- 31stની ઉજવણીમાં દારૂ પીને ગુજરાતમાં પ્રવેશનારા પર તવાઇ
- વલસાડ પોલીસે ગોઠવ્યો ચુસ્ત પોલીસ બંદોબસ્ત
- કોરોના મહામારીના સંક્રમણને રોકવા અલાયદા હોલ ભાડે રાખ્યા
વાપી : વલસાડ જિલ્લામાં દર વર્ષે 30મી અને 31મી ડિસેમ્બરે વલસાડ પોલીસ ખાસ અભિયાન હાથ ધરે છે. આ અભિયાન સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તેમજ મહારાષ્ટ્રમાંથી દારૂની પાર્ટી કરી ગુજરાતમાં પ્રવેશતા શરાબીઓને પકડવાનું હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસે શરાબીઓને પકડવા વિશેષ વ્યવસ્થા ઉભી કરી છે.
ચેકપોસ્ટ પર પોલીસ સાથે ડોક્ટરની ટીમ તૈનાત
આ અંગે વાપી ડિવિઝનના DYSP વિરભદ્રસિંહ જાડેજા જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ સંઘપ્રદેશ દમણ-સેલવાસ અને મહારાષ્ટ્ર રાજ્ય એમ ત્રણેય બોર્ડર પર 2 દિવસનું ચેકીંગ ડ્રાઈવ છે. જેમાં સંઘપ્રદેશમાંથી કે, મહારાષ્ટ્ર રાજ્યમાંથી શરાબનું સેવન કરી ગુજરાતમાં પ્રવેશતા શરાબીઓને પકડવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં કોરોના મહામારીને ધ્યાને રાખી આ વખતે ચેકપોસ્ટ પર ડોક્ટરની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. દરેક ચેકપોસ્ટ પર બ્રેથ એનેલાઈઝરથી ચકાસણી કરવામાં આવશે.
જિલ્લાનો 80 ટકા સ્ટાફ બોર્ડર પર રહેશે
દારૂ પીને આવનારા પિયકકડોને પકડ્યા બાદ કોરોના મહામારીને ધ્યાને રાખી સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે વાપી પોલીસ સ્ટેશનમાં અલાયદો મંડપ ઉભો કર્યો છે. સિનિયર સીટીઝન હોલ પણ બુક કર્યો છે. GIDC પોલીસ સ્ટેશન હેઠળ પકડાયેલા શરાબીઓ માટે VIA હોલ અને ડુંગરા પોલીસ મથક માટે છરવાડામાં હોલ ભાડે લેવાયો છે. 2 દિવસની આ ડ્રાઈવ માટે જિલ્લાની ચેકપોસ્ટ પર 80 ટકા જેટલો સ્ટાફ આ કાર્યવાહીમાં રોકાશે. જેમાં શરાબીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરશે.
લોકો દારૂના દુષણથી દૂર રહે
વધુમાં DYSP એ નગરજનોને અપીલ કરી હતી કે, 31stની ઉજવણીમાં લોકો દારૂ પીવાના દુષણથી દૂર રહે તે ખૂબ જ જરૂરી છે. જે તેનું પાલન નહિ કરે તેમણે કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડેશે. અને સામાજિક નુકસાની પણ સહન કરવી પડશે.
વાપી ટાઉન પોલીસે શરાબીઓને પકડવા હાથ ધર્યું અભિયાન
ઉલ્લેખનીય છે. 31મી ડિસેમ્બરે શરાબીઓને પકડવાના અભિયાનનો વાપી ટાઉન પોલીસે 29મી ડિસેમ્બરથી જ શુભારંભ કરી 30થી વધુ દારૂડિયાઓની ધરપકડ કરી છે. જ્યારે GIDC પોલીસ સ્ટેશન, ડુંગરા પોલીસ સ્ટેશન, ભિલાડ પોલીસ સ્ટેશન, ઉમરગામ પોલીસ સ્ટેશને 30 મી ડિસેમ્બર બપોર બાદ અભિયાનનો શુભારંભ કર્યો હતો.