ગાંધીનગર: 1 મે એટલે ગુજરાતનો સ્થાપના દિન, ગુજરાત રાજ્ય કોરોના વચ્ચે સ્થાપના દિનની ઉજવણી કરે તે પહેલાં જ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની જાહેર જનતા માટે અનેક જાહેરાતો કરી હતી. ગુજરાત સ્થાપના દિનના એક દિવસ પહેલા ઢળતી સાંજે સીએમ રૂપાણીએ ફેસબુકના માધ્યમથી જાહેરાત કરી હતી.
• APL કાર્ડ ધરાવતા 61 લાખ મધ્યમ વર્ગીય પરિવારોને મે મહિનામાં પણ નિઃશુલ્ક રાશન મળશે: 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1-1 કિલો દાળ-ખાંડ અપાશે: 7થી 12 મે વચ્ચે વિતરણ
• કોરોના વોરિયર્સ પર રાજ્ય કક્ષાની નિબંધ સ્પર્ધા, અનેક ઇનામો અપાશે: CM રૂપાણીએ લાઈવ સંદેશમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી
• કોઈપણ ઓપરેશન માટે હોસ્પિટલમાં જવાનું થાય અને કોરોના ટેસ્ટ કરાવવો પડે તો ખર્ચ સરકાર ઉઠાવશે: ગુજરાત સ્થાપના દિન માટે
#વિજયસંકલ્પ હેઠળ વીડિયો અપલોડ કરવા આહવાન
ગુજરાત સ્થાપના દિન પહેલા આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ફેસબૂક લાઈવ દરમિયાન અનેક નવી ઘોષણાઓ કરી હતી. તેમણે જાહેર કર્યું હતું કે, APL કાર્ડ ધરાવતા 61 લાખ મધ્યમ વર્ગીય પરિવારોને મે મહિનામાં પણ નિઃશુલ્ક રાશન મળશે. આવા પરિવારોને 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1-1 કિલો દાળ-ખાંડ અપાશે જેનું 7થી 12 મે વચ્ચે વિતરણ થશે. આ પરિવારોના અઢી કરોડ જેટલા સભ્યોને તેનાથી રાહત મળશે.
(2)બીજી મહત્વની જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે, મા અમૃતમ કે વાત્સલ્ય કાર્ડ ધરાવતા કોઈપણ નાગરિકને કોઈપણ ઓપરેશન માટે હોસ્પિટલમાં જવાનું થાય અને કોરોના ટેસ્ટ કરાવવો પડે તો ખર્ચ સરકાર ઉઠાવશે.
(3) આવતીકાલે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે કોરોના વોરિયર્સના સન્માન માટે #વિજયસંકલ્પ હેઠળ વીડિયો અપલોડ કરવા તેમણે આહવાન કર્યું હતું.
(4) પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલના વિદ્યાર્થીઓ માટે કોરોના વોરિયર્સ વિષય પર એક રાજ્યકક્ષાની નિબંધ સ્પર્ધાની પણ જાહેરાત કરી હતી. તેમાં વિજેતાઓને આકર્ષક ઇનામો અપાશે. વધુ વિગતો આવતીકાલે જાહેર થશે.
(5)કોરોનાને હરાવવા CM રૂપાણીએ લોકોનો સહકાર માંગ્યો હતો અને કેટલાક વ્રતનું પાલન કરવા અપીલ કરી હતી. તેમણે લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, રોજ વારંવાર સાબુથી હાથ ધોવા, માસ્ક વગર બહાર ન નીકળવા અપીલ કરી હતી. આ બધી બાબતો પર તથા કોરોના વોરિયર્સનો આભાર માનતા વીડિયો બનાવીને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ્સ પર મૂકવા પણ કહ્યું હતું.
(6)તેમણે ગુજરાતની ખુમારીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ભૂતકાળમાં પણ ગુજરાત અનેક સંકટમાંથી બહાર આવ્યું છે. કોરોનાને પણ આપણે હરાવીશું જ. તેમણે કહ્યું કે, ગુજરાતમાંથી આપણે અન્ય પ્રાંતના શ્રમિકોને તેમનાં રાજ્યોમાં મોકલવા પડ્યા છે, આપણાં શ્રમિકોને લાવવા પડ્યા નથી...એ જ ગુજરાતમાં ઉપલબ્ધ રોજગારીની તકોનો પુરાવો છે.