- ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 200થી પણ વધુ પેશન્ટ છે
- મહાત્મા મંદિર કોવિડ હોસ્પિટલમાં ICU અને ઓક્સિજનના બેડ
- મહાત્મા મંદિર કોવિડ હોસ્પિટલ શરૂ કરતા જ શિફ્ટ કરાશે પેશન્ટ
ગાંધીનગર : પાટનગરમાં આવેલી ગાંધીનગર સિવિલ હોસ્પિટલના એક્સ્ટેન્શનના ભાગરૂપે મહાત્મા મંદિર કોવિડ હોસ્પિટલ શરુ કરવામાં આવી છે. મહાત્મા મંદિર કોવિડ હોસ્પિટલનું સંચાલન પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ડિનના અંડરમાં થઈ રહ્યું છે. જેથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કોરોના પેશન્ટ આગામી સમયમાં મહાત્મા મંદિર કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. જે માટે મહાત્મા મંદિર કોવિડ હોસ્પિટલની સંપૂર્ણ કામગીરી પૂરી થઈ જાય અને સરકારની પરમિશન મળી જાય તેની રાહ જોવામાં આવી રહી છે. મહાત્મા મંદિર કોવિડ હોસ્પિટલમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલના પેશન્ટને ખસેડવામાં આવશે. સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ નિયતિ લાખાણીએ જણાવ્યું હતું કે, સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઇ ગયા બાદ જ નિર્ણય લેવામાં આવશે. હોસ્પિટલમાં પેશન્ટને શિફ્ટ કરવા માટે હોસ્પિટલ શરૂ થયા બાદ જ યોગ્ય પ્લાનિંગ સાથે પેશન્ટ શિફ્ટ કરવામાં આવશે.
આ પણ વાંચો - કોરોના દર્દી માટે 1,200 બેડની હોસ્પિટલ હેલીપેડના બદલે હવે મહાત્મા મંદિરમાં બનશે
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હાલ 200થી પણ વધુ કોરોના પેશન્ટ એડમિટ છે
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ નિયતી લાખાણીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એડમિટ પેશન્ટને મહાત્મા મંદિર કોવિડ હોસ્પિટલમાં શિફ્ટ કરવા માટે ઘણા બધા પાસા છે, કે જેને વિચાર્યા બાદ જ આ કામ કરી શકાય છે. જેથી સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ જ આ અંગે નિર્ણય લેવામાં આવશે. જેવી રીતે કોઇ પ્રેગ્નેન્ટ મહિલા છે, તો તેને મહાત્મા મંદિર કોવિડ હોસ્પિટલમાં શિફ્ટ કરવી કે નહીં, ત્યાં ફક્ત કોવિડને લગતી સારવાર જ કરવામાં આવી રહી છે. જેથી કયા પેશન્ટને અને કેવી રીતે શિફ્ટ કરવા તેનું પ્લાનિંગ જરૂરી છે. જો કે, ગાંધીનગર મહાત્મા મંદિર કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન અને ICUના બેડ હોવાથી આ પેશન્ટને જ ત્યાં શિફટ કરાશે. જો કે, અત્યારે કોરોનાના પેશન્ટ બિલકુલ ઘટી ગયા છે. જેથી હોસ્પિટલનું કામ સંપૂર્ણ પૂરું નહીં થઈ જાય ત્યાં સુધી આ પેશન્ટ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જ એડમિટ રહેશે.
આ પણ વાંચો - DRDO અને સરકારના સહયોગથી બનનારી મહાત્માં મંદિરની હોસ્પિટલ હશે સૌથી વિશેષ
મહાત્મા મંદિર કોવિડ હોસ્પિટલ શરૂ કરવા માટે સરકારની લીલીઝંડીની રાહ જોવાઇ રહી છે
મહાત્મા મંદિર કોવિડ હોસ્પિટલમાં 880 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બીજી લહેર પૂર્ણ થવાને આરે છે, ત્યારે આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેર પણ આવી શકે છે, તેમ નિષ્ણાતોનું માનવું છે. મહાત્મા મંદિર કોવિડ હોસ્પિટલ કોરોના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. DRDOના અધિકારીઓના જણાવ્યા મુજબ હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે. જેથી સરકારની લીલી ઝંડીની જ રાહ જોવાઇ રહી છે. જો કે, અત્યારે કોરોનાના એપ્રિલ મહિનામાં જે પેશન્ટની સંખ્યા હતી, તે બિલકુલ ઘટી ગઈ છે. કોરોનાના કેસ પણ રાજ્યમાં ચાર હજારથી ઓછા નોંધાઇ રહ્યા છે. અન્ય હોસ્પિટલમાં પણ બેડ ખાલી જોવા મળી રહ્યા છે. જેથી સરકારને પણ મહાત્મા મંદિર કોવિડ હોસ્પિટલ જલ્દી શરૂ કરવાની તાલાવેલી નથી.