- બિનરહેણાંક કોમર્શિયલ ક્ષેત્રમાં વધુ દબાણ જોવા મળી રહ્યું
- માર્ચ, 2020થી ફેબ્રુઆરી, 2021 સુધીમાં કુલ 5,159 દબાણો હટાવવામાં આવ્યા
- બિનરહેણાંક વિસ્તારમાં 4,917 દબાણો હટાવવામાં આવ્યા
ભાવનગરઃ જિલ્લાના શહેરમાં આવેલા રસ્તાઓ અને તેના પરના દબાણો માથાનો દુઃખાવો સમાન છે. મહાનગરપાલિકા કામગીરી કરતું હોવા છતાં શહેરમાં નાના નાના રસ્તાઓ પર દબાણ જોવા મળે છે. રસ્તા પર દુકાનદાર કે રહેવાસીઓ દ્વારા ઓટલા કરીને દબાણ કે જગ્યાના અભાવે પાર્કિંગથી રસ્તો સાંકડો બની જાય છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં કોરોનાકાળમાં વિદ્યાર્થીઓની હાજરીમાં 10 ટકાનો ઘટાડો
ભાવનગરમાં રસ્તાઓ પર કેવા પ્રકારનું દબાણ અને શું સ્થિતિ
ભાવનગરના મુખ્ય રસ્તાઓ પર એક બાજુ દબાણ જોવા મળે છે. જેના પગલે પાર્કિંગની સમસ્યા ઉભી થાય છે. શહેરની મુખ્ય બજારની વાત કરવામાં આવે તો વોરા બજાર, પીરછલ્લા, મહાલક્ષ્મી મંદિરનો રસ્તો હોય કે ગોળ બજારનો રસ્તો હોય ચાલીને જવામાં હાલાકી ઉભી થાય છે. તેની પાછળ કારણ એક જ છે કે દુકાનદાર બહાર ઓટલા કરીને પોતાના સામાન મૂકે છે, બાકીની જગ્યાઓ પર લારીવાળાઓએ અડ્ડો જમાવ્યો હોય છે. જેથી પાર્કિંગ થતું નથી અને ચાલીને જતાં કે વાહન લઈને જતાં ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચોઃ જૂનાગઢની સનરાઈઝ સ્કૂલ નવા સત્રથી થશે બંધ
રસ્તા બની ગયા બાદ એસ્ટેટ વિભાગ દબાણ હટાવવાનું કામ કરે છે
ભાવનગર મહનગરપાલિકાનો રોડ વિભાગ રોડ બનાવતા પહેલા દબાણોને હટાવે છે. પણ રોડ બની ગયા બાદ એસ્ટેટ વિભાગ દબાણ હટાવવાની કામગીરી કરે છે. ગત માર્ચ 2020થી માર્ચ 2021 સુધી લોકડાઉનના બે મહિના એપ્રિલ અને મે મહિનાને કરી બાકીના મહિનાઓમાં દબાણ હટાવવામાં આવ્યા છે, છતાં સ્થિતિ તેની તે જ છે.
ક્યાં મહિનામાં કેટલા દબાણ હટાવવામાં આવ્યાં
માસ | રહેણાંક વિસ્તાર | બિનરહેણાંક વિસ્તાર | કુલ |
માર્ચ, 20 | 45 | 218 | 263 |
એપ્રિલ, 20 | લોકડાઉન | લોકડાઉન | લોકડાઉન |
મેં, 20 | લોકડાઉન | લોકડાઉન | લોકડાઉન |
જૂન, 20 | 6 | 159 | 165 |
જુલાઈ, 20 | 17 | 616 | 633 |
ઓગસ્ટ, 20 | 0 | 373 | 373 |
સપ્ટેમ્બર, 20 | 0 | 585 | 585 |
ઓક્ટોમ્બર, 20 | 0 | 600 | 600 |
નવેમ્બર, 20 | 146 | 540 | 686 |
ડિસેમ્બર, 20 | 11 | 784 | 795 |
જાન્યુઆરી, 21 | 48 | 946 | 994 |
ફેબ્રુઆરી, 21 | 14 | 314 | 328 |
મહાનગરપાલિકા દ્વારા દબાણો હટાવવામાં આવ્યા હતા પણ ફરી સ્થિતિ તેની તે જ
મહાનગરપાલિકા દ્વારા દબાણો હટાવવામાં આવ્યા હતા પણ ફરી સ્થિતિ તેની તે જ છે. લારીવાળા ક્યાં જાય ?, શાકભાજી વેચતા લોકો શુ કરે ? મનપાની ટીમ દબાણ હટાવીને જાય અને વેપારીઓ પુનઃ દબાણ કરી લેતા હોવાથી રસ્તાઓ સાંકડા રહે છે. જેમાં નાના રસ્તાઓ અને બજારોના રસ્તાઓ હંમેશા ગીચતામાં હાલાકી ઉભી કરી રહ્યા છે. આમ માર્ચ, 2020થી ફેબ્રુઆરી, 2021 સુધીમાં કુલ 5,159 દબાણો હટાવ્યા છે. જેમાં બિનરહેણાંક વિસ્તારમાં 4,917 છે એટલે બિનરહેણાંક કોમર્શિયલ ક્ષેત્રમાં વધુ દબાણ જોવા મળી રહ્યું છે જે રસ્તા પર વધુ પ્રમાણમાં હોય છે.