વલસાડઃ જિલ્લામાં વાપી તાલુકાના રાતા ગામે આવેલા અજિત સેવા ટ્રસ્ટ દ્વારા ગામની મંદિર માટેની ખુલ્લી જગ્યાને પોતાની ગણી બાંધકામ શરૂ કરતાં આસપાસના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. જગ્યા માટે ગામના સરપંચ, સભ્ય અને સ્થાનિકોનું કહેવું છે કે આ જગ્યાનો હાલ કોઈ રેકોર્ડ પંચાયત પાસે નથી. ટ્રસ્ટ કહે છે કે તેમની પાસે રજીસ્ટર્ડ દસ્તાવેજ છે. જો જમીન ટ્રસ્ટની નહિ નીકળે તો કબ્જો છોડી દઈશું પણ કામ હાલ બંધ નહિ કરીએ.
વાપીના રાતા ગામે વર્ષોથી આવેલા અજિત સેવા ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની જમીન નજીક એક કોમન પ્લોટની જગ્યા પર બાંધકામ શરૂ કરી રૂમ બનાવવાની તૈયારીઓ હાથ ધરાતા આસપાસના લોકોએ તેનો વિરોધ કર્યો છે. માત્ર 12 X 24 ની જમીનનો આ ટુકડો હાલ વિવાદનું કારણ બન્યો છે. આ અંગે ગામના સરપંચ મિતેષ પટેલ અને સભ્ય અનિલ ધનપાલનું કહેવું છે કે આ જગ્યા ગુલાબનગર વિસ્તારની છે. જે વર્ષ 1988માં NA થયેલી હતી, જે દરમિયાન અહીં મંદિર માટે અને કોમન પ્લોટ માટે જગ્યા ફાળવાયેલી હતી. જો કે આ અંગેનો કોઈ રેકોર્ડ પંચાયતમાં નથી, પરંતુ જગ્યા છે અને NA પણ થયેલ છે એટલે એનો રેકોર્ડ DLRમાં હશે જ પરંતુ તે માટે મામલતદાર કચેરીમાં તપાસ કરવી જરૂરી છે.
હાલમાં ટ્રસ્ટ આ જમીન પર પોતાનો દાવો કરી રહી છે અને સ્થાનીકોને પોતાના કોમન પ્લોટનું નિરાકરણ મામલતદાર કચેરીમાંથી જરૂરી પુરાવા મેળવ્યાં બાદ જ થશે. પરંતુ હાલમાં ટ્રસ્ટ દ્વારા પંચાયતની મંજૂરી લીધા વિના જ બાંધકામની કામગીરી શરૂ કરી છે. બાંધકામ કરનારા અજિત સેવા ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી રાજેશ હસ્તીમલ શાહે જણાવ્યું કે આ જગ્યા તેમની છે. હાલમાં કેટલાક માથાભારે તત્વો દ્વારા વિવાદ ઉભો કરવામાં આવ્યો છે. આ જમીન અંગે અમારી પાસે રજીસ્ટર્ડ દસ્તાવેજ છે. જો સ્થાનિક લોકો મંદિર માટે કે કોમન પ્લોટ માટે ફાળવેલી જગ્યાનો પુરાવો રજૂ કરશે, તો અમે આ કામગીરી અટકાવી કબ્જો જતો કરીશું.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ બધી જમીન પચાવી પાડવાની ચાલ છે. એક વાર કબ્જો કર્યા બાદ તે કબ્જો જતો કરશે નહીં, જો સાચે જ દસ્તાવેજ હોય તો અત્યારે કેમ બતાવવતા નથી અને એક સપ્તાહ માટે કામ કેમ બંધ રાખતા નથી. હાલમાં અમે અહીં મંદિરનું અને રસ્તાનું કામ શરૂ કારાવવાના હતા, એટલે અમારી પહેલા જ આ પ્લોટ પર પોતાનો ખોટો કબ્જો કર્યો છે.
જો કે જમીનનો આ ઝઘડો હાલ બંને તરફથી વાટાઘાટો પૂરતો સીમિત છે. પરંતુ ટ્રસ્ટની જોહુકમી સામે સ્થાનિકોમાં રોષ છે કે જીવદયાના નામે કોમન પ્લોટ હડપવાની મુરાદ ક્યારેય બર નહિ આવવા દઈએ આ માટે જરૂર પડ્યે તમામ પ્રયાસો કરીશુ.