- ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રમાં સેમ્પલ પદ્ધિતિથી ખેડૂતોમાં રોષ
- સેમ્પલ ફેલ જતાં ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો
- સેમ્પલ લેવાની પદ્ધતિ બદલો અથવા વળતર આપોઃ ખેડૂતોની માંગ
ભાવનગરઃ ટેકાના કેન્દ્ર પર ખેડૂત મગફળી પહોંચાડે એટલે ઓછામાં ઓછો 5 હજારનો ખર્ચો થાય છે. એવામાં કેન્દ્રના કર્મચારીઓ મગફળીનો જાહેરમાં ઢગલો કરીને નમૂના લે છે, આવી રીતે સેમ્પલ લેવાની પદ્ધતિથી ખેડૂતને નુકશાન થાય છે. આથી ખેડૂતોએ આ સેમ્પલ લેવાની પદ્ધતિને બદલવા સરકારને અપીલ કરી છે. આ પદ્ધતિ ન બદલે તો ખેડુતોને તેનું વળતર ચુકવવા માગ કરી છે. આ વર્ષ થયેલી અતિવૃષ્ટિથી ખેડુતોને પાકમાં નુકશાન ગયું છે. એવામાં સેમ્પલ લેવાની આ પદ્ધતિથી સેમ્પલ ફેલ જાય તો ખેડૂતોએ ખોટા ખર્ચાનો માર સહન કરવો પડવો છે.
સેમ્પલ ફેલ થવાથી ખેડૂતોને નુકસાન
ભાવનગરમાં યાર્ડમાં ખેડૂતો મગફળી લાવવા માટે 40 ખેડૂતને બોલાવવામાં આવે છે. આ ખેડૂતોમાંથી બે ચાર ખેડૂતોના સેમ્પલ ફેલ જતા હોય છે. તો ક્યારેક ખેડૂતોના સેમ્પલ ફેલ થવાનો આંક વધી જતો હોય છે, યાર્ડમાં મગફળી લાવીને ટેકાના ભાવે થતાં ખરીદ કેન્દ્ર પર સંપૂર્ણ મગફળીનો ઢગલો કરવામાં આવે છે. આ ઢગલામાંથી અલગ-અલગ સેમ્પલ લેવામાં આવે છે. આ સેમ્પલ ફેલ જતાં ખેડૂતને મગફળી લઈ જવાનું કહેવામાં આવે છે. આથી ખેડૂતને મગફળીનો ઢગલો ફરી ગુણીમાં ભરવા માટે એક ગુણી દીઠ 10 રૂપિયા મજૂરી આપવી પડે છે. ગુણી ભરવા માટે આપવામાં આવતી મજૂરી સાથે જે વાહનમાં મગફળી લાવવામાં આવે તેનું ભાડું પણ વધી જતું હોય છે. આમ ખેડૂતને મગફળીનું સેમ્પલ ફેલ જતા નુકસાન વેઠવું પડે છે.
સેમ્પલ લેવાની પદ્ધતિ બદલો અથવા વળતર આપો ખેડૂતોની માંગ
મગફળીની ખરીદી શરૂ થઈ જતાં 28 ઓકટોબરે યાર્ડમાં બોલાવવામાં આવેલા ખેડૂતમાંથી એક મગફળીનું સેમ્પલ ફેલ જતા ખેડૂતે રોષ વ્યકત કર્યો છે. જેઠવા ભગતભાઈ ઘોઘા પંથકના જુના રતનપર ગામેથી 35 ગુણી મગફળી લાવ્યા હતા. આ મગફળીને યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીમાં સેમ્પલ માટે જાહેરમાં ઢગલો કર્યો હતો. સવારે 6 વાગ્યાના આવેલા ભગતભાઈની મગફળીનો ઢગલો કર્યા બાદ સેમ્પલ લેવાયા અને બાદમાં મગફળી રિજેક્ટ કરવામાં આવી હતી. આથી ભગતભાઈએ રોષ ઠાલવ્યો અને માંગ કરી છે કે, આવી રીતે ખેડૂત સાથે સરકાર કરશે તે યોગ્ય નથી. કારણ કે, ખેડૂતને મગફળી લાવવાની અને ગુણીમાં ભરવાની મજૂરી માથે પડે છે. સરકાર સેમ્પલ લેવાની પદ્ધતિ બદલે અથવા મગફળી રિજેક્ટ થાય તો ખેડૂતને ખર્ચો આપે. ખેડૂતનો પ્રશ્ન છે કે, સરકાર વેપારી બનીને કામ કરી રહી છે.
હવે જોવાનું એ રહ્યું કે, આમા સરકાર ખેડૂતને ફાયદો કરાવે છે કે નુકસાન ? નવીન વાત એ છે કે, ટેકાના ભાવ કરતા સામાન્ય હરાજીમાં ભાવ વધુ છે એટલે રજિસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને ચાલુ વર્ષે તો નુકસાન સિવાય કશું રહ્યું નથી.