- ભાવનગરના સર ટી હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે 7 દર્દીઓના મોતની ચર્ચા
- ઓફ ધ રેકોર્ડ મળેલી માહિતીના આધારે શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને ઘટનાને દુઃખદ ગણાવી
- ભાજપના ધારાસભ્ય અને હોસ્પિટલનો બચાવ, આવી કોઈ ઘટના બની જ નથી
ભાવનગર: સર ટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ઓક્સિજન સપ્લાય થોડા સમય માટે બંધ થતા 7 જેટલા દર્દીઓના મોત નિપજ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જોકે, આ મામલે સર ટી હોસ્પિટલના સત્તાધીશોએ આ વાતને પાયાવિહોણી ગણાવી હતી. જ્યારે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહે ટ્વીટ કરીને આ મામલે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ અંગે જ્યારે ધારાસભ્ય વિભાવરી દવેએ પણ આ મામલો ખોટો હોવાનું તેમજ ગુજરાત અને ભાવનગરને બદનામ કરવાનું કાવતરૂ હોવાનું જણાવ્યું હતું,
આ પણ વાંચો: ભાવનગર સર ટી હોસ્પિટલનું 7 માળનું બિલ્ડીંગ કોરોના માટે હાયર
હોસ્પિટલના સત્તાધીશો શું કહે છે આ મામલે ?
સૌપ્રથમ સર ટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દર્દીઓને લાવવામાં આવે છે. જ્યાં રેપિડ ટેસ્ટ કરાવ્યા બાદ જો પોઝિટિવ આવે તો RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર શરૂ કરવામાં આવતી હોય છે. ત્યારે કેટલાક દર્દીઓના રિપોર્ટ આવે તે પહેલા જ મૃત્યુ થયા હોવાના કિસ્સાઓ પણ નોંધાયા છે. સોમવારે ઓક્સિજન બંધ થવાથી સર ટી હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટિવ હાર્દિક ગાઠાણી સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે, ઓક્સિજન બંધ થવાની વાત પાયાવિહોણી છે. કારણ કે ઓક્સિજન લાઈનમાં ખામી હોય તો તેની અસર દરેક બિલ્ડીંગના દરેક વોર્ડમાં જોવા મળે અને તેના કારણે મૃત્યુદર પણ વધી જાય. સર ટી હોસ્પિટલના સુપરિટેન્ડન્ટે પત્રકાર પરિષદ યોજીને ખુલાસો કર્યો હતો કે, સર ટી હોસ્પિટલમાં ઓક્સિજનના કારણે મોત નથી થયા. હોસ્પિટલમાં 10 હજાર લીટરની ક્ષમતા ધરાવતી સેન્ટ્રલ ઓક્સિજન લાઈન છે. હોસ્પિટલ દ્વારા દિવસમાં બે વખત ઓક્સિજન લાઈન અને તેના પ્રેશરને ચેક કરવા માટે ટીમ બનાવવામાં આવેલી છે અને જ્યાં પ્રેશર ઓછું કે બંધ થાય તો ઓટોમેટિક આલાર્મ વાગે છે.
શક્તિસિંહને ડોક્ટરોએ જ ઓક્સિજન પ્રેશર ઓછું હોવાની માહિતી આપી હતી
એક તરફ સર ટી હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ પત્રકાર પરિષદ યોજીને પોતાનો બચાવ કરી રહ્યા હતા. તે જ સમયે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે હોસ્પિટલમાં ઓક્સિજનનું પ્રેશર ઘટવાથી થયેલા મોત અંગે દુઃખ વ્યક્ત કરતું ટ્વીટ કરીને હોસ્પિટલને દાઝ્યા પર ડામ આપ્યો હોય તેવો ઘાટ ઉભો થયો હતો.
આ પણ વાંચો: ટ્રોમા સેન્ટરમાં તોડફોડ પછી ડોક્ટરો હડતાલ પર
મને સંપૂર્ણ પરિસ્થિતિની ખબર છે, એવું કંઈ બન્યું જ નથી: વિભાવરીબેન દવે
ભાવનગર સર ટી હોસ્પિટલમાં ઓક્સિજનના પ્રેશરથી થયેલા મોત તેમજ શક્તિસિંહના ટ્વીટ અંગે ધારાસભ્ય વિભાવરીબેન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં પૂરતો ઓક્સિજન પણ છે અને ટેક્નિકલ સ્ટાફ પણ છે. એટલે ભાવનગર અને ગુજરાતને બદનામ કરવાનું બંધ કરો. મને સંપૂર્ણ પરિસ્થિતિની ખબર છે, એવું કંઈ બન્યું જ નથી.