ગાંધીનગરઃ કોરોના વાઇરસને ડામવા માટે તંત્ર દ્વારા થઈ રહેલા પ્રયાસોની વચ્ચે પાટનગરમાં બુધવારે વધુ 8 વ્યક્તિ સંક્રમિત થયાં છે. સેકટર-29માં રહેતા દંપતિમાં 56 વર્ષીય પુરૂષ અને 55 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત સેકટર-8 ખાતે રહેતી 37 વર્ષીય મહિલા અને સેકટર-8 ખાતે રહેતી 70 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
સેકટર-4સી ખાતે રહેતા અને ઉદ્યોગભવનના ઈલેક્ટ્રિક વિભાગમાં ફરજ બજવતા 54 વર્ષીય પુરૂષ તથા GEB કોલોનીમાં રહેતા 58 વર્ષીય ઓપરેટર કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત સેકટર-5 ખાતે રહેતા અને જૂના સચિવાલયના બ્લોક નં-5માં ઓપરેટર તરીકે ફરજ બજાવતા 30 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે, તેને લક્ષણો નહીં જણાતા હોમ આઈસોલેશનમાં રખાયા છે.
સત્તાવાર યાદી મુજબ, ગાંધીનગરમાં અત્યાર સુધીમાં 253 દર્દી નોંધાયા છે. જેમાંથી 195 દર્દી સાજા થઈ જતાં ડિસ્ચાર્જ કરાયાં છે, જ્યારે 51 દર્દી હજૂ સારવાર હેઠળ છે. આ ઉપરાંત સારવાર દરમિયાન કુલ 7 વ્યક્તિના મોત થયા છે. સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા 301 વ્યક્તિ હાલ ક્વોરેન્ટાઈન હેઠળ છે. જેમાં 257ને હોમ ક્વોરેન્ટાઈ અને 44ને સરકારી ફેસિલિટીમાં રાખવામાં આવ્યાં છે.
ગ્રામ્ય વિસ્તારમાં ગાંધીગર તાલુકામાં એક સ્ત્રી દર્દીનું મોત થયુ છે અને 9 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમાં વાવોલમાં 3 કેસ નોંધાયા છે. જેમાં 67 વર્ષની સ્ત્રી તેમજ 70 અને 58 વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પેથાપુરમા રહેતાં અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ICU વિભાગમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર સંક્રમિત થયા છે. આ સાથે જ ઉનાવામાં 30 વર્ષનો યુવક, કસ્તુરીનગરમાં 19 વર્ષનો યુવક, કોલવડામાં 20 વર્ષનો યુવક, અડાલજમાં 54 વર્ષનો પુરૂષ અને સરગાસણમાં 62 વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે, જ્યારે કલોલના સઇજમાં 72 વર્ષના વૃધ્ધ તેમજ શહેરમાં 59 અને 40 વર્ષના પુરૂષ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
માણસાના રામપુરાની 40 વર્ષની મહિલા કોઇની ખબર જોવા ગયા બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ ધનપુરાના 65 વર્ષના પુરૂષ પણ મરણ પ્રસંગે જતા સંક્રમિત થતા તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે અને પરબતપુરા ગામના 46 વર્ષના પુરૂષ તાવની બિમારીમાં સપડાયા બાદ તેમનો રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. આ ઉપરાંત પરબતપુરામાં 50 વર્ષની ઉંમરના પુરૂષ પણ તાવના લક્ષણો બાદ સંક્રમિત થતાં કોરોના પોઝિટિવ આવ્યા છે. જો કે, માણસા તાલુકામાં 4 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, પરંતુ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હજૂ સુધી પોઝિટિવ દર્દીની યાદીમાં દર્શાવાયા નથી.
જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાગ્રસ્ત દર્દીના મોતની સંખ્યા 40 અને પોઝિટિવ દર્દીનો આંકડો 559 નોંધાયો છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તાલુકા મુજબના કુલ આંકડા છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જિલ્લાના 4 તાલુકા પૈકી કયા તાલુકો વધુ સંક્રમિત છે, તેની જાણકારી સામાન્ય પ્રજા મેળવી શકતી નથી.