- રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની વરણી
- પંકજ કુમાર હાલમાં રાજ્યના અધિક ગૃહ સચિવ
- રાજ્યના 30માં મુખ્ય સચિવ તરીકે બજાવશે ફરજ
ગાંધીનગર: રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ 31 ઓગસ્ટના રોજ વય નિવૃત્ત થઇ રહ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તેમને 6 મહિનાનું એક્સ્ટેન્શન પણ આપવામાં આવ્યું હતું. ત્યારે આજે શુક્રવારે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના આગામી મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની વરણી કરી છે. ત્યારે ETV Bharat દ્વારા પંકજ કુમાર સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે ગુડ ગવર્નન્સ સહિતના મુદ્દાઓ અંગે વાત કરી હતી.
મહેસૂલ વિભાગમાં કર્યા છે અનેક ફેરફારો
જ્યારે પંકજ કુમાર મહેસૂલ વિભાગમાં અગ્ર સચિવ તરીકેની ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે તેમણે અનેક મહત્ત્વના ફેરફાર કર્યા હતા. આ સાથે જ મહેસૂલ વિભાગમાં તમામ યોજનાઓ અને સહાય ઓનલાઈન કરવી, જમીનોની માપણી તથા ખેડૂતો માટેના સાત બારના ઉતારા સહિતના તમામ દસ્તાવેજો ઓનલાઈન કરવામાં પંકજ કુમારનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે.
હાલમાં ગૃહવિભાગના અગ્ર સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે
રાજ્ય સરકાર દ્વારા IAS અધિકારીઓની બદલી દરમિયાન પંકજ કુમારની પણ બદલી મહેસૂલ વિભાગમાંથી ગૃહ વિભાગમાં કરવામાં આવી હતી. ત્યારે ગૃહ વિભાગમાં પંકજ કુમાર અગ્ર સચિવ તરીકેની ફરજ બજાવી રહ્યા છે અને આ ફરજ દરમિયાન જ તેમને રાજ્ય સરકારે મુખ્ય સચિવ તરીકેની નિમણૂક કરવાની જાહેરાત કરી છે.
સાફ છબી ધરાવે છે પંકજ કુમાર
પંકજ કુમારના વ્યક્તિત્વની વાત કરવામાં આવે તો તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્યમાં સચિવ તરીકેની ફરજ બજાવી રહ્યા છે, પરંતુ તેઓ ક્યારેય પણ કોઈ પણ વિવાદમાં ફસાયા નથી. સાથે જ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની વધુ નજીક હોવાની વાતો પણ સામે આવી રહી છે. આમ, સાફ છબી ધરાવતા પંકજ કુમારની હવે રાજ્યના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને તેઓ 1 સપ્ટેમ્બરના રોજ કાર્યકાળ સંભાળશે.
કોરોનામાં આપી હતી મહત્વની જવાબદારી
કોરોનાકાળ દરમિયાન રાજ્ય સરકારે પંકજ કુમારને મહત્વની જવાબદારીઓ સોંપી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે 1200 બેડની હોસ્પિટલ પણ ગણતરીના દિવસોમાં જ પંકજ કુમારે તાબડતોડ ઊભી કરી હતી અને રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાની કામગીરીમાં પણ તેઓએ મહત્વની જવાબદારી સંભાળી હતી.
જિલ્લા કલેક્ટરોની ઓનલાઇન કામગીરીનું નિરીક્ષણ કરતા હતા પંકજ કુમાર
પંકજકુમાર જ્યારે મહેસૂલ વિભાગના અગ્ર સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે રાજ્યના તમામ જીલ્લા કલેક્ટરોને ટ્વિટરના માધ્યમથી તેઓએ કરેલી કામગીરી બાબતે ઓનલાઇન નિરીક્ષણ કરતા હતા અને તમામ જીલ્લા કલેક્ટરોને તેઓએ કરેલી કામગીરીની તમામ ચીજ વસ્તુઓને ઓનલાઇન મૂકવાની પણ સૂચનાઓ પંકજકુમાર દ્વારા આપવામાં આવતી હતી. આ સાથે કલેક્ટરો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં નાઈટ મિટિંગનું આયોજન પણ પંકજકુમારના વડપણ હેઠળ યોજવામાં આવતું હતું.