ગાંધીનગરઃ રાજ્યમાં તોડ-જોડની રાજનીતિથી રાજ કરી રહેલી ભાજપની સરકારમાં કઈ મેળવવું હોય તો આંદોલન કરવા પડે તે ચોક્કસ છે. શિક્ષકોના ગ્રેડ પેના પ્રશ્નોને લઇને આંદોલનનું શસ્ત્ર ઉગામી બાદ સરકારે પોતાના હથિયાર હેઠા મૂકી દીધા હતા, જ્યારે હવે આ જ બાબતને લઈને રાજ્યની જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા આરોગ્યના કર્મચારીઓના પ્રશ્નોને લઈને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા મુખ્યપ્રધાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે અગાઉની હડતાળ દરમિયાનના પડતર પ્રશ્નો અને ગ્રેડ પેનું નિરાકરણ લાવવામા આવે.
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડાએ કહ્યું કે, હાલમાં જ પ્રાથમિક શિક્ષકોના ડી ગ્રેડ કરવામાં આવેલા ગ્રેડ પેમા સુધારો કરવામાં આવે છે. પરંતુ આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નો ઉપર જ સરકારની નજર પડતી નથી. પ્રથમ કોરોના વોરિયર્સ ગણાતા આરોગ્ય કર્મચારીઓ માટે સરકારે ઈન્સેન્ટિવ આપવાનું જાહેર કર્યું છે. પરંતુ આ સરકાર માત્ર જાહેરાતો કરવામાં જ છે. હજુ સુધી આ બાબતે એક પણ કર્મચારીને કાણી પાઈ પણ આપવામાં આવી નથી. જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રથમ કોરોના વોરિયર્સ ગણાતા કર્મચારીઓને કોરોના વોરિયર્સ નહિ ગણીને હળહળ તો અન્યાય કર્યો છે.
સરકારમાં અગાઉ ત્રણ વખત રજૂઆતો કરવામાં આવી છે. તેમની સાથે બેસી 13 પ્રશ્નો અને ગ્રેડ પે બાબતે અનેક ચર્ચાઓ કરી છે. પરંતુ ખારી દાનત હોવાના કારણે હજુ સુધી નિરાકરણ આવ્યું નથી. કોરોના વાઈરસની મહામારી ચાલી રહી છે. ત્યારે સરકારે વાઈરસને અટકાવવા લોકડાઉન આપ્યા છે. પરંતુ હવે અમારા પ્રશ્નોને લઈને જો નિરાકરણ નહિ આવે તો અમે લોકડાઉન આપીશું અને તે સરકાર પણ ખોલી શકશે નહીં.