- કુલ 10,577 કિલોમીટરના રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું
- સરકાર હસ્તક 9,605 કિલોમીટરના રસ્તાનું રિપેરિંગ કરાયું
- ઇજારદારો દ્વારા 1,071 કિલોમીટરના રસ્તા રિપેર કરવામાં આવ્યા
ગાંધીનગર : રાજ્યમાં ચાલુ વરસાદની સિઝનમાં ૧૨૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો. જેના કારણે રાજ્યના અનેક રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગઈ હતી. ત્યારે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં રોડ-રસ્તાનો સર્વે કરાવ્યા બાદ દિવાળી પહેલા તમામ રસ્તાઓનો સંપૂર્ણ તૈયાર કરી દેવામાં આવશે, તેવી જાહેરાત કરી હતી. ત્યારે ગુરૂવારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે નુકસાન થયું હતું તેવા રસ્તાઓનું સમારકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં 10,000 કિલોમીટરથી વધુના રસ્તાઓ ફરીથી તૈયાર કરી દેવામાં આવ્યા છે.
75,000 કિલોમીટરના રસ્તાઓને થયું હતું નુકસાન
રાજ્યમાં ભારે વરસાદના કારણે કુલ 75,000 કિલોમીટરના રાજસ્થાને નુકસાન થયું હતું. જેમાંથી 10,000 જેટલા રસ્તાઓને ભારે નુકસાન થયું હતું. રાજ્ય સરકારના હસ્તક આવતા કુલ 9,605 કિલોમીટરના રસ્તા રાજ્ય સરકારે બનાવ્યા છે. જ્યારે 3 વર્ષની અંદર રસ્તા ખરાબ થઈ જાય તો તે રસ્તાઓ કોન્ટ્રાકરો બનાવવાના હોય છે, તેવા કુલ ૧,૦૭૧ કિલોમીટરના રસ્તાઓ કોન્ટ્રાક્ટર દ્વારા એટલે કે ઇજારદારો દ્વારા બનાવવામાં આવ્યા છે.
3,67, 900 મેટ્રિક ટન મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ ખરાબ થયા હતા, એવા રસ્તા હવે તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં સીમેન્ટ અને કપચીનું મિશ્રણની જ વાત કરવામાં આવે તો કુલ 3,67,009 મેટ્રિક ટન મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે કે 36,790 ડમ્પર જેટલો જથ્થો વાપરવામાં આવ્યો છે.
નેશનલ હાઇવે ઓથોરિટીએ પોતાની રીતે રસ્તા રિપેર કર્યા
ઉલ્લેખનીય છે કે, વરસાદના કારણે નેશનલ હાઈવેના અમુક રસ્તાઓ પણ ધોવાઇ ગયા હતા. ત્યારે નેશનલ હાઈવેના પણ રિપેરિંગ કામ કરવામાં આવ્યા છે. જે તમામ કામ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પોતાની રીતે કરવામાં આવ્યા હોવાનું નિવેદન પર નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આપ્યું છે.