સફાઈ અભિયાન અંતર્ગત રાજ્યપાલ દેવવ્રત આચાર્ય દ્રારા ગાંધીનગરના સેક્ટર 7 ખાતે આવેલા શોપિંગ સેન્ટરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. આ બાબતે રાજ્યપાલ દેવવ્રત આચાર્યે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેને લઇને હવે ગુજરાતના રાજ ભવન ખાતેથી નક્કી કરવામાં આવ્યું છે કે હવે ગુજરાતમાં તમામ જગ્યાએ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં રાજ્યપાલ તરીકે પણ મારી હાજરી અચૂક રહેશે.
આ સાથે જ સ્વચ્છતા અંગેનો એક કાર્યક્રમ યોજવામાં આવશે. જેથી લોકોમાં સ્વચ્છતા અંગેનો સંદેશ પહોંચાડી શકાય. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના લોકો સ્વચ્છતા બાબતે હંમેશા અગ્રેસર રહ્યા છે. રાજ્યની તમામ શાળાઓ કોલેજો યુનિવર્સિટીઓમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ અને બાળકોમાં સ્વચ્છતા અંગેની ભાવના ઉત્પન્ન થાય. તેમણે વધુમાં કહ્યું હતું કે, તમામ લોકો પોતાના ઘરના આંગણા સ્વચ્છ રાખે અને તમામ લોકો સ્વચ્છતાને વધુ પ્રાધાન્ય આપે.
જ્યારે રાજ્યમાં અનેક શહેરો અને તાલુકાના જિલ્લામાં રખડતી ગાયોના ત્રાંસ અંગે પુછતાં તેમણે જણાવ્યું હતું કે, આ અંગે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જે બેઠકના અંતે નિર્ણય લેવામાં આવશે.