- સ્મશાનમાં કેક કાપી કરી જન્મદિવસની ઉજવણી
- સમાજમાં દાખલો બેસાડવા જન્મદિવસની અનોખી ઉજવણી કરી
- મિત્રોએ આપ્યો સહકાર, કેક લઈને પહોંચ્યા સ્મશાન
ભાવનગર: ભાવનગર શહેરમાં કાળી ચૌદશ અને દિવાળી હોવાથી શહેર ઝગમગી રહ્યું હતું. ત્યારે એક યુવાને પોતાનો જન્મદિવસ હોવાથી સમાજમાં દાખલો બેસાડવા વિચિત્ર પ્રયોગ કરીને જન્મદિવસની ઉજવણી કરી હતી. મૃત્યુ બાદ સ્મશાનમાં જ્યાં મૃતકને અગ્નિસંસ્કાર કરવામાં આવે છે તે સ્થળે બેસીને યુવાને કેક કાપી હતી અનેે યુવાનના મિત્રોએ પણ સહકાર આપ્યો હતો.
જન્મદિવસની અનોખી ઉજવણી
'ન ભૂતો ન ભવિષ્યતિ' ભૂતકાળને કોઈ યાદ કરવા માગતું નથી અને ભવિષ્યને લઈને સૌ કોઈ ચિંતિત હોઈ છે. ત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે કિસ્સાનો હિસ્સો બનનારા પણ યાદ રાખશે અને બનેલા કિસ્સા વિષે જાણનાર વ્યક્તિઓને પણ યાદ રહેશે. તમારો જન્મદિવસ તમે ઘરમાં ઉજવો છો પણ ક્યારેય કોઈ પણ વ્યક્તિ પોતાના જન્મદિવસની ઉજવણી સ્મશાનમાં કરે ખરા? છે ને વિચિત્ર કિસ્સો? જુઓ કોણ છે આ વ્યક્તિ અને જન્મદિવસની ઉજવણી કેવી રીતે કરી સ્મશાનમાં..!
સ્મશાનમાં કરી જન્મદિવસની ઉજવણી
ભાવનગરના ચિત્રા વિસ્તારમાં રહેતા હિતેન જે પોતાનો વ્યવસાય ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. હિતેન કોમ્પ્યુટર ક્લાસ અને વીડિયો એડીટીંગ સાથે જોડાયેલો છે. તેમનો જન્મ 15 નવેમ્બર 1984ના રોજ થયેલો છે. તેમના 36 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આધુનિક અને ટેકનોલોજીના સમયમાં સમાજમાં એક દાખલો બેસાડવાનો અદભૂત પ્રયોગ કર્યો છે. માણસનું સર્જન થાય ત્યારે શરીરમાં રહેલો આત્મા ક્યાંથી આવે છે..? તેમજ મૃત્યુ બાદ ક્યાં જાય છે..? તેની કોઈને ખબર નથી ત્યારે હિતેને જે દાખલો બેસાડ્યો છે, તે જોઇને તમે પણ ચકિત બની જશો.
કેવી રીતે કરી જન્મદિવસની ઉજવણી?
હિતેન શિક્ષિત હોવાથી તેઓ ભૂત પિશાચ વગેરેમાં માનતા નથી. તે સાબિત કરવા તેમણે પોતાના જન્મદિવસની ઉજવણી દરમિયાન સમાજને સમજાવ્યું છે. હિતેનનો 15 નવેમ્બરે જન્મદિવસ છે. આથી મોડી રાત્રે 12 કલાકે 15 તારીખ શરુ થાય છે. તેથી કાળીચૌદશ અને દિવાળી બંને હતી. તેથી તેમણે પોતાનો જન્મદિવસ સ્મશાનમાં ઉજવવાનું નક્કી કર્યું હતુ. તેઓએ તેમના મિત્રોને કહ્યું હોવાથી તેઓ પણ નીડર બનીને કેક લઈ પહોંચી ગયા હતા. સ્મશાનમાં જ્યાં મૃત વ્યક્તિઓને અગ્નિસંસ્કાર આપવામાં આવે છે, તે જગ્યા પર બેસીને હિતેને કેક કાપી અને મિત્રોને કેક ખવડાવીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.