- પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસનું સ્ટિંગ ઓપરેશન
- સ્ટિંગ ઓપરેશન કરનારો અંકિત બારોટ કોણ છે?
- ભાજપે અંકિત સાથે કરી હતી ગદ્દારી
ગાંધીનગર : રાજ્યમાં આઠ વિધાનસભાની પેટા ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે પૂર્વ ધારાસભ્ય સોમાભાઇ પટેલના સ્ટિંગનો વીડિયો વાઇરલ કરીને બોમ્બ ફોડ્યો છે. સ્ટિંગ સમયે સામે બેઠેલો વ્યક્તિ જે હિન્દી ભાષામાં સોમાભાઇને સવાલ કરી રહ્યો છે, તે GMCમાં કોંગ્રેસનો કોર્પોરેટર અંકિત બારોટ હોવાનું સામે આવી છે, ત્યારે અંકિત બારોટ ETV BHARAT સાથે વાત કરતા અંકિતે જણાવ્યું કે, આ વીડિયો મારો નથી મારા જેવો અવાજ કાઢવામાં આવી રહ્યો છે. જો કે, જે બાદ તેમનો સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો.
આ વીડિયોમાં GMC કોર્પોરેશનનો કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટ?
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ લીંબડીના પૂર્વ ધારાસભ્ય સોમાભાઇ અને એક વાદળી રંગનો શર્ટ પહેરી મોઢે માસ્ક પહેરીને બેઠેલા યુવાન હિન્દીમાં વાતચીત કરી રહ્યા છે. આ સ્ટિંગ ઓપરેશન ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે થયું હોય તેવું જણાઇ રહ્યું છે. સોમાભાઇ સામે જે હિન્દીમાં વાતચીત કરી રહ્યો છે, તે ગાંધીનગર કોર્પોરેશનનો કોંગ્રેસનો કોર્પોરેટર અંકિત બારોટ છે. જો કે, અંકિત બારોટ આ બાબતે નનૈયો ભણી રહ્યો છે, પરંતુ બેસવાની રીત અને વાત કરવાની છટા પોતાની જ છે, જ્યારે એક ટીવી ચેનલમાં બે મહિના પહેલા સોમાભાઇને મળ્યો હોવાનું પણ કબૂલી રહ્યા છે. ત્યારે આ અંકિત બારોટ કોણ છે?
અંકિત બારોટ ગુજરાત પ્રદેશ NSUIના મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે
અંકિત બારોટ ગાંધીનગર મહાનગર પાલિકામાં વોર્ડ નંબર-4ના કોંગ્રેસના કોર્પોરેટર તરીકે કામગીરી કરે છે. અંકિત બારોટના પિતા અશ્વિન બારોટ પણ વર્ષોથી કોંગ્રેસમાં આગેવાન રહ્યા છે. અંકિત બારોટ વર્ષ 2011ના ગાંધીનગર મહાનગરપાલિકાની લડ્યા હતા, પરંતુ તેમને ચૂંટણી હારી ગયા હતા. જ્યારે વર્ષ 2016માં મહાનગર પાલિકાનું બીજું ઇલેક્શન થયું, ત્યારે વોર્ડ નંબર 4માં કોંગ્રેસની પેનલમાં માત્ર અંકિત બારોટ ચૂંટાયા હતા. જ્યારે અંકિત બારોટ ગુજરાત પ્રદેશ NSUIના મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.
4 નવેમ્બરના રોજ અંકિત બારોટનું અપહરણ કરવામાં આવ્યું હતું
5 નવેમ્બર, 2018ના રોજ ગાંધીનગર મહાનગર પાલિકામાં અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતા મેયરની વરણી કરવામાં આવનારી હતી. ત્યારે તેની પૂર્વ રાત્રી એટલે કે, 4 નવેમ્બરના રોજ અંકિત બારોટનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેનો સીધો આક્ષેપ ગાંધીનગરના વર્તમાન મેયર રીટાબેન પટેલના પતિ કેતન પટેલ, વોર્ડ નંબર 3ના વર્તમાન ભાજપના કોર્પોરેટર પ્રણવ પટેલ અને અન્ય એક વ્યક્તિ સામે અંકિત બારોટે આંગળી ચીંધી હતી. સેક્ટર 21 પોલીસ મથકમાં અંકિત બારોટની પત્ની દ્વારા ફરિયાદ દાખલ કરાવવા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી ફરિયાદ દાખલ થઇ નથી.
અંકિત બારોટ એકાએક પ્રગટ થયા હતા અને SP કચેરીએ ફરિયાદ દાખલ કરવા માટે પહોંચ્યા
બીજા દિવસે ગાંધીનગર શહેરમાં બે મોટી ઘટનાઓ બની હતી. જેમાં એક વિધાનસભા સંકુલમાં દીપડો ઘુસી ગયો હતો. જ્યારે મહાનગરપાલિકામાં ભાજપના મેયર તરીકે રીટા પટેલની નિમણૂક કરવામાં આવી હતી. તે સમયે દોઢ કલાકે અરસામાં મહાનગર પાલિકાની સામાન્ય સભા પૂર્ણ થઇ ગઇ હતી. જ્યારે આ સામાન્ય સભા પૂર્ણ થઈ ગઈ, ત્યાર બાદ બે કલાકના અરસામાં અંકિત બારોટ એકાએક પ્રગટ થયા હતા અને SP કચેરીએ ફરિયાદ દાખલ કરવા માટે પહોંચ્યા હતા, તેમની સાથે સ્થાનિક ધારાસભ્ય ચાવડા પણ હતા.
ભાજપ દ્વારા અંકિત બારોટને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનાવવાનું વચન આપવામાં આવ્યું હતું
સૂત્રોનું માનીએ તો ભાજપ દ્વારા અંકિત બારોટને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનાવવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ ભાજપના સભ્યોમાં રોષ જોવા મળતા સામાન્ય સભામાં અંતિમ સમયે નામમાં ફેરફાર કરી દેવામાં આવ્યો હતો. મેયરની નિમણૂક થઇ ગયા બાદ અંકિત બારોટ અને કોંગ્રેસ દ્વારા સતત કેતન પટેલ વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવે તે માટે રજૂઆતો કરવામાં આવતી હતી. સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરવામાં આવતા હતા. તેની સાથે કોંગ્રેસના સ્થાનિક આગેવાનો પણ સહયોગ આપતા હતા, પરંતુ આજદિન સુધી આ મામલે કોઇ પ્રકારની ફરિયાદ નોંધાઇ નથી.