- SEED BALL માં અલગ-અલગ વૃક્ષોના મૂકવામાં આવે છે બીજ
- શિક્ષકો દ્વારા 20 લાખ જેટલા SEED BALL બનાવવામાં આવ્યા
- ભાવનગરના 25 કિલોમીટરના એરિયામાં SEED BALL નાખવામાં આવશે
ભાવનગર: શહેરની ભરત નગરની પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 76માં શિક્ષકોએ પ્રકૃતિની સેવા માટેનો એક અલગ જ સેવાયજ્ઞનો પ્રારંભ કર્યો છે. જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રોફેસર રહેલા કિશોર ભટ્ટના માર્ગદર્શન નીચે SEED BALL બનાવવાનું કામ શિક્ષકોએ આદર્યું છે. જેથી, પ્રકૃતિનું આગામી દિવસોમાં ચોમાસામાં જતન કરી શકાય. પરંતુ, સિડ બોલ શું છે એ પણ સમજવું ખૂબ જરૂરી છે. કારણ કે, લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પણ આ દિશા તરફ આગળ વધે.
શું છે SEED BALL ?
SEED BALL એક માટીનો લાડવો છે. એટલે કે એક લાડવા જેવો ગોળ આકારમાં બનાવેલો SEED BALL જેમાં અલગ-અલગ વૃક્ષોના બીજ અંદર મૂકવામાં આવે છે અને બાદમાં તેનો લાડવો અથવા બોલ જેવો આકાર આપવામાં આવે છે. આમ કહીએ તો આ SEED BALLની અંદર એક બીજ હોય છે. જે બીજ ચોમાસા દરમિયાન જાહેર અવાવરું જગ્યામાં ફેંકવાના રહે છે. જેથી જ્યારે પણ ચોમાસામાં વરસાદ આવે ત્યારે ત્યાં એક વૃક્ષનું નિર્માણ થઈ શકે અને વસુંધરા ખીલી ઉઠે.
આ પણ વાંચો: રાજકોટમાં પડતર જમીનમાં કર્મચારીઓની કર્મનિષ્ઠાએ પાથરી 3500 વૃક્ષની હરિયાળી
SEED BALL માં અલગ અલગ વૃક્ષોના બીજ મુકાયા
જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પૂર્વ પ્રોફેસર કિશોર ભટ્ટને મુંબઈ ઇન્કમટેક્સના કમિશ્નર પતંજલિ ઝા દ્વારા SEED BALL મશીન આપ્યું છે. જેનો ભાવનગરમાં પ્રથમ સદુપયોગ ભરતનગરની શાળા દ્વારા કરવામાં આવ્યો છે. શાળાના શિક્ષકો શિક્ષણ સિવાયના સમયમાં બોલ બનાવી રહ્યા છે. આશરે 100 જેટલા વૃક્ષોના અલગ-અલગ બીજ આ લાડવામાં એટલે કે SEED BALLમાં નાખવામાં આવ્યા છે. જેમાં ગુલમોહર, કરંજ, લીમડો સહિતના વૃક્ષોના બીજ મુકવામાં આવ્યા છે. તેવા અલગ અલગ જે પશુ-પંખીઓને પણ કામ આવે તેવા બીજના SEED BALLમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
20 લાખ જેટલા SEED BALL બનાવાયા
ભાવનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 76 દ્વારા 20 લાખ જેટલા SEED BALL બનાવવામાં આવ્યા છે. જેને આગામી દિવસોમાં ભાવનગર શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં લોકોને એક પેકેટમાં આપવામાં આવશે અને તેને અવાવરું જગ્યા ઉપર નાખવા માટેની એક પ્રેરણા પણ આપવામાં આવશે. જેથી ચોમાસા દરમિયાન SEED BALL માંથી વૃક્ષોનું નિર્માણ થાય અને પ્રકૃતિ એટલે કે વસુંધરા ખીલી ઊઠે તેવો પ્રયત્ન કરાયો છે.
આ પણ વાંચો: કડી નગરપાલિકાના નગરસેવીકાએ પોતાના 26મી વર્ષગાંઠે 2600 વૃક્ષ વાવણીનો સંકલ્પ કર્યો
ભાવનગરના 25 કિલોમીટરના એરિયામાં SEED BALL નંખાશે
SEED BALL મામલે કિશોર ભટ્ટનું કહેવું છે કે, હાલ ભાવનગર શહેરના 25 કિલોમીટરના એરિયામાં SEED BALL નાખવામાં આવશે. તેમજ જિલ્લામાં ડુંગરાળ વિસ્તાર જેવા કે જેસર, પાલીતાણા અને તળાજા જેવા પંથકમાં SEED BALL નાખવામાં આવશે. આ SEED BALL ખાસમાટી, કેમિકલ અને ખાતરનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે. જેથી કરીને ચોમાસાના વરસાદ દરમિયાન એ બીજનું નિર્માણ થઈ શકે. જોકે SEED BALL બનાવવાનું મશીન હોવાથી તેને પ્રક્રિયા સારી રીતે થઈ રહી છે.
SEED BALLનો પ્રારંભ તેમની શાળાના શિક્ષકોએ કર્યો
ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી યોગેશ ભટ્ટે જણાવ્યું હતું કે, ભાવનગર શહેરમાં SEED BALLનો પ્રારંભ તેમની શાળાના શિક્ષકોએ કર્યો છે. જે સરાહનીય છે વાવાઝોડામાં જે રીતે વૃક્ષો ધરાશાયી થયા છે. ત્યારે, પ્રકૃતિને ખીલવવા માટે આજે 20 લાખ નહીં પરંતુ લાખો જેટલા SEED BALL બનાવીને દરેક વ્યક્તિ આ પ્રકારનું પગલું ભરશે તો અમે માનીએ છીએ કે આગામી દિવસોમાં પ્રકૃતિ એટલે કે વસુંધરા જરૂર ખીલી ઉઠશે.