- નંદીગ્રામ ચેકપોસ્ટ પર વહીવટીતંત્રની તૈયારીઓ શરૂ
- ત્રીજી લહેરને ધ્યાને રાખી વાહનચાલકોનું ચેકીંગ હાથ ધરાશે
- મંડપ, લાઇટિંગ સહિતની તૈયારીઓ શરૂ કરાઇ
વાપી- વલસાડ જિલ્લાના નંદીગ્રામ ચેકપોસ્ટ પર વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચેકપોસ્ટ ઉભી કરવાની કામગીરી હાથ ધરાઈ છે. નેશનલ હાઇવે નંબર 48 પર આગામી એકાદ બે દિવસ બાદ સંભવિત કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને રાખી આરોગ્યની અને પોલીસની ટીમ તૈનાત કરવામાં આવશે. મહારાષ્ટ્ર અને કેરળમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને રાખી ગુજરાતમાં આવનારા વાહનચાલકોનું સ્ક્રિનિંગ, ટેસ્ટિંગ, વેક્સિન રિપોર્ટનું ચેકીંગ અને નોંધણી કરવામાં આવ્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ અપાશે.
કેરળ અને મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો
દેશમાં કેરળ અને મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે. ત્યારે સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારના આદેશ મુજબ વલસાડ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. વલસાડ જિલ્લો સરહદી જિલ્લો હોવાથી તેની મહારાષ્ટ્રને જોડતી સરહદ છે. આ સરહદ પરથી નેશનલ હાઇવે નંબર 48 પસાર થાય છે. જેની નંદીગ્રામ ચેકપોસ્ટ ખાતે વલસાડ જિલ્લા આર એન્ડ બી વિભાગ દ્વારા ચેકપોસ્ટ માટેના મંડપ, લાઇટિંગ, ટેબલ ગોઠવવા સહિત R&B વિભાગ દ્વારા ઝાડ કટિંગ સાફ-સફાઈ સહિતની કામગીરી હાથ ધરાઈ છે.
આરોગ્ય-પોલીસની ટીમ તૈનાત કરાશે
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને રાખી આગામી એકાદ બે દિવસમાં અહીં ચેકપોસ્ટ પર આરોગ્યની અને પોલીસની ટીમ તૈનાત કરવામાં આવશે. જે ગુજરાતમાં પ્રવેશતા વાહનચાલકોનું થર્મલ ગન વડે સ્ક્રીનીંગ કરશે, કોવિડ વેક્સિનના સર્ટિફિકેટ ચેક કરશે. પસાર થતા વાહનોની અને પ્રવાસીઓની નોંધણી કરશે અને તે બાદ જ કોરોના ગાઈડલાઈનના નિયમ મુજબ ગુજરાતમાં પ્રવેશની છૂટ આપશે.
ચેકપોસ્ટ ઉભી કરવાની કામગીરી ચાલી રહી છે
જો કે, હાલ તો અહીં ચેકપોસ્ટ ઉભી કરવાની કામગીરી ચાલી રહી છે. 24 કલાક આરોગ્ય અને પોલીસની ટીમ તૈનાત રહેવાની હોવાથી તેમના માટે 3 જેટલા મંડપ ઉભા કર્યા છે. લાઇટિંગ, ટેબલ, પંખાની વ્યવસ્થા કરાઈ છે. ચેકીંગ ટીમને અન્ય કોઈ અગવડ ના પડે તે માટે પાણી સહિતની વ્યવસ્થાને પણ ધ્યાનમાં લઈ તૈયારીઓ શરૂ કરાઇ છે.
હાલ વાહનચાલકોની અવરજવર પર કોઈ રોક નથી
વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં લઈને આ તૈયારીઓ પૂર્ણ થયા બાદ સરકારના આદેશ મુજબ આરોગ્યની અને પોલીસની ટીમ એકાદ બે દિવસમાં તૈનાત કરશે તેવી વિગતો આરોગ્ય વિભાગ તરફથી જાણવા મળી હતી. હાલમાં અહીં કોઈ જ ચેકીંગ ના હોવાથી બેરોકટોક વાહનચાલકો ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે અને ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યા છે.