- જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો વાવણીના કામમાં જોતરાયા
- પરંપરાગત રીતે હળ સાથે બળદો જોડી અને વાવણી કાર્યમાં જોડાયા
- જિલ્લામાં અત્યાર સુધીમાં 42,000 હેકટરમાં વાવણી કરવામાં આવી
- મગફળી,કપાસ તેમજ ઘાસ ચારો અને બાજરીનું વાવેતર કરવામાં આવ્યું
- સારો વરસાદ પડવાની આશાઓ સાથે ખેડૂતોએ કરી વાવણી કાર્યની શરૂઆત
ભાવનગર જિલ્લામાં ગયા મહિના દરમિયાન આવેલા તૌકતે વાવાઝોડા (Tauktae Cyclone) બાદ જૂનમાં ચોમાસાની સીઝન (Monsoon Season)ની શરૂઆત થઈ છે. ત્યારે આ સીઝનનો પહેલો વરસાદ સમગ્ર જિલ્લામાં વાવણીલાયક પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. મોટા ભાગના ખેડૂતો દ્વારા સીઝનનો પહેલો સારો વરસાદ પડતા ખેતરોમાં હળ, બળદ તેમ જ ટ્રેક્ટર દ્વારા ખેડ કરી વાવણી કાર્યની શરૂઆત કરવામાં આવ્યું હતું તો બીજી તરફ કેટલાક ખેડૂતો દ્વારા વાવણી માટે વણમાગ્યા મુહૂર્ત ભીમ અગિયારસના દિવસથી વાવણીની શરૂઆત કરવામાં આવી હતી.
ખેડૂતોએ 42,000 હેક્ટરમાં તો વાવેતર પણ કરી નાખ્યું
જિલ્લામાં સારો વરસાદ સીઝનની શરૂઆતના સમયમાં વરસી જતા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં અંદાજિત 42,000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં 15,000 હેકટરમાં મગફળી, 23-24 હજાર હેક્ટરમાં કપાસ તેમજ બાકી રહેતા વિસ્તારોમાં ઘાસચારો અને બાજરી, તલ જેવા રોકડિયા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. અવાણીયા ખેડૂતોના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે 10 ટકા વિસ્તારમાં જ મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું, જે આ વર્ષે વધુ મગફળીનું વાવેતર થવાની આશાઓ વ્યક્ત કરી રહ્યા છે. એક તરફ કપાસ જેવા પાકોનું બિયારણ, ખાતરનાં ભાવોમાં ખૂબ જ વધારો થયો છે, જેને લઈને ખેડૂતો રોકડિયા પાકોના વાવેતર તરફ વળ્યા છે.
આ પણ વાંચો- વિરપુરના યુવા ખેડૂત લાલ ભીંડાની નવી પ્રજાતિની ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા
15,000 હેક્ટરમાં મગફળી તો 24,000 હેક્ટરમાં અન્ય પાકનું વાવેતર કરાયું
આગામી દિવસોમાં સીઝન દરમિયાન સારા વરસાદની આશા સાથે વધુ હેક્ટરમાં વાવેતર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે જિલ્લા ખેતીવાડી વિભાગ એસ. આર. કોસંબીએ જણાવ્યું હતું કે, આ ચોમાસાની સીઝન (Monsoon Season)ના પહેલા વરસાદ બાદ ખેડૂતો દ્વારા અંદાજીત 42,.000 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં 15,000 હેક્ટરમાં મગફળી તેમ જ 24,000 હેકટરમાં કપાસ, બાજરી તેમ જ તલ જેવા પાકો ઉપરાંત બાકી રહેતા વિસ્તારોમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે.