- ગુજરાત ATSએ 274.63 ગ્રામ ડ્રગ્સ ઝડપ્યું
- ડ્રગ્સનું વેંચાણ કરનારા 4 આરોપીઓની ધરપકડ
- 27.46 લાખનું ડ્રગ્સ જપ્ત કર્યું
વલસાડઃ ગુજરાત ATSની ટીમે ભીલાડની એક હોટલ નજીકથી MD ડ્રગ્સ લે-વેચ કરતા 4 આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી 274.63 ગ્રામ ડ્રગ્સ સાથે કુલ 27.46 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.
સમગ્ર દેશમાં ડ્રગ્સ વિરુદ્ધ અભિયાન
મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડી તેને વેચવાની ફિરાકમાં ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરી માદક પદાર્થ વેચનારી ગેંગ સુધી પહોંચવામાં ATSને મહત્વની સફળતા મળી છે. કેટલાક સમયથી સમગ્ર દેશમાં ડ્રગ્સ વિરૂદ્ધ ચાલી રહેલા અભિયાનમાં મોટી માત્રામાં માદક પદાર્થો ઝડપાઇ રહ્યા છે. જેને લઇ ગુજરાત ATSએ પણ બુધવારે રાત્રે ગુજરાત-મહારાષ્ટ્રના બોર્ડર પર આવેલા ભીલાડ ખાતે બાતમીના આધારે નેશનલ હાઇવે પર હોટલના પાર્કિંગમાંથી 4 આરોપીઓની ધરપકડ કરી છે.
દક્ષિણ ગુજરાતમાં ડ્રગ્સનું વેંચાણ કરવાનું હતું
ઝડપાયેલા આરોપીઓ પાસેથી ATSએ 274.63 ગ્રામ માદક પદાર્થ મેથાએમ્ફેટામાઇન જપ્ત કરવામાં આવ્યું છે. જેની અંદાજે કિંમત 27,46,300 આંકવામાં આવી રહી છે. આ મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરી તપાસ કરતા આ માલ મુંભઈ-મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વેચાણ થવાનું બહાર આવ્યું હતું.
આરોપીનો કોરોનાા ટેસ્ટ કરવામાં આવ્યો
ઝડપાયેલા ભરૂચના 2 અને સુરત તથા મુંબઈના 2 આરોપીઓની ધ)રપકડ કર્યા બાદ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સુરતમાંથી પણ ડ્રગ્સનું રેકેટ ઝડપાયું
ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ સુરત જિલ્લા ક્રાઈમ બ્રાન્ચે પણ સુરત વિસ્તારમાં ડ્રગ્સનું રેકેટ ઝડપી પાડ્યું હતું. આ રેકેટમાં પણ વાપીના ડુંગરા સ્થિત હરિયા પાર્ક વિસ્તારમાંથી એક યુવકની ડ્રગ્સ સપ્લાઈમાં ધરપકડ કરી હતી. જે બાદ ATS દ્વારા ફરી એકવાર ભિલાડથી ભરૂચના તૌસીફ ઉર્ફે તોઇલા ઇકબાલ પટેલ, સુરતના યાહીયા યુનુસ પટેલ, મુંબઈના મહમદ અશરફ મહમદ બાબર ખાન અને ભરૂચના સીરાજ યુસુફ સણવીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.