- નવા વર્ષમાં અલંગમાં લીલોતરીમાં 1760 હેકટરનો વધારો
- તંત્રના સહિયારા પ્રયાસોથી 1760 હેક્ટરમાં લીલોતરીમાં વધારો
- અલંગમાં વિવિધ વૃક્ષો પણ વિકાસ પામી રહ્યા
ભાવનગર: અલંગનો શિપબ્રેકિંગ વ્યવસાય એક સમયે ભારે પ્રદૂષણનાં કારણે સમગ્ર વિશ્વમાં બદનામ હતું. પરંતુ છેલ્લા નવ વર્ષ દરમિયાન વ્યવસાયકારો, આજુબાજુના ગ્રામ્યજનો, સરકારી તંત્રના સહિયારા પ્રયાસોથી 1760 હેક્ટરના ગ્રીન કવરમાં વધારો થતા આજે અલંગ હરિયાળું જોવા મળી રહ્યું છે.
વર્ષ 2020માં ગ્રીન કવર વધી અને 8750 હેક્ટર થઇ ગયું
દુનિયાના અગ્રગણ્ય શિપબ્રેકિંગ યાર્ડ અલંગ અને તેની આજુબાજુના વિસ્તારોમાં વર્ષ 2011માં 6990 હેક્ટરમાં ગ્રીન કવર હતું. સતત આવી રહેલી જાગૃતિને કારણે વર્ષ 2020માં ગ્રીન કવર વધી અને 8750 હેક્ટર થઇ ગયું છે એટલે કે છેલ્લા 9 વર્ષ દરમિયાન 1760 હેક્ટરમાં ગ્રીન કવરનો વધારો થયો છે. શિપબ્રેકિંગ વ્યવસાયમાંથી નિકળતા કચરાનું રીસાયકલિંગ ટીએસડીએફ સાઇટમાં કરવામાં આવે છે.
ગ્રીન પ્રોજેકટમાં થયેલો ફાયદો
અલંગ જહાજ કટિંગમાંથી નિકળતા 99.5 ટકા વેસ્ટનું હાલ રિસાયકલિંગ કરવામાં આવી રહ્યું છે અને મોટાભાગની વસ્તુઓને પુન: ઉપયોગમાં લઇને બનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત ગ્રીનકવરમાં આવેલા વધારાને કારણે લીમડો, પીપળો, જાંબુ, વડ, આંબા, બાંબુ, ખાખરા, સિતાફળ, કેળ જેવા વૃક્ષો વિકાસ પણ પામી રહ્યા છે.