- ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ભયાનક નજારો
- એમ્બ્યુલન્સ કોરોનાના દર્દીઓને લઈને બોટાદથી ભાવનગર આવી હતી
- PPE કિટમાં એમ્બ્યુલન્સ ચાલકો જોવા મળ્યા
ભાવનગર: શહેરમાં રોજના કેસો 100ની આસપાસ આવી રહ્યા છે અને હવે તો અન્ય જિલ્લાના દર્દીઓને સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 10 એપ્રિલે ઢળતી સાંજે એક સાથે 9 જેટલી 108 એમ્બ્યુલન્સમાં આશરે 30 જેટલા કોરોનાના દર્દીને લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં જગ્યા રહી નથી અને પરિસ્થિતિ વણસી ગઈ છે. કોઇ જવાબદાર અધિકારી સામે આવીને સત્યને સમક્ષ મૂકતું નથી.
આ પણ વાંચો: રાજકોટમાં કોરોના બેકાબૂ, રસ્તા પર દર 4 મિનિટે જોવા મળે છે એમ્બ્યુલન્સ
કોરોના દર્દીને કારણે ભાવનગરની ઢળતી સાંજ બની ભયાનક
ભાવનગરમાં ઢળતી સાંજે એક સાથે 9 જેટલી 108 એમ્બ્યુલન્સ ભાવનગરમાં લાઈનમાં સર ટી હોસ્પિટલ પહોંચી હતી. રસ્તા પર સૌ કોઈ અવાક બની ગયા હતા, તો સર ટી હોસ્પિટલના લોકોમાં પણ સન્નાટો છવાઈ ગયો હતો. એક એમ્બ્યુલન્સમાં ક્યાંક 2, તો ક્યાંક 3 એમ દર્દીઓ ભર્યા હતા. 9 એમ્બ્યુલન્સ સર ટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવી હતી. આશરે 30 જેટલા દર્દીઓ કોરોનાના લાવવામાં આવ્યા હતા અને PPE કિટમાં એમ્બ્યુલન્સ ચાલકો જોવા મળતા હતા. ટ્રોમા સેન્ટર બહાર લોકોમાં ક્યાંક ચેહરા પર ભય જોવા મળતો હતો કે કોરોનાનો કહેર કેટલો ભયાનક છે.
આ પણ વાંચો: વડોદરામાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીને લઈ દર મિનિટે આવે છે એમ્બ્યુલન્સ
સર ટી હોસ્પિટલમાં શું પરિસ્થિતિ..? ક્યાંથી આવી રહ્યા છે દર્દી..?
ભાવનગર સર ટી હોસ્પિટલમાં બોટાદ, બરવાળા, અમદાવાદ તરફથી એમ્બ્યુલન્સ દર્દીઓને લઈને આવી હતી. સર ટી હોસ્પિટલમાં 275 બેડની વ્યવસ્થા હતી અને હાલ આ બેડ ફૂલ થઈ ગયા છે. તેવું સર ટી હોસ્પિટલના એક પ્રતિષ્ઠિત ડોક્ટર પાસેથી જાણવા મળ્યું હતું. જો કે બેડ ફૂલ થવા મામલે કલેક્ટર ગૌરાંગ મકવાણાએ નનૈયો ભણ્યો હતો, તો સર ટી હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યુ હતું કે, હજુ 122 જેટલા બેડ પોઝિટિવ દર્દી માટે ખાલી છે અને 9 તારીખે સવાર સુધીમાં 70 શંકાસ્પદ હતા. જેમાં રજા આપવાથી તે આંકડો ઘટશે અને બોટાદથી આવ્યા તે દર્દીઓ આશરે 12ની આસપાસ દર્દીઓ છે, એટલે બેડ ખાલી થઈ ગયા તેવું નથી.