- ગુજરાતમાં ક્રાઇમ ઘટ્યો
- રાજ્યમાં ટેકનોલોજીની મદદથી ક્રાઇમ રેટ અંકુશમાં
- રાજ્ય સરકારે ગત 7 વર્ષમાં 49,000 પોલીસકર્મીઓની કરી ભરતી
- કન્વિક્શન રેટ વધે તે માટે કન્વિક્શન ઈમ્પૃવમેન્ટ પ્રોજેકટની કામગીરી પુરજોશમાં
ગાંધીનગર: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બાબતે આજે મંગળવારે ધારાસભ્યોની અનામત સમિતિની બેઠક યોજવામાં આવી હતી. પરામર્શ સમિતિની આ બેઠકમાં રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાત રાજ્યમાં ક્રાઈમ રેટમાં ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ ગુજરાત રાજ્યમાં નવી ટેકનોલોજીની મદદથી નાગરિકોને વધુ સઘન સુરક્ષા પુરી પાડવામાં આવી રહ્યા હોવાની વાત પણ કરી હતી. આ ઉપરાંત ગત 7 વર્ષ દરમિયાન રાજ્ય સરકારે કુલ 49,000 યુવાનોની પોલીસ વિભાગમાં ભરતી કરી છે.
આગામી દિવસોમાં વિસ્તાર પ્રમાણે પોલીસ સ્ટેશન વધારવામાં આવશે
આજે મંગળવારની બેઠકમાં પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, જે રીતે દિવસેને દિવસે વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા અગાઉ પણ વધુમાં વધુ પોલીસ સ્ટેશન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 7 વર્ષ દરમિયાન રાજ્યમાં કુલ 49,000થી વધુ પોલીસ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે, જ્યારે આગામી વર્ષ દરમિયાન 13,000 જેટલા કર્મચારીઓની ભરતી કરવાનું આયોજન પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને ક્રાઈમ રેટ ઘટાડવામાં ઉપયોગી
પ્રદિપસિંહ જાડેજાએ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જણાવ્યું હતું કે, રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે પોલીસ તંત્ર અને ગૃહ વિભાગ એક ટીમ તરીકે કામ રહી છે, ત્યારે મેન પાવર, સ્કિલ અપગ્રેડેશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન અને ટેકનોલોજીનો ઉપયોગ વધારવા પણ રાજ્ય સરકાર આગળ વધી રહ્યું છે.
કન્વિક્શન રેટ વધે તે માટે કન્વિક્શન ઈમ્પૃવમેન્ટ પ્રોજેકટની કામગીરી પુરજોશમાં
પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કન્વિક્શન રેટ વધે તે માટે કન્વિક્શન ઇમ્પૃવમેન્ટ કામગીરી પણ પ્રગતિ હેઠળ છે. જેમાં 24 કલાક તપાસ માટે માર્ગદર્શન મળી રહે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. નિવૃત્ત પોલીસ અધિકારીને ફેરવી ઓફિસર તરીકેની જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ ઇન્વેસ્ટિગેશન માટે અલાયદો રૂમ, કોલસેન્ટર, એફવાય ડ્રાફ્ટીંગ માટે રક્ષા શક્તિ યુનિવર્સિટીના સંકલનમાં રહી પોલીસ કર્મચારીઓને તાલીમની સુવિધા તથા એફ.એસ.એલ.ની સેવાઓનો લાભ મળશે.
આમ આજે મંગળવારની બેઠકમાં સાંસદ પ્રભુ વસાવા, પૂનમ માડમ, ધારાસભ્યો કિર્તીસિંહ વાઘેલા, આશા પટેલ, મહેશ કુમાર રાવલ, સુમન ચૌહાણ, શૈલેષ મહેતા, ગ્યાસુદ્દીન શેખ, અક્ષય પટેલ અને લલિત કગથરા ઉપસ્થિત રહ્યા હતા અને સૂચનો પણ કર્યાં હતા. આ ઉપરાંત આજે મંગળવારની બેઠકમાં પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા સહિત ગૃહવિભાગના અને એન.આર.જી વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી જરૂરી વિગતો પણ પૂરી પાડી હતી.