અમદાવાદઃ પોલીસ વિભાગ દ્વારા વર્ષ 2018માં વર્ગ-3 પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાહી સહિતની જે ભરતી કરવામાં આવી છે તે ગુજરાત હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ હોવાથી 316 જેટલા ઉમેદવારોએ આ ભરતી રદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. હાઈકોર્ટે આ મુદ્દે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગને નોટિસ પાઠવી 6 ઓક્ટોમ્બરના રોજ ખુલાસો માગ્યો છે.
હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, ભરતી પ્રક્રિયાના ફાઇનલ સિલેક્શન લિસ્ટ બાદ કટ ઓફ માર્ક ઓછા કરી મહિલા ઉમેદવારોને નિમણૂક આપવામાં આવી હતી. મહિલા ઉમેદવારો માટે નવા 2845 પદ જાહેર કરવામાં આવ્યા હતા. આ એક પ્રકારનો રિવર્સ ભેદભાવ છે જે ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. મહિલાઓને ૩૩ ટકા અનામત આપવામાં આવે છે પરંતુ જાહેર કરાયેલી વધારાની પોસ્ટમાં તમામ પદ મહિલાઓને આપવામાં આવ્યા હતા. આ ગેરબંધારણીય બાબત છે. ભરતીમાં વધારાની પોસ્ટ મોટી સંખ્યામાં જાહેર કરી શકાય નહીં.
આ મુદ્દે હાઇકોર્ટના જસ્ટિસ એ.સી. રાવે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. હાઈકોર્ટમાં એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદાર મેરિટોરિયસ ઉમેદવાર હોવા છતાં તેમને આજ દિવસ સુધી નિમણૂક આપવામાં આવી નથી. લગભગ ૧૨ હજાર જેટલા ઉમેદવારો સાથે આ ભેદભાવ થયો છે, જે ગુજરાત હાઇકોર્ટના ચુકાદાની વિરુદ્ધ છે.