- ભાવનગરને મળ્યું રાજ્યનું પ્રથમ પ્રાકૃતિક બજાર
- જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા 134 ખેડૂતો અમૃત ખેડૂત બજારમાં જોડાયા
- રાજ્ય પ્રધાન વિભાવરી દવે તથા DDOએ અમૃત બજારમાંથી કરી ખરીદી
ભાવનગરઃ આત્મા પ્રોજેક્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરમા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા જવાહર મેદાનની બાજુમાં, રિલાયન્સ માર્ટ સામે આવેલા જોગર્સ પાર્ક-2 ખાતે રાજ્યની પ્રથમ એવી નવતર પહેલ શરૂ કરવામા આવી છે. જેમાં ભાવનગર જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને શહેરમા પોતાની પેદાશના વેચાણ માટે એક જગ્યા મળી રહે અને શહેરમાં રહેતા લોકો જે સ્વાસ્થ જાળવવા અને નિરોગી રહેવા પ્રાકૃતિક ખોરાક લેવા ઇચ્છુક છે, તેવા લોકોને સરળતાથી ગામડામા સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત પેદાશ મળી રહે તેવા અભિગમ સાથે અમૃત બજાર શરૂ કરવામા આવી છે.
![વિભાવરી દવે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03:39:09:1610273349_rgjbvn02amrutbajaravchirag7208680_10012021130556_1001f_1610264156_650.jpg)
ખેડૂત આત્મનિર્ભરતાને પ્રોત્સાહન મળશે
જેમાં આજરોજ ભાવનગર જિલ્લાના 134 ખેડૂતો દ્વારા વિવિધ ખેત પેદાશો અને અન્ય પ્રોસેસ કરેલી પ્રાકૃતિક પેદાશોના વેચાણનું આયોજન કરવામા આવ્યું હતુ. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્ય પ્રધાન વિભાવરી દવે તથા DDO વરૂણકુમાર બરનવાલે અમૃત ખેડૂત બજારને ખુલ્લી મૂકી હતી અને બજારમાંથી ખરીદી કરી પ્રાકૃતિક કૃષિ તેમજ ખેડૂત આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપ્યું હતું.
![વિભાવરી દવે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03:39:07:1610273347_rgjbvn02amrutbajaravchirag7208680_10012021130556_1001f_1610264156_1031.jpg)
આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિ માટેનું દેશ્વ્યાપી અભિયાન ચલાવ્યું
અમૃત ખેડૂત બજારને ખુલ્લુ મૂકતા રાજ્ય પ્રધાન વિભાવરી દવેએ જણાવ્યું હતું કે, આજે લોકો અને ખેડૂતો બન્ને ઓર્ગેનિક તરફ વળ્યા છે, ત્યારે આ બજાર બન્ને માટે યોગ્ય માધ્યમ પુરૂ પાડશે. આ બજાર થકી લોકોને અમૃત જેવું શુદ્ધ ઉત્પાદન ઘર આંગણે જ મળશે. રાસાયણીક ખાતરથી પાક મબલખ આવે છે, પરંતુ તે જમીન અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આગળ જતા તેનાથી કેન્સર જેવા ગંભીર રોગો થવાની શક્યતા પણ રહેલી છે અને તેથી જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ પ્રાકૃતિક કૃષિ માટેનું દેશ્વ્યાપી અભિયાન ચલાવ્યું છે.
![અમૃત બજાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03:39:07:1610273347_rgjbvn02amrutbajaravchirag7208680_10012021130556_1001f_1610264156_552.jpg)
પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા અમૃત ઉત્સવનું આયોજન
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલે જણાવ્યું હતુ કે, ભાવનગરમા ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા અમૃત ઉત્સવનું આયોજન કરવામા આવ્યું હતું, ત્યારે જિલ્લાના ખેડૂતો તથા શહેરીજનોની માંગ હતી કે, તેમને પ્રાકૃતિક કૃષિનુ કાયમી માધ્યમ ઉપલબ્ધ થાય છે. જે બાબત ધ્યાને લઇ વહીવટી તંત્ર તથા ભાવનગર મહાનગરપાલિકાના સહયોગથી આ અમૃત કૃષિ બજાર ઉભું કરવામા આવ્યું છે. અહીં સખી મંડળના ઉત્પાદનો પણ વહેચાણ અર્થે મુકવામાં આવ્યાં છે. જેના થકી મહિલાઓ પણ આત્મનિર્ભર બનશે. આ સાથે ખેડૂતોને ઉત્પાદનના કાર્યક્ષમ ભાવ મળી રહેશે. આ ઉપરાંત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળશે.
તંત્રનો આભાર વ્યક્ત કર્યો
અમૃત ખેડૂત બજારમાં ઓર્ગેનિક શાકભાજી, અનાજ, કઠોળ, તેલ, ફળો, ગોળ, જ્યુસ, ફરસાણ, રમકડા, ફિનાઇલ, પ્રાકૃતિક દવાઓ, હળદર સહિતની જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓ પ્રારંભિક તબક્કે ઉપલબ્ધ કરાવાઇ છે. ઉલ્લેખનીય છે કે, આ બજાર દર રવિવારે સવારે 7થી 12 કલાક દરમિયાન શહેરીજનો માટે ખુલ્લી રહેશે. આ પ્રસંગે વેચાણ માટે આવેલા ખેડૂતો તથા ખરીદી માટે આવેલા શહેરીજનોએ આ વ્યવસ્થાથી લાભાન્વીત થઇ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો અને આવી સુંદર વ્યવસ્થા ઉભી કરવા બદલ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.