- દિવાળી સીઝનમાં ગાંઠિયાની માંગ પર મોંઘવારીની અસર
- ભાવનગર બજારમાં 15થી વધુ પ્રકારના ગાંઠિયા
- ભાવનગરમાં ડુંગળી ગાંઠિયા અને અંગૂઠિયા ગાંઠિયાની બોલબાલા
ભાવનગર: ભાવનગર (Bhavnagar) એટલે ગાંઠિયાથી ઓળખાતું શહેર. ભાવનગરીઓનો દિવસ ગાંઠિયા (Ganthiya)થી ઊગે છે અને રાત્રી પણ ગાંઠિયાથી થાય છે. ગાંઠિયામાં ભાવ વધારો થતા લોકો આ વખતે ઓછી માત્રામાં ગાંઠિયા ખરીદશે, પણ ગાંઠિયા આરોગશે જરૂર. ગાંઠિયાની મજા પર મોંઘવારીની શું અસર છે? કેટલા પ્રકારના ગાંઠિયા છે અને આ વર્ષે કયા ગાંઠિયા બજારમાં આવ્યા જાણો વિગતથી આ અહેવાલ.
ડુંગળીવાળા ગાંઠિયાની ભારે માંગ
આ વર્ષે કોરોના બાદ બજારમાં ગાંઠિયાની નવી નવી વેરાયટીઓ આવી છે. બજારમાં ડુંગળીવાળા ગાંઠિયાની પણ ભારે માંગ છે. ભાવનગરી ગાંઠિયા દિવાળીના સમયમાં મીઠાઈની સાથે ભેટમાં આપવામાં આવે છે. મોંઘવારીમાં પણ ભાવનગરના ગાંઠિયા લોકોની પ્રથમ પસંદગી છે. જો કે ભાવવધારાના કારણે નાગરિકોએ ગાંઠિયાની ખરીદીમાં ઘટાડો કર્યો છે. આ વખતે દિવાળીની સીઝનમાં ગ્રાહકોમાં ઘટાડો આવ્યો છે.
દિવાળી દરમિયાન ભાવનગરી ગાંઠિયાનું ધૂમ વેચાણ
ભાવનગર શહેરમાં ગાંઠિયાની અનેક મોટી દુકાનો આવેલી છે. શહેરમાં ગાંઠિયાના વેચાણમાં મોટું નામ મનુભાઈનું છે. આ વખતે ગાંઠિયાની ખરીદીમાં 15થી 20 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે. ભાવનગરના ગૃહિણી પૂજાબેને જણાવ્યું હતું કે, ગાંઠિયાની ખરીદી મોંઘવારીમાં પણ કરવાનું ચૂકતા નથી. તેલ-પેટ્રોલના ભાવમાં વધારાના પગલે કિલોના બદલે પોણા કિલો ગાંઠિયા લઈએ છીએ, પણ ભેટ કે આરોગવા માટે ગાંઠિયાની ખરીદી તો કરીએ જ છીએ.
ગાંઠિયા મોંઘા કેમ?
ગાંઠિયાની ડિમાન્ડ હંમેશા ભાવનગરીઓમાં રહી છે. તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. પેટ્રોલનો ભાવ પણ જરૂરથી અસર કરી રહ્યો છે. મનુભાઈ ગાંઠિયાના સંચાલક નિલેશભાઈએ જણાવ્યું હતું કે, તેલના ભાવ, પેટ્રોલના ભાવ પણ અસર કરે છે. સાથે જ ચણાના લોટના ભાવમાં પણ વધારો થયો છે, તેમજ મજૂરી પણ વધુ છે. આ કારણે ગાંઠિયાના ભાવમાં કિલોએ 20 રૂપિયા આસપાસ વધારો થયો છે. દિવાળી સમયે ભાવનગરમાં લોકો કોરોડો રૂપિયાના ગાંઠિયાની ખરીદી કરતા હોય છે. અત્યારે ગાંઠિયા 180થી લઈને 200થી વધુ રૂપિયા સુધી વેચાય છે. ભાવનગરી ગાંઠિયાની વિદેશમાં પણ માંગ રહે છે.
આ વર્ષે બજારમાં કયા નવા ગાંઠિયા
ભાવનગરના ઝીણા ગાંઠિયા અને અંગૂઠિયા ગાંઠિયાની બોલબાલા રહે છે. આ ઉપરાંત જાડા મરી મસાલા ગાંઠિયા, તીખા ગાંઠિયા, લસણીયા ગાંઠિયા, પાલક ગાંઠિયા, મેથી ગાંઠિયા, ફૂલવણી ગાંઠિય, ટમટમ ગાંઠિયા, ચંપાકલી ગાંઠિયા, માખણીયા ગાંઠિયા, પાપડી ગાંઠિયા, તીખી પાપડી, ઝીણા તીખા ગાંઠિયા, શાકના ગાંઠિયા, નવા ઝીણા તીખા ગાંઠિયા, ફાફડા ગાંઠિયા વગેરે ગાંઠિયાની માંગ રહે છે. આ ગાંઠિયાની યાદીમાં આ વખતે ડુંગળી ગાંઠિયા ઉમેરાયા છે.
આ પણ વાંચો: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની તૈયારીઓ પૂર્ણતાના આરે
આ પણ વાંચો: DNH પેટા ચૂંટણીમાં ભાજપ-શિવસેનાના ઉમેદવારોએ કર્યું મતદાન: લોકોને પણ કરી અપીલ