- શહેર બાદ જિલ્લામાં યુવાનની ઓક્સિજન મફત સેવા
- ઉમરાળાનો યુવાન રોજના 65 સિલિન્ડર આપે છે મફતમાં
- રોજના 35 હજારનો ખર્ચ પણ દરેક દર્દીને સિલિન્ડર પૂરું પાડવાનું કામ
- 10માંથી 65 સિલિન્ડર સુધી સેવાને વધારી નવી રાહ ચીંધી સેવા માટે
ભાવનગરઃ જિલ્લાના દર્દીઓ પણ ઘરે સારવાર મેળવી રહ્યા છે. કોરોના સામે ઘરે રહીને જંગ જીતનાર માટે ઓક્સિજન સિલિન્ડર જીવ દોરી છે. ત્યારે શહેર બાદ જિલ્લાના નવ યુવાને ગ્રામ્ય લોકોની પીડા સમજીને ઓક્સિજન સિલિન્ડર મળી રહે તેવા પ્રયાસ કર્યા છે. 20 દિવસ પહેલા થયેલો સેવાયજ્ઞ 5 સિલિન્ડરમાંથી 70 સિલિન્ડર સુધી પહોંચી ગયો છે અને ગામડાના લોકોના જીવમાં જીવ પૂર્યો છે.
આ પણ વાંચોઃ લક્ષ્મીનાથ સેવા સમિતિ દરરોજ 400 દર્દીને આપે છે ઓક્સિજન સિલિન્ડર
શહેર બાદ જિલ્લામાં નવ યુવાનની ઓક્સિજનની મફત સેવા
સમગ્ર વિશ્વમાં હાલમાં આ 21મી સદીની સૌથી મોટી ઇમરજન્સી જેવો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે મહામારીના સમયમાં લોકોને તબીબી સારવાર, દવા કે મેડિકલના સાધનો મળતા નથી, ત્યારે એક સેવાભાવી યુવાને દર્દીઓની પરેશાનીની ઘટનામાંથી પ્રેરણા લઈને હાલના સંજોગોમાં જરૂરિયાતવાળી સેવાનો સુંદર શમિયાનો શરૂ કર્યો છે. આ વાઇરસરૂપી આફતના સમયે માનવ સેવા કાજે લોકોને એક નવી રાહ ચીંધી છે, એક યુવાને માનવ સેવાનો સુંદર સેવાયજ્ઞ શરૂ કર્યો છે.
જિલ્લામાં ઉમરાળા પંથકની માનવ સેવાનું ઉદાહરણ
ઉમરાળા શહેરના 32 વર્ષના નિલેશ સવાણી નામના યુવકે હાલમાં કોરોના કાળમાં લોકોને પડતી હાલાકી અને ઓક્સિજનની અછતને કારણે તથા કોરોનાગ્રસ્ત દર્દીઓને પડી રહેલી ઓક્સિજનની કમીને જોઇને વિચાર આવ્યો કે, હું પણ ઓક્સિજનની બોટલ લાવીને દર્દીઓને પહોંચાડું. જેથી કોઈ દર્દી ઓક્સિજન વગર પોતાનો જીવ ન ગુમાવે. ઓક્સિજન પૂરું પાડવાની આ ચેલેન્જ નિલેશભાઇએ ઉપાડી લીધી.
20 દિવસથી 10 બાટલા સાથે શરૂ કરેલો યજ્ઞ, આજે 65 બાટલા સુધી પહોંચ્યો છે
સેવાનો મિજાજ ધરાવતા સેવાભાવી યુવાન નિલેશ સવાણીએ પોતાના અને મિત્રોના સહયોગથી 10માંથી 20 અને 20માંથી 40 અને 40માંથી 65 સિલિન્ડર અને સાથેના જરૂરી સાધનો વસાવીને તેના મિત્રવર્તુળ અને સોશિયલ મીડિયામાં બહોળો પ્રચાર કરીને જરૂરિયાતમંદનો પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન પૂરો પાડવાનો સેવાયજ્ઞ શરૂ કર્યો. જેના શનિવારે 20 દિવસ થયા છે, 20 દિવસથી 10 બાટલા સાથે શરૂ કરેલો યજ્ઞ, આજે 65 બાટલા સુધી પહોંચ્યો છે. અહી દિવસ રાત મોડે સુધી બેસીને જરૂરિયાતમંદ દર્દીઓના સગાઓની લાઈનો રહે છે. તેમની પાસેથી એક રૂપિયો લેવામાં આવતો નથી, આ સેવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે.
રોજના 35 હજારના ખર્ચથી દરેક જિલ્લા માટે સેવા
ઉમરાળામાં રોજના 35 હજાર રિફિલિંગનો ખર્ચ આવતો હોવા છતાં, આ સેવા સંપૂર્ણ મફતમાં આપવામાં આવી રહી છે. શરૂઆતમાં આટલો ખર્ચ થતા મનમાં વિચાર આવ્યો કે આ સેવાયજ્ઞમાં પાર ઉતરશું કે નહિ ? પણ જેમ-જેમ આ સેવાયજ્ઞની સુવાસ ફેલાતી ગઈ, તેમ-તેમ લોકોનો અને મિત્રોનો ગામે-ગામથી અને જિલ્લા બહારથી જરૂરી સહયોગના મેસેજ મળવા લાગ્યા. હાલમાં આ સિલિન્ડરના રિફિલિંગનો અત્યાર સુધીનો તમામ ખર્ચ ઉમરાળા આધ્યાત્મિક સાધના કેન્દ્રના ધર્મેન્દ્રભાઈ હેજમ તરફથી સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે અને આ બાબતે નિલેશ સવાણીએ કોઈપણ ચિંતા નહિ કરવાની બાહેંધરી આપી છે.
આ પણ વાંચોઃ મોરબીમાં ઉદ્યોગપતિ અને એક યુવાન કોરોના દર્દીઓની કરી રહ્યા છે ફી મા સેવા
અલગ-અલગ ગામ સુધી ઓક્સિજનની બોટલ જરૂરિયાતમંદ દર્દીઓને પહોંચાડાઇ છે
આ ઓક્સિજનની બોટલ ઉમરાળા, બાબરા, ગઢડા, બોટાદ, ચલાલા, દામનગર, અમરેલી સુધીના ગામો સુધી જરૂરિયાતમંદ દર્દીઓને પહોંચાડવામાં આવે છે. નિલેશ સવાણી મૂળ ઉમરાળાના વતની અને આ નવ લોહિયો યુવાન વિદેશમાં સોફ્ટવેરનું કામ કરે છે. હોંગ-કોંગ, દુબઈ, મલેશિયા સહિતના 14 દેશોમાં સોફ્ટવેરની વ્યવસ્થા સાથે સંકળાયેલા છે. ત્યાં પાછા જવાની ટીકીટ કેન્સલ કરાવીને નિર્ધાર કર્યો હતો કે, હવે વિદેશ નહિ ભારતમાંજ રહીને વતનની સેવા કરવી છે. આમ નિલેશ ભાઈએ કહ્યું હતું કે, આ મહામારીના કાળમાં આપણા દ્વારા એક નાનકડા પ્રયત્ન થકી કોઈનો જીવ બચતો હોયતો આનાથી મોટી સેવા બીજી શું હોઈ શકે ?