વાપી: સંઘપ્રદેશ દમણમાં બુધવારે 23 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જેની સામે 23 દર્દીઓ સ્વસ્થ પણ થયા હતા, વહીવટીતંત્રએ કોરોનાની રોકથામ અંગે રાહતના શ્વાસ લીધા હતા. સંઘપ્રદેશ દમણમાં કુલ 618 કોરોના પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેમને રજા આપવામાં આવી છે. જ્યારે હજુ પણ 187 દર્દીઓ સારવાર હેઠળ છે. દમણમાં કુલ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 108 પર પહોંચી છે. જ્યારે અત્યાર સુધીમાં માત્ર એક દર્દીનું મોત નીપજ્યું છે. જ્યારે પાંચ દર્દીઓ દમણ બહારના કોરોના પોઝિટિવ નોંધાયા છે.
તો એ જ રીતે સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં બુધવારે 16 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જેની સામે 12 દર્દીઓ સ્વસ્થ થતા તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. દાદરા નગર હવેલીમાં અત્યાર સુધીમાં માત્ર એક દર્દીનું મૃત્યુ થયું છે. 534 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે 211 દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રદેશમાં કુલ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 210 પર પહોંચી છે.
વલસાડ જિલ્લામાં બુધવારે 18 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સામે 11 દર્દીઓ સ્વસ્થ થતા તેમને સારવારમાંથી રજા આપવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં નોંધાયેલા 18 દર્દીઓમાં ત્રણ દર્દીઓ વલસાડ તાલુકાના, બે દર્દીઓ વાપી તાલુકાના, ત્રણ દર્દીઓ ઉમરગામ તાલુકાના અને 10 દર્દીઓ કપરાડા તાલુકાના છે.
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 827 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 598 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 151 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં કુલ 90 દર્દીઓના મોત થયા છે. પરંતુ બુધવારે એકપણ દર્દીનું મૃત્યુ નહીં થતા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધા હતા.