલાકમાં આ કમોસમી વરસાદ અને પવનના કારણે ઉમિયા નર્સરી ફાર્મ રાયસણ પેટ્રોલ પંપ, કોબા ગાંધીનગર હાઇવે પાસેના છાપરાના પતરા ઉડી ગયા હતા. આ ઉપરાંત, 100થી વધુ વૃક્ષો ધરાસાઈ થઈ ગયા હતા. આ તકે, ફોરેસ્ટ સહિતની ટીમો દ્વારા મોડી રાત સુધી રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત, આજુ બાજુના ગામોમાં કેરીના પાકને પણ નુકસાન થયું હતું. તો કેટલાક વાડી વિસ્તારમાં શાકભાજીનો પણ બગાડ થયો હતો. માણસામાં 46 મિલિમીટર અને કલોલમાં 66 મિલિમીટર વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચો: ગાંધીનગર જિલ્લામાં 200થી વધુ વૃક્ષો વાવાઝોડાને પગલે ધરાશાયી
દહેગામની ડેરીમાં શોર્ટ સર્કિટ થયું
દહેગામમાં લાઈટ આવ જાવ થવાથી રાત્રે મહાલક્ષ્મી ડેરીમાં આગ પણ લાગી હતી. આજુ બાજુના લોકોને તેની જાણ થતાં ફાયર વિભાગને જાણ કરાઇ હતી. આ બાદ, તાકીદે આ આગ બુઝાવવામાં આવી હતી. જોકે, જાનહાની થઈ નથી પરંતુ, ડેરીના દોઢ લાખના માલને નુકસાન થયું હતું. ત્યારે, દહેગામ તાલુકામાં સૌથી વધુ 92 મિલિમીટર વરસાદ નોંધાયો છે. જેને કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.