દમણ: સંઘપ્રદેશમાં બુધવારે એક સાથે 5 કોરોનાના કેસ નોંધાયા બાદ ગુરુવારે ફરી એક સાથે 10 કોરોના પોઝિટિવ કેસો સામે આવતા સમગ્ર પ્રદેશમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. દમણમાં આવેલા 10 કેસોમાંથી 8 કેસો તો માત્ર ડાભેલ આંટિયાવાડ વિસ્તારની વિવિધ ચાલીઓમાંથી મળી આવ્યા છે. જ્યારે એક દુણેઠા આદર્શ નગરમાંથી અને એક દમણની છપલી શેરીમાંથી મળી આવ્યો છે.
નવા નોંધાયેલા દસ પોઝિટિવ કેસોમાંથી છ લોકો પહેલેથી જ કોરેન્ટાઇન હતા. જ્યારે ચાર લોકો વિવિધ ઔદ્યોગિક કંપનીઓમાં નોકરી કરતા હતા. હાલ તમામને કોવિડ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. ગુરુવારે નવા નોધાયેલા 10 કેસો સાથે દમણમાં કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંકડો 22 પર પહોંચી ગયો છે.
પ્રશાસને કોરોનાને વધતો અટકાવવા ડાભેલ અને સોમનાથને જોડતો માર્ગ સીલ કરીને સમગ્ર વિસ્તારને આઇસોલેટ કર્યો હતો, ત્યારે ફરી આંટિયાવાડની ચાલીઓમાંથી નીકળેલા નવા કેસોએ પ્રશાસન અને આરોગ્ય વિભાગની ઊંઘ હરામ કરી છે.
દમણની સાથે દાદરા નગર હવેલીમાં પણ ગુરુવારે વધુ એક કોરોના પોઝિટિવનો કેસ આવતા કુલ આંકડો 45 પર પહોંચ્યો છે. બંને પ્રદેશોમાં કોરોનાના નવા કેસો મળી આવતા આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં લઈ તમામ અસરગ્રસ્ત વિસ્તારો અને કંપનીઓને સેનેટાઇઝ કરી તેમને ક્લસ્ટર કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવાની કાર્યવાહી આરંભી દીધી છે. કંપનીઓને સીલ મારી ત્યા કામ કરતા કામદારોના સેમ્પલિંગ લેવાની પ્રક્રિયા હાથ ધરી દીધી છે, તેમજ પોલીસ પ્રશાસન દ્વારા જે તે અસરગ્રસ્ત વિસ્તારોમાં અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.
લોકડાઉન દરમિયાન પ્રશાસને બોર્ડર સિલ કરી હતી. તેમજ શહેર-ગામડાઓની સોસાયટીઓમાં લોકોને ઘર બહાર નીકળવા પર પાબંધી લગાવી હતી. દમણ બહારના લોકોને દમણમાં પ્રવેશતા અટકાવવા તમામ પ્રકારની સખ્તાઇ બાદ પણ કોરોનાએ દમણને પોતાની ઝપેટમાં લેતા દમણની જનતામાં લોકડાઉનનો કડક અમલ માત્ર લોકોને હેરાન પરેશાન કરવા માટે જ લગાવવામાં આવ્યો હોવાનો ગણગણાટ શરૂ થયો છે.