- ભાજપના વોર્ડના પૂર્વ મહામંત્રીની FIRમાં જ્ઞાતિ બાબતે રજૂઆત
- FIRમાંથી જ્ઞાતિનો વિકલ્પ દૂર કરવા પૂર્વ મહામંત્રીએ લખ્યો પત્ર
- કેટલીક વાર વ્યક્તિ નિર્દોષ હોય તો તેના જ્ઞાતિ પર લાંછન લાગે છેઃ મહામંત્રી
ભાવનગરઃ પોલીસ એફઆઈરમાંથી જ્ઞાતિનો વિકલ્પ દૂર કરવા ભાજપના પૂર્વ મહામંત્રીએ માગ કરી છે. ભાવનગરના ઉત્તર કૃષ્ણનગર રૂવા વોર્ડ નંબર-4ના ભાજપના પૂર્વ મહામંત્રી અને રાવળ જોગી સમાજમાંથી આવતા દેવરાજ સોલંકીએ રાજ્યના મુખ્યપ્રધાન અને પોલીસ કમિશ્નર સહિત કુલ 17 ઊંચી કક્ષાના અધિકારીઓ સુધી પોતાની લેખિત અરજી મોકલી છે. જેમાં રાજ્યના દરેક પોલીસ કમિશ્નરો, મહાનિર્દેશકો, દરેક સચિવો સીઆઈડી જેવા વિભાગોનો પણ સમાવેશ થયો છે. દેવરાજભાઈ સામાજિક કાર્યકર છે.
દેવરાજભાઈએ શા માટે જ્ઞાતિના ઉલ્લેખની FIRમાંથી હટાવવાની માગ કરી
દેવરાજભાઈ આમ તો એક સામાન્ય નાગરિક અને ભાજપના ઉત્તર કૃષ્ણનગર રૂવા વોર્ડ નંબર 4ના ભાજપના પૂર્વ મહામંત્રી રહી ચૂક્યા છે અને હાલ નવા સંગઠન બાદ તેઓ પૂર્વ મહામંત્રી થઈ ચૂક્યા છે. દેવરાજભાઈનું કહેવું છે કે, પોલીસ સ્ટેશનોમાં થતી ફરિયાદો મોટા ભાગે વ્યક્તિગત હોય છે અને જ્ઞાતિના ઉલ્લેખથી સમગ્ર જ્ઞાતિને નીચે જોવું પડે છે અને ક્યારેક કેટલાક તત્ત્વો જ્ઞાતિના નામે ખોટો હોહાપો પણ ઉભો કરતા હોઈ છે. જેથી જ્ઞાતિ અને વ્યક્તિને ફરિયાદ જે સંદર્ભે થઈ છે તેને કશું લેવા દેવા હોતા નથી આથી ફરિયાદમાં સરકાર બને તો જ્ઞાતિનો ઉલ્લેખ કરવાનું બંધ કરે તો સમાજમાં જ્ઞાતિઓ વચ્ચે વધતું અંતર ઘટાડી શકાય છે. જેથી આ મુદ્દે સરકાર વિચાર કરીને પગલા ભરે તેવી માગ કરી છે