- મહારાષ્ટ્ર પાર્સિંગની કારમાં આવ્યા હતા તસ્કરો
- સ્થાનિકોએ પીછો કરતા 2 બકરા સાથે કાર છોડી 3 તસ્કરો ફરાર
- જીવદયા પ્રેમીઓએ તસ્કરોનો પીછો કર્યો
વાપી :- ભિલાડ અને તેની આસપાસના વિસ્તારમાં ગૌ તસ્કરી કરતા તસ્કરોએ ગાય ન મળતા બકરાઓની ચોરી કરી હતી. આ સમયે એક વાછરડાને કારમાં ભરી ભાગવા જતા તેમને સ્થાનિકો જોઈ ગયા હતા. આથી સ્થાનિકોએ તેમનો પીછો કરતા કારમાં સવાર 3 તસ્કરો વાપીમાં 2 બકરા સાથેની કારને નધણીયાતી મૂકીને ફરાર થઈ ગયા હતાં.
વાપી ટાઉનમાં નોંધાઇ પોલીસ ફરિયાદ
સમગ્ર મામલે ભિલાડ-વાપીના જીવદયાપ્રેમીઓએ વાપી ટાઉનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જીવદયાપ્રેમીઓએ આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, આ તસ્કરો મહારાષ્ટ્રથી વલસાડ જિલ્લાના ઉમરગામ તેમજ વાપી તાલુકામાં ગૌ તસ્કરી કરવા આવે છે. જેઓ અલગ અલગ કારમાં નંબર પ્લેટ બદલીને ગૌ તસ્કરી કરે છે. ગૌ તસ્કરી માટે કારમાં ગાય બકરાને ખવડાવવા ચારો, ઘેનના ઇન્જેક્શન, રસ્સીઓ વગેરે સાથે રાખે છે.
પહેલા પણ થઈ હતી ગૌવંશની તસ્કરી
ઉલ્લેખનીય છે કે આ તસ્કરો છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારે ગૌવંશ તસ્કરી કરતા આવ્યા છે. જેમાં કેટલાકને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. તેમ છતાં આ કસાઈઓને કાયદાનો ડર ના હોય તેમ બે દિવસ પહેલા પણ ઉમરગામના માંડા વિસ્તરમાથી 3 ગૌ વંશની તસ્કરી કરી નાસી છૂટ્યા હતાં.