ભાવનગરઃ અમદાવાદમાં બનેલી દુર્ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર જાગી રહ્યું છે, ત્યારે ભાવનગરમાં પણ મહાનગરપાલિકા તંત્ર જાગ્યું હતું. ફાયર વિભાગ દ્વારા શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલમાં તપાસ શરૂ કરી હતી. બે મહિના પહેલા નોટિસો આપી હોવા છતાં પાલન કરવામાં આવ્યું નથી. મહામારીમાં સારવારની મંજૂરી એવા હોસ્પિટલને કોના ઈશારે આપવામાં આવી, મતલબ સાફ છે કાયદો, નિયમ ભોળી પ્રજા માટે જ છે.
જિલ્લામાં અમદાવામાં બનેલી આગની ઘટના બાદ મહાનગરપાલિકા જાગી હતી અને વેપાર બની ગયેલા તબીબી ક્ષેત્રમાં કાયદો નિયમનું પાલન થાય છે કે કેમ તેની રૂબરૂ તપાસ હાથ ધરવામાં આવી હતી. શહેરમાં 13 જેટલી હોસ્પિટલને કોવિડ 19 માટે સારવારની મંજૂરી આપવામાં આવી છે, જેમાં કુલ 115 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. ત્યારે અમદાવાદની ઘટના બાદ ફાયર વિભાગને આદેશ કરવામાં આવ્યો હતો, કે દરેક હોસ્પિટલમાં ફાયરના સાધનો છે કે, કેમ તેની તપાસ કરવામાં આવે. જો કે મહાનગરપાલિકા દ્વારા કોવિડ-19 માટે મંજૂરી આપતા પહેલા શા માટે જાણકારી લેવામાં ન હતી આવી કે તેમની પાસે ફાયરનું NOC છે કે કેમ, જો કે તરસ લાગે કૂવો ખોદવા બેસે તેવો હાલ મહાનગરપાલિકાનો થયો છે.
સુરતમાં ઇન્સ્ટિટ્યૂટમાં આગ લાગતા વિદ્યાર્થીના ભોગ લેવાયા બાદ સમગ્ર ગુજરાતમાં ફાયર વિભાગે તપાસ આદરી શિક્ષણનો વેપલો કરનારા સામે કાયદા અને નિયમને પગલે કાર્યવાહી કરી હતી. જેમ સુરતની ઘટનામાં આગ લાગ્યા બાદ તંત્રે તરસ લાગે એમ કૂવો ખોદવા બેસે તેમ હવે અમદાવાદની ઘટના બાદ ભાવનગરમાં તંત્ર સફાળું જાગ્યું હતું. જો કે, ફાયર વિભાગ તપાસમાં નીકળ્યું તો હકીકત ચોંકાવનારી સામે આવી હતી. ભાવનગરના હોસ્પિટલનું હાર્ડ વિસ્તાર એટલે કાળાનાળા વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં તપાસ આદરી હતી.
ફાયર વિભાગે ETVની ટીમ સામે તપાસમાં બે મહિના પહેલા રુદ્ર નામની હોસ્પિટલને ફાયરના સાધનોને પગલે નોટિસ આપી હોવાની બાબત સામે આવી હતી, અને આજે કોરોના મહામારીમાં 13 હોસ્પિટલમાં રુદ્ર હોસ્પિટલનો સમાવેશ થાય છે. જે હોસ્પિટલને ગુરવારે તપાસ દરમિયાન ફાયર અધિકારીએ બીજી નોટિસ ETVની ટિમ સામે આપી હતી, એટલું જ નહી રુદ્ર હોસ્પિટલ બીલ્ડીંગના ચોથા માળે આવેલી છે અને હોસ્પિટલમાંથી દાદર તરફ જવાના માર્ગને લાકડાના પાટેશનથી બંધ કરી બહારની બાજુએ તાળું મારી દેવામાં આવ્યું છે, એટલે હોસ્પિટલના કોઈ પણ વ્યક્તિને નીચે ઉત્તરવાનો માત્ર લિફ્ટ સિવાય કોઈ બીજો રસ્તો રહેતો નથી હવે આવી સ્થિતિમાં આગ જેવી ઘટના ઘટે તો શું થાય.
તબીબી ક્ષેત્ર વેપલો બની ગયું છે અને દર્દીઓની કોઈ ચિંતા નથી બસ ચિંતા છે તો દર્દીની સારવાર કરી કેવી રીતે પૈસા ખંખેરી શકાય. ફાયર વિભાગે ETV સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે શહેરમાં 55 હોસ્પિટલ છે, જેમાં માત્ર 17 હોસ્પિટલ પાસે NOC છે, જ્યારે અન્ય પાસે નથી અને કોવિડ 19ની જાહેર કરેલી 13 પૈકી 5 હોસ્પિટલ પાસે NOC છે, બીજા પાસે નથી. જેને નોટિસ આપવામાં આવી છે.
ભાવનગરમાં મહાનગરપાલિકાનું ફાયર વિભાગ લાચાર અને લંગડું છે, વેટરનરી અધિકારીને વધારાનો હવાલો ફાયર વિભાગનો સોંપી દેવાયો છે. તબીબી ક્ષેત્ર વેપલાનું સ્થળ બની ગયું છે, તેની પાછળનું કારણ એક જ છે કે કોવિડ જેવી મહામારીમાં પણ 13 હોસ્પિટલર્સને મંજૂરી આપનારા તંત્રએ ફાયર જેવી સુવિધા કે NOC છે કે નહીં તેની તપાસ કરી નથી અને સીધી મિલીભગતથી મંજૂરી અપાઈ હોઈ તે સ્પષ્ટ વર્તાઈ આવ્યું છે.