- રાજ્ય સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી શરૂ
- 1 ઓગષ્ટ થી 9 ઓગષ્ટ સુધી થશે ઉજવણી
- રાજ્યના કુલ બજેટના સૌથી વધુ 14.41 ટકા ફાળવણી
ગાંધીનગર : રાજ્યમાં તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ ભાજપ સરકારમાંથી ફક્ત મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણીએ પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે આ પાંચ વર્ષની ઉજવણી 1થી 9 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં કરવામાં આવશે. આમ, જેથી એક ઓગસ્ટના દિવસે શિક્ષણ ક્ષેત્રમાં પાંચ વર્ષમાં કરેલા કાર્યોની સિદ્ધિ અને આગામી ભવિષ્યના આયોજનો અને નવા કાર્યક્રમોની જાહેરાત પણ રવિવારે 1 ઓગસ્ટના દિવસે ગાંધીનગરના મહાત્મા ગાંધી મંદિર ખાતે કાર્યક્રમમાં ઉજવણી કરવામાં આવશે.
'5 વર્ષ શિક્ષણ ક્ષેત્રે'ની ઉજવણી
રાજ્ય સરકાર દ્વારા 'પાંચ વર્ષ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસરતાના''ની થીમના આધારે, ''જ્ઞાનકુંજ પ્રોજેક્ટ'' અંતર્ગત 1 ઓગસ્ટ, 2021ના રોજ – ''જ્ઞાન શક્તિ દિવસ'' અંતર્ગત મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળ અને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે રાજ્યની 100 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા 51 ઉચ્ચ શિક્ષણના કાર્યક્રમો સહિત કુલ 151 કાર્યક્રમો યોજાશે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 135 કરોડના ખર્ચે 3659 શાળાઓના તૈયાર થયેલા 12 હજાર જેટલા સ્માર્ટ ક્લાસનું પણ લોકાર્પણ કરવામાં આવશે. રૂ. 95 કરોડના ખર્ચે તૈયાર થયેલા 1050 શાળાના ઓરડાઓ, રૂ. 10 કરોડ 26 લાખના ખર્ચે તૈયાર થયેલા 71 પંચાયત ઘર, રૂ. 4 કરોડ 80 લાખના ખર્ચે નિર્માણ પામેલા ધોળકા અને નવસારી તાલુકા પંચાયતના મકાનનું લોકાર્પણ પણ કરવામાં આવશે. જયારે રૂ. 35 કરોડના ખર્ચે નિર્મિત 256 માધ્યમિક શાળાઓમાં કમ્પ્યુટર લેબનો શુભારંભ કરવામાં આવશે.
2008 વિધાર્થીઓને ટેબ્લેટ
આ પ્રસંગે શોધ યોજના અંતર્ગત 1000 પીએચ.ડી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત 2008 વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય વિતરણ તેમજ નમો ઈ-ટેબલેટ વિતરણ કરવામાં આવશે તેમજ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી હેઠળ રાજ્યની 16 કોલેજો અને યુનિવર્સિટીઓ સાથે એમઓયુ કરવામાં આવશે જેનો 18,670 વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે. રૂ. 58 કરોડના ખર્ચે રાજ્યમાં વિવિધ 647શાળાના ઓરડાઓ, રૂ. 2076 કરોડના ખર્ચે 144 પંચાયત ઘર નિર્માણ માટે પણ ખાતમુહર્તના કાર્યક્રમ પણ આ તબક્કે યોજાશે.
6 વર્ષ માટે મિશન સ્કૂલ એક્સલન્સ પ્રોજેકટ
21 મી સદીમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકાય તે હેતુસર આગામી 6 વર્ષમાં ‘મિશન સ્કુલ ઓફ એક્સલન્સ’ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. ગુજરાતનો વિદ્યાર્થી વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે તે હેતુથી રાજ્ય સરકાર આ પ્રોજેક્ટને અમલમાં મૂકી રહી છે. ‘મિશન સ્કુલ ઓફ એક્સલન્સ’ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંક,એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) તેમજ એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) પાસેથી કુલ રૂ. 6375 કરોડનું ભંડોળ મેળવી રાજ્યની શાળાઓના જર્જરીત ઓરડાઓનું રીપેરીંગ કામ તેમજ નવા બનાવવાની કામગીરી પણ કરવામાં આવશે.આ મિશન હેઠળ 15,000 સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને આવરી લઇ, આ શાળાઓમાં સિવિલ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચરને અત્યાધુનિક કરવામાં આવશે.
