- છેલ્લા 24 કલાકમાં 12,545 પોઝિટિવ કેસ
- 13,021 દર્દીઓ કોરોનાને આપી માત
- છેલ્લા 24 કલાકમાં 123 દર્દીના મોત નિપજ્યા
ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, જોકે, મે મહીનામાં કોરોનાના પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકની અંદર કોરોનાના 12,545 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે ગુરુવારે 13,021 દર્દીઓએ કોરોનાને માત આપી છે. છેલ્લા 24 કલાકમાં 123 દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું છે.

અમદાવાદમાં કોરોનાના નવા 3884 પોઝિટિવ કેસ નોંધાયા
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી પ્રમાણે અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના 5000થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા હતા. જોકે, આજે ગુરુવારે અનેક દિવસો બાદ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 3884 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે શહેરમાં આજે 5103 દર્દીઓએ કોરોનાને માત આપી છે. સુરતમાં 1039, રાજકોટ 256 અને વડોદરામાં 638 કેસ નોંધાયા છે. રાજ્યનો રિકવરી રેટ 75.92 ટકા નોંધાયો છે.
રાજ્યમાં કેટલા નાગરિકોનું થયું રસીકરણ
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની યાદીમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 1,01,60,781 વ્યક્તિઓના પ્રથમ ડોઝનું અને 28,69,476 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે, જ્યારે સમગ્ર રાજ્યમાં 1,30,30,257ને રસીકરણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા 1 મેથી 18 વર્ષથી ઉપરના યુવાનોને રસીકરણનો નવો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે રાજ્યમાં ફક્ત 10 જિલ્લાની અંદર જ વેક્સિનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં આજે ગુરુવારે 18થી 44 વર્ષના વ્યક્તિઓને રસી લગાવવામાં આવી હતી. જેમાં કુલ 27,776 વ્યક્તિને રસી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકનું કોરોના અપડેટ: 12,955 પોઝિટિવ, 12,955 દર્દી સ્વસ્થ થયા, 133 દર્દીના મૃત્યુ
રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ
રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 1,47,525 એક્ટિવ કેસ છે. જેમાં 786 વેન્ટિલેટર પર અને 1,46,739 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 8035 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,90,412 દર્દીઓએ કોરોનાને માત આપી છે.