- આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેએ ETV ભારત સાથે કરી વાતચીત
- વેક્સિનેશન મુદ્દે કરી ખાસ વાતચીત
- 16 જાન્યુઆરી થી વેકસીનેશન શરૂ
ગાંધીનગરઃ સમગ્ર દેશમાં જાન્યુઆરીથી વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થવાની છે. ત્યારે આ બાબતે ETV ભારત સાથે ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ જયપ્રકાશ શિવહરે વાતચીત કરી હતી. તેમણે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની સુચના પ્રમાણે ગુજરાતમાં પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. છેલ્લા કેટલાય મહિનાથી તેઓ કોરોનાના દર્દીઓને સેવાઓ આપી રહ્યા છે, ત્યારે તેઓને પ્રથમ તબક્કામાં જ કોરોનાની વેક્સિન આપવામાં આવશે. આ સાથે જ પ્રથમ તબક્કામાં રાજ્ય સરકાર દ્વારા 4.30 લાખ આસપાસના આરોગ્ય કર્મચારીઓના ડેટા તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ખાનગી અને સરકારી આરોગ્ય તબીબોનો ડેટા તૈયાર કરવામાં આવ્યો છે. આમાં મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફનો પણ સમાવેશ કરાયો છે.
![વેક્સિનેશન સ્ટોરેજ રૂમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gnr-11-health-commissinor-121-execulsive-7204846_15012021172724_1501f_02165_391.jpg)
સો પ્રથમ સિનિયર ડોકટર્સ લેશે વેક્સિન
કોરોનાની વેક્સિનને લઈને અનેક સમાચારો સામે આવી રહ્યા છે. કોરોનાની વેક્સિન ઉપર પણ વિશ્વસનીયતા નહીં હોવાનું પણ સામે આવી રહ્યું છે, ત્યારે કોરોનાની વેક્સિન ઉપર લોકોને વિશ્વાસ આવે તેને ધ્યાનમાં લઈને 16 જાન્યુઆરીથી જે વેક્સિનેશનની કામગીરી શરૂ થશે તેમાં સૌપ્રથમ રાજ્યના સિનિયર ડોક્ટર્સ કોરોનાની રસી લેશે.
![16 જાન્યુઆરી થી વેકસીનેશન શરૂ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gnr-11-health-commissinor-121-execulsive-7204846_15012021172724_1501f_02165_649.jpg)
દિલ્હીમાં પ્રથમ રસી અપાશે ત્યારબાદ અન્ય રાજ્યોમાં
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરીએ વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરશે, ત્યારે સૌપ્રથમ રસી દિલ્હી ખાતે આપવામાં આવશે અને ત્યારબાદ અન્ય રાજ્યોમાં અલગ-અલગ સેન્ટરોમાં રસીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. એટલે પ્રથમ રસીકરણ દિલ્હી ખાતે શરૂ થશે અને ત્યારબાદ અલગ-અલગ સેન્ટર ઉપર રસી આપવાનું કાર્ય શરૂ કરવામાં આવશે.
કુલ 161 કેન્દ્રો પર વેક્સિનેશન થશે
16 જાન્યુઆરીથી શરૂ થતા વેક્સિનેશન કાર્યક્રમમાં ગુજરાતમાં કુલ 161 સેન્ટર પર વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રધાનોને અલગ-અલગ જિલ્લાઓમાં અને અલગ-અલગ કેન્દ્ર ઉપર હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ભાજપના નેતાઓને પણ હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. આમ કહી શકાય કે 16 જાન્યુઆરીથી શરૂ થતું વેક્સિનેશન લોકોમાં કોરોનાની રસી બાબતે વિશ્વાસ અપાવે તેવું પણ રહેશે.