જૂનાગઢ: ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા 24 કલાક પૂર્વે શરૂ થઈ ગઈ છે. જય ગિરનારીના નાદ સાથે જંગલ વિસ્તારનો પરિક્રમા માર્ગ જીવંત બન્યો હતો. ત્યારે આજે પ્રથમ દિવસે સમગ્ર દેશમાંથી આવેલા પરિક્રમાર્થીઓએ પરિક્રમાને લઈને તેમના પ્રતિભાવો આપ્યા હતા. ધર્મના અહેસાસની સાથે શારીરિક આરોગ્ય આપતી ગિરનારની આ પરિક્રમા જીવનમાં એકવાર સૌ કોઈ એક કરવી જોઈએ. તેવો પ્રતિભાવ પ્રથમ દિવસે જ પરિક્રમામાં આવેલા પરિક્રમાર્થીઓએ વ્યક્ત કર્યો છે.
ગિરનારની લીલી પરિક્રમાનો થયો પ્રારંભ: કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા આદી અનાદીકાળથી આયોજિત થતી આવે છે. ત્યારે આજે 24 કલાક પૂર્વે પરિક્રમાર્થીઓની સંખ્યાને ધ્યાને રાખીને પરિક્રમાનો માર્ગ 'જય ગિરનારી' ના નાદથી જીવંત બની ગયો હતો. પરિક્રમા વિધિવત રીતે કાર્તિક સુદ અગિયારસની મધ્યરાત્રિએ શરૂ થઈને પૂનમની મધ્યરાત્રિએ પૂર્ણ થતી હોય છે. પરંતુ પરિક્રમામાં આવેલા ભાવિકોની સંખ્યાને ધ્યાને રાખીને 24 કલાક પૂર્વે પરિક્રમાના માર્ગને વન વિભાગ દ્વારા ખુલ્લો કરવામાં આવ્યો હતો. જય ગિરનારીના નાદ સાથે પરિક્રમા કરવા આવેલા ભાવિકોએ ભવ ભવનું ભાથું બાંધવા માટે 36 કિમીની આ લાંબી ધાર્મિક યાત્રાની શરૂઆત કરી છે.
પરિક્રમાર્થીઓએ આપ્યો અભિપ્રાય: ગરવા ગિરનારની પાવનકારી પરિક્રમા માટે પ્રથમ વખત આવેલા ઉત્તરાખંડના પરિક્રમાર્થી સંજય પુડીરે ETV BHARAT ને પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 2 વર્ષ પૂર્વે તેઓ જૂનાગઢ આવ્યા હતા. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં તેઓ ગુરુદત્ત શિખર સુધી ગયા હતા. ત્યારે આ વખતે પરિક્રમાનના સમયે અચાનક લગ્ન પ્રસંગમાં જૂનાગઢ આવવાનું થયું ત્યારે સમાચાર મળ્યા કે પરિક્રમા શરૂ થાય છે. સનાતન ધર્મની આ પરંપરા અને ખાસ કરીને જ્યાં દૈવિય તત્વ આજે પણ સતત હાજર જોવા મળે છે તેવા આત્માના આનંદ સાથે આજે પરિક્રમા શરૂ કરી છે.
અંતરના નાદ સાથે લીલી પરિક્રમા: પરિક્રમાર્થીએ જણાવ્યું કે, મારા જીવનની આ પ્રથમ ગિરનારની લીલી પરિક્રમા છે. પરંતુ જે રીતે મેં પરિક્રમાને લઈને જોયું છે અને સાંભળ્યું છે. તે મુજબ આજે હું મારી જાતને પરિક્રમા પથ પર લાવીને બે દિવસમાં પરિક્રમા પૂર્ણ કરવાના નિર્ધાર સાથે પરિક્રમા શરૂ કરી છે. ત્યારે રાજસ્થાનથી આવેલા મહેશચંદ્ર શર્માએ પણ તેમનો પ્રતિભાવ આપ્યો હતો કે, તેઓની પણ આ પ્રથમ લીલી પરિક્રમા છે. તેમની ગુરુ ગાદી ગિરનારમાં હોવાને કારણે પણ તેઓ જૂનાગઢ અને ગિરનાર પ્રત્યે ખૂબ જ આકર્ષિત હતા. ત્યારે આજે અચાનક પરિવારના કેટલાક સભ્યો અને અન્ય મિત્રો સાથે પરિક્રમા શરૂ કરી છે. જે રીતે જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે છે. તેવી જ રીતે પરિક્રમા કરવાથી જીવનની મુશ્કેલી દૂર થશે. તેવા અંતરના નાદ સાથે તેમણે પરિક્રમા શરૂ કરી છે.
મહિલા પરિક્રમાર્થીઓના મનમાં થોડો ડર અને ઉત્કંઠા: પ્રથમ વખત ગિરનારની પાવનકારી લીલી પરિક્રમામાં સુરતથી આવેલી વિભાએ ETV BHARAT સાથે તેમની પરિક્રમાનો પ્રથમ અનુભવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તેઓ પ્રથમ વખત પરિક્રમા કરવા માટે આવી છે. પરિક્રમા શરૂ થતા પૂર્વે પરિક્રમાર્થીઓની લાખોની સંખ્યા અને જંગલ વિસ્તારમાં રાત્રિના સમયે પ્રાણીઓના ડર સાથે પરિક્રમા શરૂ કરી છે. તેઓ ગિરનારી મહારાજ પર ખૂબ શ્રદ્ધા ધરાવે છે. એટલે પરિક્રમા માટે આવી છે અને પરિક્રમામાં કોઈ પણ મુશ્કેલી નહીં પડે તેવા ગિરનારી મહારાજ પર ભરોસો રાખીને તેમણે પરિક્રમા શરૂ કરી છે.
દિવ્યાંગ પરિક્રમાર્થીએ આપ્યો પ્રતિભાવ: બીજી તરફ અમદાવાદથી પરિક્રમા કરવા માટે આવેલ મહિલા પરિક્રમાર્થી મયુરીએ તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, તેમની આ પ્રથમ લીલી પરિક્રમા છે, આ વખતનો અનુભવ તેમના વ્યક્તિગત જીવન માટે ખૂબ મહત્વનો છે, દર વર્ષે તેઓ ગિરનારની પરિક્રમા કરવા માટે આવશે. તેવા નિર્ધાર સાથે તેઓ આ પ્રથમ પરિક્રમા પૂરી કરશે. પરિક્રમા ન માત્ર ધાર્મિક પરંતુ શારીરિક રીતે પણ પ્રત્યેક વ્યક્તિએ કરવી જોઈએ તેવો પ્રતિભાવ આપ્યો હતો. ધારીથી આવેલા દિવ્યાંગ પરિક્રમાર્થી ભરતભાઈએ પરિક્રમાને લઈને તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, હું પાછલા 10 વર્ષથી અપંગ હોવા છતાં પણ પરિક્રમા કરવા માટે ચોક્કસ આવુ છું. 32 કોટી દેવી-દેવતાઓનું સ્વયં વાસ તેમજ પરિક્રમાના સમય દરમિયાન તેમની અનુભૂતિ માટે તેઓ પરિક્રમા માટે આવ્યા છે. આગામી વર્ષોમાં પણ આવતા રહેશે.
આ પણ વાંચો: