- 41 મિનિટ સુધી એક જ પ્રશ્ન મુદ્દે ચર્ચા
- તુવેર અને તુવેરની દાળ મુદ્દે થઈ ચર્ચા
- સરકાર તુવેરદાળ 39 રૂપિયે ખરીદી 78માં વેચે છે - કોંગી ધારસભ્ય
ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં શુક્રવારે પ્રથમ કલાકમાં કૃષિ ગ્રામીણ વિકાસ, વાહન વ્યવહાર, નાગરિક પુરવઠા અને ગ્રાહકની બાબતે વિધાનસભા પ્રશ્નોત્તરીમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ફક્ત એક જ કલાક 41 મિનિટ જેટલો સમય ફક્ત તુવેરની દાળ અને તુવેરની ખરીદીના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બન્ને પક્ષ સામે આવી ગયા હતા. જ્યારે મુખ્યપ્રધાન અને ગૃહના નેતા વિજય રૂપાણીએ તેમના નિવેદન દરમિયાન જણાવ્યું હતું કે, આ લોકો કંઈ સમજતા જ નથી.
પક્ષ વિપક્ષનો એક બીજા પર આક્ષેપ
વિધાનસભા ગૃહમાં તુવેરદાળની ખરીદી અને વેચાણને લઈને ભાજપ કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્યોએ તુવેરદાળની ખરીદીને કાળા બજારી ગણાવ્યું, અને સરકાર તુવેરદાળ 39 રૂપિયા કિલોના ભાવે ખરીદે છે અને 78 રૂપિયામાં વેચે છે, તેવા આક્ષેપ વિધાનસભા ગૃહમાં પરેશ ધાનાણીએ કર્યા હતા.
આ પણ વાંચો: શહેરી વિસ્તારમાં માલ મિલકત પર વેરા માફીની વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે કરી માગ
કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાનો જવાબ
વિધાનસભા ગૃહમાં કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ ગૃહમાં જણાવ્યું હતું કે, સરકાર 51 રૂપિયે કિલોના ભાવે તુવેરદાળ ખરીદે છે અને 61 રૂપિયામાં વેચાણ કરવામાં આવે છે, જ્યારે સરકાર દ્વારા 20 રૂપિયા સબસિડી ચૂકવવામાં આવે છે.
તુવેર દાળ ખરીદી મામલે પક્ષ-વિપક્ષ આમને સામને
વિધાનસભા ગૃહમાં તુવેરની દાળ મુદ્દે કોંગ્રેસનો હોબાળો થયો હતો. જેમાં તુવેર દાળ ખરીદ-વેચાણ મુદ્દા વિશે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ગૃહમાં જણાવ્યું હતું કે, 'ખેડૂતોને પાકના ભાવ મળતા નથી, ગરીબોને મોંઘવારી ખાઈ જાય છે અને વચ્ચેની મલાઈ સરકાર ખાય છે' તેવુ નિવેદન વિધાનસભા ગૃહમાં આપતા પક્ષ અને વિપક્ષ આમને-સામને આવી ગયા હતા. જ્યારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ તાત્કાલિક જવાબ આપ્યો હતો કે, ખેડૂતોને વધુ ફાયદો થાય તે રીતે સરકાર કામ કરે છે.
સરકારના પરિપત્ર પર હોબાળો
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, સરકારના પરિપત્રમાં 39 રૂપિયે કિલો તુવેર ખરીદી દર્શાવી છે, સરકાર 91 રૂપિયે કિલો તુવેરદાળ ખરીદે છે. તુવેરદાળ ખરીદીમાં આટલો મોટો તફાવત કેમ? સરકાર તુવેર દાળ ખરીદીમાં તફાવત સમજાવે, જેમાં CM રૂપાણીએ જવાબ આપ્યો હતો કે, સરકાર 91 રૂપિયે ખેડૂતો પાસેથી દાળ ખરીદી કરીએ છીએ, 91 રૂપિયામાં 30 રૂપિયા સબસિડી આપી ગરીબોને દાળ આપીએ છીએ, સરકારની ખરીદીથી ખેડૂતોને મોટો નફો થયો છે.
આ પણ વાંચો: વિધાનસભા ગૃહમાં દરિયા કિનારે શિપ બિલ્ડીંગ અંગે સરકારે આપ્યો જવાબ
3 ધારાસભ્યને બહાર કાઢવામાં આવ્યા
વિધાનસભા ગૃહમાં તુવેરની દાળ મુદ્દે વિપક્ષ આમને-સામને આવી ગયા હતા, ત્યારે ત્રણ ધારાસભ્યો વિધાનસભાનો હોબાળો મચાવી રહ્યા હતા. તેને ધ્યાનમાં રાખીને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડ્યાને બહાર જવાની સૂચના આપી હતી. આ દરમિયાન અમરીશ ડેરે ધારાસભ્યોને વિધાનસભા કેન્ટિનમાં સાથે ચા પીવાની સલાહ આપી હતી. ત્યારે વિધાનસભા અધ્યક્ષે અમરીશ ડેરને પણ બહાર જવાની સૂચના આપી હતી. આમ અંતે એક કલાકમાં ફક્ત માત્ર 8 પ્રશ્નો જ ચર્ચા કરવામાં આવી હતી.