- સમગ્ર જિલ્લામાં આઝાદી અમૃત મહોત્સવનો કાર્યક્રમ થશે
- હીરાલાલ મોતીલાલ ઝવેરીએ પેરિસમાં રહીને પણ લડત માટે ફંડ આપ્યું હતું
- વાવોલ ગામના દીકરી ગંગાબા યાજ્ઞિકે ગાંધીજીને ચરખો આપ્યો હતો
ગાંધીનગર : આજરોજ ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે ગુજરાત પ્રેસ અકાદમી અને ગાંધીનગર જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર જિલ્લાનું આઝાદીની લડતમાં યોગદાન વિષયક પરિસંવાદમાં વક્તા તરીકે ઉપસ્થિત ગાંધી કથાકાર અને સાહિત્યકાર ભાનુભાઇ પુરાણી અને સાહિત્યકાર ડો. કેશુભાઇ દેસાઇએ મહત્વની વાત જણાવી હતી. આ પ્રકારનો પ્રોગ્રામ સમગ્ર જિલ્લામાં યોજાશે જેની શરૂઆત ગાંધીનગરથી કરવામાં આવી હતી.
આ પણ વાંચો- મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
નટવરભાઇ પંડિત એક એક લાઠી પડતી હતી તેમ તેમ વંદે માતરમના નારા લગાવતા રહ્યા
ભાનુભાઇ પુરાણીએ પોતાની આગવી શૈલીમાં જિલ્લાની આઝાદી લડતમાં યોગદાનની વધુ વાત કરતા જણાવ્યું હતું કે, કલોલ તાલુકાના નારદીપુર ગામના નટવરભાઇ પંડિતનું નામ સ્વરાજની ચળવળમાં મોખરાનું છે. તેઓ કલોલ શહેરના ટાવર ખાતે ઝંડો ફરકાવતા હતા. ત્યારે અંગ્રેજોએ તેમના અને અન્ય સ્વાતંત્ર્ય વીરો પર લાઠી ચલાવી હતી. જેમાં નટવરભાઇ પંડિતને એક એક લાઠી પડતી હતી, તેમ તેમ વંદે માતરમના નારા લગાવતા હતા. અંતે તેમને અંગ્રેજ અમલદારે માથાના ભાગે લોખંડ જેવી ચીજ મારતા તેમનું મૃત્યુ થયાના સમાચારથી ગમગીની છવાઇ ગઇ હતી. પણ તેઓને તે હાલતમાં જેલમાં પુરવામાં આવ્યા હતા. તેઓ આજે પણ એક મિશાલ સમાન છે.
ઉનાવા ગામે અંગ્રેજોને હથિયારો સોંપવાનો ઇન્કાર કર્યો હતો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 1857ના મહાન બળવા દરમિયાન પાટણના વણિક મગનલાલ ભૂખણેએ સિપાઇઓની ભરતી કરી હતી. તેમણે હથિયારો એકઠા કરવા લોદરા ગામ પર આક્રમણ કર્યું હતું. તેમજ તે સમયે પેથાપુર ગામ હથિયારો બનાવવા માટે પ્રખ્યાત હતું તેમજ આ સમયે ઉનાવા ગામે અંગ્રેજોને હથિયારો સોંપવાનો ઇન્કાર કર્યો હતો. ભાનુભાઇ પુરાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગાંધીનગર જિલ્લાના પનોતા પુત્ર હીરાલાલ મોતીલાલ ઝવેરી કે જે પેરીસમાં રહેતા હતા. તેમણે ભારતીય ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્મા અને અન્ય ક્રાંતિકારીઓની ખૂબ નાણાંકીય સહાય કરી હતી. ગાંધીનગર જિલ્લાના શેરથા ગામ ખાતે વર્ષ- 1916માં વડોદરા રાજય પ્રજા મંડળની સ્થાપના સૌ પ્રથમ થઇ હતી.
આ પણ વાંચો- આઝાદી કા અમૃત મહોત્સવ: વડોદરાના કલાકારે 110 કિલો ફૂલોથી ભારતનો નક્શો તૈયાર કર્યો
1930ની સત્યાગ્રહ ચળવળની દાંડી કૂચમાં જિલ્લાના લોકો જોડાયા હતા
1930ની સત્યાગ્રહ ચળવળની દાંડી કૂચમાં પણ ગાંધીનગર જિલ્લાના લોકો જોડાયા હતા. તે ઉપરાંત રાંધેજા ગામના વતની ડાહ્યાભાઇ શુક્લએ મુંબઇ સત્યાગ્રહી તરીકે સક્રિય ભાગ લીધો હતો. તેમણે મુંબઇમાં યુરોપિયનોની દુકાનો આગળ સત્યાગ્રહ કર્યો હતો. જેથી તેમને કેદ કરીને દેવલાવી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા તેમજ રાંધેજા ગામના બે શિક્ષકો સત્યાગ્રહ ચળવળમાં જોડાયા હતા. આ દિવસોમાં સી.પી.મુનિ નામના સામાજિક કાર્યકરે રાંધેજા ગામમાં મુકામ કર્યો હતો. જુદા-જુદા ગામોમાં જઇ સભા યોજી અને પ્રવચનો આપી લોકોને લડત માટે જાગૃત કર્યા હતા.