સેલવાસ: સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સાયલી ગામના લોકો પીકઅપ ટેમ્પો નંબર DN-09-N-9661મા બેસીને ખાનવેલ બજારમાં સામાનની ખરીદવા કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત આવવા સમયે ટિનોડા ગામ નજીક ડ્રાઈવરે કાબુ ગુમાવતા પીકઅપ ટેમ્પો પલ્ટી મારી ગયો હતો. જેમા 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે અન્ય 21 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તમામ ઈજાગ્રસ્ત લોકોને 108 દ્વારા ખાનવેલ સબ જિલ્લા હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ ઈજાગ્રસ્ત 21 વ્યક્તિઓમાંથી 6 લોકોની સ્થિતિ ગંભીર છે. જેથી આ 6 લોકોને સારવાર અર્થે સેલવાસના વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે વરસાદી સીઝનમાં ઢોળાવવાળા રસ્તા ઉપર પીક-અપ ટેમ્પો, જીપ, ટ્રક જેવા વાહનોનો પલટી મારી જવાના ઘણા બનાવો બનતા હોય છે.
આ અકસ્માત બાદ સ્થાનિક લોકોએ રોષ વ્યકત કર્યો હતો. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં વરસાદની સીઝન દરમિયાન મજૂરોની અવર-જવર માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવતી નથી. જો તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તો, અકસ્માતથી થતાં મૃત્યુ ઘટાડી શકાય છે.