પ્રાચીન શાળાઓનું નવીનીકરણ થશે
રાજ્યમાં આવેલી ઐતિહાસિક મહત્વ અને વિશષ્ટ પ્રકારના હેરિટેજ સ્થાપત્ય ધરાવતી પ્રાચીન શાળાઓના નવિનીકરણ માટે ‘હેરિટેજ સ્કુલ્સ રીનોવેશન પ્રોગ્રામ’ માટે 25 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
લોકડાઉનમાં પણ વિધાર્થીઓને સહાય
રાજ્યની સરકારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા દેશભરમાં જ્યારે લોકડાઉન જાહેર થયું, ત્યારે મધ્યાહન ભોજન યોજના હેઠળ નોંધાયેલા તમામ 50.35 લાખ વિદ્યાર્થીઓને 16 માર્ચ 2020 થી 1 ફેબ્રુઆરી 2021 સુધી એટલે 247 શાળાના દિવસો દરમ્યાન તમામ વિદ્યાર્થીઓને ફૂડ સિક્યુરિટી એલાઉન્સીસ અંતર્ગત રૂ. 731.75 કરોડના ખર્ચે અને 1,48,117 મેટ્રિક ટન અનાજની ફાળવણી તબક્કાવાર કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ
ભારતની શિક્ષણ વ્યવસ્થાને પરતંત્રતાની બેડીઓમાંથી મુક્ત કરવા, દેશને આધુનિક બનાવવા આશરે એક વર્ષ પૂર્વે જ ભારતમાં જે નવી ‘’રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’’ બની છે. આ શિક્ષણ નીતિ તમને તમારી ભાષામાં અભ્યાસ કરવાનો વિકલ્પ આપે છે. આ શિક્ષણ નીતિ ઉદ્યોગ સાહસિકતા, સ્વ-રોજગારને પણ પ્રોત્સાહન આપે છે. આ શિક્ષણ નીતિ સંશોધનને, ઇનોવેશનને પ્રોત્સાહન આપે છે. આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આ શિક્ષણ નીતિ પણ એક મહત્વનો પડાવ છે.
5 વર્ષના શિક્ષણ ક્ષેત્રે ઉજવણી
ગુજરાતના ''પાંચ વર્ષ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસરતાના''ની કરીયે તો, વિકાસની હરણફાળ ભરી રહેલું ગુજરાત આ બાબતને અત્યંત સારી રીતે સમજે છે કે 21-મી સદી એ જ્ઞાન અને વિજ્ઞાનની સદી છે. આ કારણે જ, રાજ્યના વિદ્યાર્થીઓને વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન આપી ગુજરાતને એજ્યુકેશનલ હબ બનાવવા રાજ્યના કુલ બજેટના સૌથી વધુ 14.41 ટકા જેટલી રૂ. 32,719 કરોડની રકમ શિક્ષણ વિભાગના બજેટને ફાળવવામાં આવી છે.
ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો
રાજ્યમાં શિક્ષણ, તેને સંલગ્ન માળખાકીય સુવિધાઓ અને સંશોધનની દિશામાં થયેલી પ્રગતિ ઉપર નજર નાખીશું તો જણાશે કે, રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ સ્માર્ટ કલાસીસ સહિતની વ્યવસ્થાઓ મારફતે આ સરકારે બે દાયકામાં ડ્રોપ આઉટ રેશિયો 18.79 ટકાથી ઘટાડી 3.39 ટકા જેટલો નીચો છે. ભૂતકાળની સાપેક્ષમાં પાછલા બે-અઢી દાયકામાં સ્ટુડન્ટ કલાસરૂમ રેશિયો પણ એક વર્ગ ખંડ દિઠ 38 થી ઘટાડી 27 અને 40 વિદ્યાર્થી દિઠ એક શિક્ષકથી હવે 28 વિદ્યાર્થી દિઠ એક શિક્ષક સુધી લઇ જવાયો છે.
રાજયમાં શિક્ષકોની ભરતી થશે
શિક્ષણના સુદ્રઢીકરણ માટે શાળામાં પૂરતા શિક્ષકોની અનિવાર્યતા આવશ્યક છે. આ કારણે જ, રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 3900 વિદ્યાસહાયકો, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણમાં 5810 અને ઉચ્ચશિક્ષણ-કોલેજોમાં 927 અધ્યાપક સહાયકોની ભરતી આવનારા સમયમાં થવાની છે. રાજ્ય સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં સરકારી માધ્યમિક શાળાઓમાં કુલ 13,962 તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 3921 શિક્ષકોની ભરતી કરી છે, રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં કુલ 500 સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સહિતની શાળાઓને મંજૂરી આપી છે. રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે લેવામાં આવેલા અનેક નિર્ણયોને કારણે છેલ્લા બે દાયકામાં સાક્ષરતા દર ૨૦૦૧માં 69.14 ટકા સાક્ષરતા દર હતો તે હવે 78.03 ટકા પર પહોંચ્યો છે.
પરીક્ષામાં સરકાર એલર્ટ
બોર્ડ અને યુનિવર્સિટીમાં પરીક્ષા નું પેપર લીક ના થાય તે માટે પરીક્ષાનું પ્રશ્નપત્ર ગોડાઉનથી લઇને કલાસરૂમ સુધી પહોચતા સુધી સંપૂર્ણ સુરક્ષિત અને સીલ બોક્ષમાં છે તેની જડબેસલાક ખાતરી માટે શિક્ષણ વિભાગે ખાસ મોબાઇલ એપ્લીકેશન પેપર બોક્ષ ઓથેન્ટીકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લીકેશન PATA વિકસાવી છે. ધો-10 અને 12 ની જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિને કોઇ જ અવકાશ ન રહે તે માટે પરીક્ષા કેન્દ્રો ઉપર વીજીલન્સ સ્કવોડ, સી.સી.ટીવી કેમેરા અને ટેબ્લેટથી સતત દેખરેખ રાખવામાં આવે છે.