- મહુવામાં દિવ્યાંગ પૂનમ કાપડિયાનો પ્રેરણાદાયી કિસ્સો
- યુવતીના હાથ પગ કપાયા પણ જિંદગીની બુલંદી નહિ
- શોક લાગ્યા બાદ અભ્યાસ અને ઘરકામ સુધીની સક્ષમતા કેળવી
ભાવનગર: મન મકક્મ અને આગળ વધવાની જીદ હોય તો કોઇ પણ પરીસ્થિતીમાં વ્યક્તિ પોતાની ઇચ્છા મુજબ આગળ વધી શકે છે. આવું જ એક ઉદાહરણ મહુવાના ગોકુળ નગરમાં રહેતી પુનમ કાપડીયાએ પુરુ પાડ્યુ છે. 9 વર્ષની ઉંમરે ઇલેક્ટ્રીક શોક લાગતા ભાવનગર બાદ વધુ સારવાર માટે તેણીને અમદાવાદ સીવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન તેણીના કોણી સુધી બંને હાથ અને બંને પગ પણ કપાવવા પડ્યા હતા.
હાથ-પગ વગરની જીંદગીના કલ્પનાથી રડી પડી
પૂનમના પિતાએ તબીબોને કહ્યુ તેમની વ્હાલ સોય દીકરીને હાથ-પગ વગર પણ સંભાળી લેશે આવું કહી ઓપરેશનની છૂટ આપી હતી. ઓપરેશન બાદ પૂનમ જ્યારે હોશમાં આવી ત્યારે તેના હાથ-પગ વગરની જીંદગીના કલ્પના કરી રડી પડી હતી. ત્યારે પપ્પા અને પરિવારજનોની હૂંફ અને હિંમતથી પૂનમે ફરીથી નવજીવન મેળવ્યુ.
અભ્યાસમાં આગળ વધતી ગઈ
પૂનમની આ નવી જીંદગીમાં એક વળાંક આવ્યો અને તેણીએ અભ્યાસને કેન્દ્ર બિંદુ બનાવ્યુ અને ધોરણ-5માં એડમિસન મેળવ્યું બાદ લખવા-વાંચવાની પ્રેકટીસ શરુ કરી હતી. આ બાદ તે અભ્યાસમાં આગળ વધતી ગઈ અને SSC, HSC અને MSCની પરિક્ષાઓમાં સારા માર્ક સાથે ઉતીર્ણ થઈ હતી.
હાથ-પગ ગુમાવ્યા બાદ પણ ન બની લાચાર
પૂનમ ચિત્ર દોરવામાં પણ સામાન્ય લોકોને પાછળ છોડી દે છે. કોઈનું પણ આબેહુબ ચિત્ર દોરી શકે છે. બંને હાથ ન હોવા છતા મોતીના દાણા જેવા સુવાચ્ય અક્ષરોથી તેણી લખી શકે છે. તેમજ તેણી તમામ પ્રકારની રોજીંદી કામગીરી સામાન્ય વ્યક્તિ માફક કરી શકે છે. દિવ્યાંગ હોવા છતાં પરિવાર પર બોજ ન બની પરંતુ ઘરમાં સાફ-સફાઈ તેમજ રસોઈ સહિત ઘરના દરેક કામ સારી રીતે કરી શકે છે.
નેતાઓ અને સેલિબ્રિટિઓ આશ્વાસન આપી જતાં રહે
પૂનમે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવે છે કે, ઘણાં નેતાઓ, સેલિબ્રિટિઓ મળવા આવે છે અને આશ્વાસન આપી જતાં રહે છે. બેટી બચાવો અને બેટી પઢાવોની વાતો કરતી સરકારનું મારા તરફ ક્યારે ધ્યાન જશે તેવા સવાલો મનમાં ઘર કરી ગયા છે.
માતા-પિતાએ કહ્યુ આ ભાર નથી પણ ભરેમાયેલું ઘરેણું છે
પૂનમના માતા-પિતા પણ કહે છે કે લોકો આ કહેતા આ દીકરી હાથ-પગ વગર કોઈ સ્વીકારશે નહિં, ત્યારે તેમને કહ્યુ અમારા આ કાળજાના કટકાને અમે સંભાળી લઈશું આ અમારા માટે ભાર નથી પણ ભરેમાયેલું ઘરેણું છે.
આ ઘટનાથી કહી શકાય કે માણસનું મન વિકલાંગ બને ત્યારે જીવન ઝેર બની જાય પણ મન જો મક્કમ હોય તો દિવ્યાંગ પણ હિમાલય પાર કરી જાય છે.