- બુધવારે ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારીતા ઉપર ચર્ચા થઈ
- અનુસુચિત જાતિ માટે બજેટમાં 4,500 કરોડ રૂપિયા ફાળવાયા
- કુલ બજેટના 1.9 ટકા રૂપિયા અનુસુચિત જાતિ માટે
ગાંધીનગરઃ બુધવારે ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારીતા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના સુરેન્દ્રનગરના દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના બજેટમાં અનુસૂચિત જાતિ માટે 4,500 કરોડ રૂપિયા ફાળવાયા છે. જે કુલ બજેટના 1.9 ટકા થાય છે. ગયા વર્ષે અનુસૂચિત જાતિ પાછળ 02 ટકા બજેટ ફાળવાયું હતું. પરંતુ નીતિ આયોગની ગાઈડલાઈન મુજબ અનુસૂચિત જાતિ પાછળ 07 ટકા બજેટ ફાળવવું જોઇએ. આમ બજેટનું કદ વઘ્યું હોવા છતાં અનુસૂચિત જાતિ પાછળ બજેટ ઓછું ફાળવવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં રોજગારી-સ્વરોજગારી વધે તે માટે MSMEને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવે છે : સૌરભ પટેલ
અનુસુચિત જાતિ પાછળ 'વાસ્તવિક ખર્ચ' થતો નથી: નૌશાદ સોલંકી
કોંગ્રેસના ધરાસભ્યે જણાવ્યું હતું કે, 4,500 કરોડના બજેટમાં માત્ર 892 કરોડ રૂપિયા અનુસૂચિત જાતિ પાછળ ખર્ચ થવાના છે. જ્યારે અન્ય હેતુઓ માટે બજેટ ફાળવવામાં આવ્યું છે, તેમાં સાત ફેરા યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, કન્યાઓને સાયકલ આપવા જેવી નાની-મોટી યોજનાઓ પાછળ ખર્ચ કરવામાં આવશે. આવી નાની યીજનાઓને અનુસૂચિત જાતિ પર ઉપકાર કરતા હોય તેમ સરકાર જણાવી રહી છે. પરંતુ ખરેખર અનુસૂચિત જાતિનો વિકાસ થાય તેટલો 'વાસ્તવિક ખર્ચ' તેમની પાછળ થતો નથી.
સરકારી નોકરીઓમાં અનામત નીતિનો છેદ ઉડે છે: નૌશાદ સોલંકી
નૌશાદ સોલંકી જણાવ્યું હતું કે, સરકારી નોકરીઓમાં પણ હવે અનામત નીતિનો છેદ ઉડવા માંડયો છે. અનામત કેટેગરીના ઉમેદવારોને ઓપન કેટેગરીમાં સ્પર્ધા કરી શકતા નથી. સરકાર નવા નિયમો લાવે છે અને મનફાવે તેમ તેનું અર્થઘટન કરે છે. તાજેતરમાં જાહેર કરેલી પોલીસની ભરતીમાં 300 જેટલા બીન-હથિયારધારી પોલીસ સબઇન્સ્પેક્ટરની ભરતીમાં અનુસુચિત જાતિ માટે ફક્ત એક પુરુષ અનામત સીટ રખાઈ છે, જ્યારે મહિલાઓમાં એક પણ અનામત સીટ રાખવામાં આવી નથી. 75 જેટલા હથિયારધારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની ભરતીમાં ફક્ત 02 ટકા જ અનામત જગ્યા રાખવામાં આવી છે. ખરેખર અનુસૂચિત જાતિ માટે 07 ટકા જગ્યા, અનુસૂચિત જનજાતિ માટે 14 ટકા જગ્યાઅને અન્ય પછાત વર્ગ માટે 27 ટકા અનામત હોવી જોઈએ. જેનો આ સરકારે છેદ ઉડાડયો છે.
આ પણ વાંચોઃ રાજ્યની જેલોમાં 53,937 કેદીઓને કાયદાકીય સલાહ અને સહાય આપવામાં આવી
જનરલ કેટેગરીમાં રેન્ક મેળવનાર વિધાર્થીને રિઝર્વમાં ખપાવી દેવાય છે: નૌશાદ સોલંકી
નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે, અનુસૂચિત જનજાતિના અનામત કક્ષાના વિદ્યાર્થી જનરલ કેટેગરીમાં રેન્ક મેળવે અને પસંદગી પામે ત્યારે તેને પણ અનામત જગ્યામાં ખપાવી દેવાય છે. છેલ્લા બે વર્ષથી ભરતી પ્રક્રિયાની વિધાનસભામાં આ મુદ્દે રજૂઆત કરાઇ છે. જો આ મુદ્દે ધ્યાન નહીં દેવામાં આવે તો આગામી સમયમાં ગાંધીનગરથી લઈને સમગ્ર ગુજરાતમાં પ્રચંડ આંદોલન થશે.
કોંગ્રેસના ધારાસભ્યોને રાજ્ય સરકારની તકેદારી સમિતિમાં સમાવવામાં આવ્યા નહીં
નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની તકેદારી સમિતિમાં અનુસૂચિત જાતિના દરેકના ધારાસભ્યોનો બાય-ડિફોલ્ટ સમાવેશ થતો હોય છે. પરંતુ તેમાં કોંગ્રેસના એક પણ ધારાસભ્યને સ્થાન મળ્યું નથી. આ સમિતિની દર 06 મહિને બેઠક મળવી જોઈએ. પરંતુ બે વર્ષમાં માત્ર એક જ વખત તેની મિટિંગ મળી છે.
અનુસુચિત જાતિના વિધાર્થીઓને વિદેશ અભ્યાસ પણ અઘરો
નૌશાદ સોલંકી જણાવ્યું હતું કે, વિદેશમાં અભ્યાસ માટે જવા માંગતા અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટેનું આર્થિક સહાય પોર્ટલ બંધ છે. વર્ષમાં ફક્ત એક જ મહિનો તે ખુલે છે, જ્યારે વિદેશની સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના એડમીશન, વિઝા વગેરે પ્રોસેસ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ આ પોર્ટલ પર એપ્લાય કરી શકાય છે. દરેક દેશમાં તે માટે અલગ-અલગ મહિનાઓમાં પ્રક્રિયા થાય છે. એક જ મહિના માટે પોર્ટલ ખુલ્લુ રહેવાથી અનેક વિદ્યાર્થીઓ તે માટે એપ્લાય કરી શકતા નથી.
અનુસુચિત જાતિને પછાત રાખવાનો સરકારનો કારસો: નૌશાદ સોલંકી
કોંગ્રેસના ધારાસભ્યે જણાવ્યું હતું કે, અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ અભ્યાસ ના કરી શકે, જો અભ્યાસ પ્રાપ્ત કરે તો નોકરી ન મળે, જો સરકારી પરીક્ષા પાસ કરે તો મૌખિક કસોટીના આધારે તેમને નાપાસ કરવામાં આવે છે. આમ અનુસૂચિત જાતિને પછાત રાખવાનો સરકારનો કારસો છે.