ભાવનગરમાં કિચન ગાર્ડન યોજનાને નજીવી સફળતા
શાકભાજીના બિયારણ આપવામાં આવે છે જે ઘરમાં વાવી શકાય
ગૃહિણીઓ ઘરમાં જ શાકભાજી મેળવે તે માટે પ્રોજેક્ટ
ભાવનગરઃ ભાવનગર શહેર અને જિલ્લામાં કિચન ગાર્ડન પ્રોજેકટ હેઠળ શાકભાજીના બિયારણ આપવામાં આવે છે. આમ તો કોંગ્રેસ સમયની કેનિંગ યોજના તળે કિચન પ્રોજેકટ ચાલી રહ્યો છે ત્યારે પુનઃ જીવિત થયેલ આ પ્રોજેકટમાં શહેરની ગૃહિણીઓ લાભ લેતી થઈ છે પણ સફળતા જોઈએ તેવી મળી નથી.
ભાવનગરનો કિચન ગાર્ડન પ્રોજેકટ કોંગ્રેસના રાજમાં 1991માં બહાર પડેલી કેનિંગ યોજના તળેનો એક ભાગ છે, જે ખેતીવાડી વિભાગ પાસે યોજના હતી. જેને બાદમાં બાગાયત વિભાગ આવતા પરિવર્તિત કરવામાં આવી હતી. આ યોજનાં હેઠળ કિચન ગાર્ડન પ્રોજેકટને હાલમાં 2020માં રાજ્ય સરકારે સક્રિય કર્યો અને કિચન ગાર્ડન પ્રોજેક્ટનો લાભ લેવા લોકોને બિયારણ આપવાની શરૂઆત કરી છે. કિચન ગાર્ડન એટલે ગૃહિણીઓ પોતાના ઘરમાં કુંડામાં શાકભાજીનું વાવેતર કચેરીને ઘર પૂરતું શાકભાજી મેળવી શકે છે આથી આ પ્રોજેકટને પુનઃ જીવિત કરવામાં આવ્યો છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં આશરે 12,500 લોકોએ બાગાયત કચેરીએથી હાલમાં પ્રોજેકટ સક્રિય કર્યા બાદ કિચન ગાર્ડન માટે બિયારણો ખરીદ્યા છે. જેમાં શહેર વિસ્તારના આશરે 350 લોકોનો સમાવેશ થાય છે. શહેરમાં લાભ લેનારા મેઘાબેન શાહને બાગાયત વિભાગે માર્ગદર્શન આપ્યું અને મેઘાબહેન અને તેમના પરિવારે ઘરના છત પર કુંડામાં શાકભાજીનું વાવેતર કર્યું છે. જેમાં ટામેટા,રીંગણ,પાલકની ભાજી વગેરેનું વાવેતર કરીને તાજું શાકભાજી મેળવ્યું પણ છે. ત્યારે ગૃહિણીઓ પણ આ પ્રોજેકટને દરેક માટે મહામારીમાં આશીર્વાદરૂપ ગણે છે.
કિચન ગાર્ડનમાં સફળતા કેમ ઓછી છે?
કિચન ગાર્ડન પ્રોજેકટ હેઠળ બિયારણતો બાગાયત વિભાગ આપી રહ્યો છે અને માર્ગદર્શન પણ પૂરું પાડે છે, પણ હાલ મહામારીના કારણે ઘર સુધી જઈને સમજાવવાની પ્રક્રિયા બંધ છે. તેથી માત્ર શહેરમાં 10 લાખની વસતીમાં 350 લોકોએ લાભ લીધો છે. તેવામાં આ પ્રોજેકટ જરૂરી એટલા માટે કહી શકાય કે રાસાયણિક ખાતરથી પકવેલા આવતા શાકભાજી કરતાં તાજા શાકભાજી મળી રહે છે અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ પણ જરૂર માનવીનો વધે છે માટે કિચન ગાર્ડનમાં સરકાર જેટલું જોર લગાવે અને સફળ કરે તે પ્રજાહિતમાં જરૂર છે.