મોરબી : તાજેતરમાં મોરબીમાં રહેતા વેપારી યુવાનને ડરાવી ધમકાવી 5.46 લાખની રોકડ તેમજ બુલેટ અને આઈફોન સહિત કુલ રૂ 8.56 લાખની મત્તા પડાવી લીધી હોવાનો બનાવ બન્યો હતો. જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી અને ત્રણ આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે.
અપહરણ અને લૂંટનો બનાવ : મોરબીના દલવાડી સર્કલ પાસે રહેતા દેવકુમાર ચેતનભાઈ સોરીયાએ ગત 29 ઓક્ટોબરના રોજ સીટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ અનુસાર શકત શનાળા ગામમાં રહેતા આરોપી વિશાલ વેલાભાઈ રબારી સાથે કોઈપણ જાતની રૂપિયાની લેતી દેતી થઈ નહોતી. તેમ છતાં ફરિયાદીને કારમાં બેસાડી વીરપર અને મીતાણા સહિતના સ્થળે લઈ જઈને માર મારી ધમકી આપી હતી.
ફોન-રોકડ અને બાઈક પડાવ્યા : આ ઉપરાંત આરોપીએ દેવકુમાર પાસેથી અલગ અલગ સમયે સમયે કટકે કટકે કુલ રૂપિયા 5.46 લાખ તેમજ દેવકુમારનો રૂ. 60 હજારની કિંમતનો આઈફોન 15 પ્રો મોબાઈલ ફોન તથા રૂ. 2.50 લાખનું કલાસિક 350 બુલેટ બળજબરીપૂર્વક પડાવી લીધા હતા.
ત્રણ આરોપી ઝડપાયા : આ બનાવ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી. જેમાં મોરબીમાં રહેતા આરોપી વિશાલ રબારી, સઈદ અકરમ કાદરી અને સિધ્ધરાજસિંહ જાડેજાને ઝડપી લીધા હતા. જે આરોપીઓ પાસેથી રોકડ રૂ 4.86 લાખ, આઈફોન અને બુલેટ કબજે લઈને ત્રણેય આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
શું હતો મામલો ? ફરિયાદી દેવ સોરીયા અને આરોપી વિશાલ રબારી બંને મિત્ર હોવાથી પરિચિત હતા. અગાઉ વિશાલ રબારીએ ઝઘડો કરી દેવને માર માર્યો હતો. ત્યારે દેવ ડરી ગયો હતો, જેથી ડરતો હોવાનો લાભ ઉઠાવી રોકડ અને બુલેટ તેમજ આઈફોન પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.