- ભાવનગરમાં 4 સ્થળો પર અમૃત મહોત્સવ યોજાયો
- 3 સ્થળોએ 'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમની ઉજવણી
- સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ દાંડી યાત્રા પર નાટક રજૂ થયું
ભાવનગર: ભારત દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના અવસરે 'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ભાવનગર શહેરમાં ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે રાજ્યપ્રધાન વિભાવરીબેન દવે, લોકભારતી સણોસરા ખાતે રેન્જ આઈ. જી. અશોકકુમાર યાદવ તેમજ શામળદાસ આર્ટસ કોલેજ ખાતે મેયર કીર્તિબેન દાણીધારિયા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: રાજકોટમાં ડેપ્યૂટી સીએમ નીતિન પટેલની ઉપસ્થિતિમાં યોજાયો ‘આઝાદી કા અમૃત મહોત્સવ'
ઇતિહાસ ન જાળવે એ સંસ્કૃતિ સમય જતા લુપ્ત થઈ જાય: રાજ્યમંત્રી વિભાવરીબેન દવે
કાર્યક્રમના પ્રાસંગિક ઉદબોધન કરતા રાજ્યપ્રધાન વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદના વિચારોની ખૂબ ઊંડી અસર છે. તેથી જ તેઓએ રાજ્યવ્યાપી દાંડીયાત્રાનું આયોજન કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઇતિહાસ ન જાળવે એ સંસ્કૃતિ સમય જતા લુપ્ત થઈ જાય છે.
સ્વદેશી ચીજોનો ઉપયોગ કરીને દેશને આત્મનિર્ભર બનાવવા આહવાન
આઝાદી મેળવ્યા બાદ દેશને એક તાંતણે જોડાવાનું ભગીરથ કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતુ. બીજી તરફ ગાંધીજીના ચરણોમાં કૃષ્ણકુમારસિંહજીએ સમગ્ર દેશમાં પોતાનું પ્રથમ રાજ્ય અર્પણ કરીને અખંડ ભારતના નિર્માણનો પાયો નાખ્યો હતો. ભાવનગરના સર પ્રભાશંકર પટ્ટણીને મહાત્મા ગાંધી દાંડીકૂચ ન યોજે તેમ સમજાવવા અંગ્રેજોએ અમદાવાદ મોકલ્યા હતા, પરંતુ એ જ સર પટ્ટણીએ દાંડીકૂચમાં જોડાઈને દેશભક્તિનું અનેરૂ ઉદાહરણ પૂરુ પાડ્યું હતું. સ્વદેશી ચીજોનો ઉપયોગ કરીને દેશને આત્મનિર્ભર બનાવવા તેમજ ગાંધીજીના વિચારોને આત્મસાત કરીને રાષ્ટ્રપ્રેમનો આહલેક જગાવવા રાજ્યમંત્રીએ આહવાન કર્યું હતું.
આ પણ વાંચો: પોરબંદરમાં આઝાદીના અમૃત મહોત્સવની શાનદાર ઉજવણી કરાઈ
સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ દાંડીયાત્રા વિષયને રજૂ કરતી નાટિકાનું આયોજન
સણોસરા લોકભારતી ખાતે 'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમમાં IG અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, પ્રાંત અધિકારી નિનામા, ડેપ્યુટી DDO રાહુલ ગમારા, સિહોર નગરપાલિકા પ્રમુખ સહિતના મહાનુભાવો જોડાયા હતા. જ્યાં મુખ્ય વક્તા તરીકે અરૂણભાઈ દવે એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. જ્યારે શામળદાસ આર્ટસ કોલેજ ખાતે મેયર કીર્તિબેન દાણીધારીયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે ડો.મહેબુબભાઈ દેસાઈએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમોના સ્થળે ગાયન-વાદન સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ દાંડીયાત્રા વિષયને રજૂ કરતા નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું.