ગાંધીનગર : અમદાવાદના કોટ વિસ્તારમાં કોરેના પૉઝિટિવના કેસો દિવસેને દિવસે વધી રહ્યાં છે, ત્યારે કોટ વિસ્તારમાં કરફ્યુ લાગુ કે નહીં તે બાબતની મહત્વની બેઠકમાં આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોટ વિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને આમંત્રણ પાઠવ્યું હતું. જેમાં એક ખાસ બેઠક મળી હતી, પરંતુ બેઠક બાદ મોડી સાંજે જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સીએમ નિવાસસ્થાન ખાતે બેઠક માટે આવે તે પહેલા તેઓએ ટેસ્ટ કરાવ્યો હતો. પરંતુ ત્યાં સુધી કોઈ રિઝલ્ટ આવ્યું ન હતું. ટેસ્ટ કરાયા બાદ ઈમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમાર અમદાવાદ થી ગાંધીનગર આવ્યા હતા.
મુખ્યપ્રધાન નિવાસસ્થાન ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે ખાસ બેઠક કરી હતી. આ બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકી પણ હાજર હતા. જો વાત કરવામાં આવે તો સાંજે કોરોના કેસમાં આજે રિપોર્ટ આવ્યા તે રિપોર્ટમાં અમદાવાદના જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પણ કોરોના પૉઝિટિવ આવ્યો હતો. તેઓ અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં દાખલ થયા હોવાની પણ પ્રાથમિક વિગતો સામે આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવાસસ્થાન ખાતે મળેલી બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ હાજર હતા. જેઓને અત્યારે પોઝિટિવ કેસ સામે આવ્યો છે. અત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી નાયબ, મુખ્યપ્રધાન નીતિન પટેલ, રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ તથા રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીને કોરોન્ટાઇન કરવામાં આવશે કે નહીં અથવા તો તે માટે કેવા પ્રકારના પગલાં રાજ્ય સરકાર લેશે તે જોવું રહ્યું.