ભાવનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ઘોઘા તાલુકા પંચાયતના ભવનનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ભવન બનાવવા પાછળ રૂ. 236.80 લાખ ખર્ચવામાં આવ્યા છે. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની સીડીપી-3 યોજના હેઠળ ઘોઘા તાલુકા પંચાયત કચેરીના આધુનિક ભવનનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, પંચાયત રાજ એ ગુજરાતનો આત્મા છે. રાજ્યની ગ્રામ પંચાયતો મિની સચિવાલય બને અને છેવાડાના માનવીના પ્રશ્નને વાચા મળે અને સ્થાનિક કક્ષાએ જ તેનું સુખદ સમાધાન થાય તેવી ભાવનાથી રાજ્ય સરકાર પંચાયતી માળખાને વધુ સક્ષમ અને ટેક્નોલોજી યુક્ત બનાવવા સતત પ્રયત્નશીલ છે. વધુમાં તેમણે જણાવ્યું કે, છેવાડાનો માનવી આરોગ્ય, ખેતી, સિંચાઈ સહિતની બાબતે સુદૃઢ બને તેમ જ તેના પ્રશ્નોને વાચા મળે અને તેનું નિરાકરણ થાય તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોને વધુ મજબૂત અને સક્ષમ બનાવવા માતબર રકમ ફાળવાઈ છે. આધુનિક ટેક્નોલોજીથી નિર્મિત કચેરીઓ સુખ-સુવિધા સભર બને અને ગામડાનો માનવી તેનો સુખદ અનુભવ કરે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ વકતુ મકવાણા, તાલુકા પંચાયતના પ્રમુખ સંજયસિંહ ગોહિલ, છોટુભા ગોહિલ, દિવ્યેશ સોલંકી, સુરૂભા ગોહિલ, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાહુલ ગમારા, ઘોઘા મામલતદાર હેતલ મકવાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.