જુનાગઢ: દેવ ઉઠી અગિયારસથી પૂનમ સુધી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા આદિ અનાદિકાળથી થઈ રહી છે ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાંથી પૃથ્વી લોકમાં કારતક સુદ અગિયારસના દિવસે પધારતા હોય છે, જેથી આ સમયે દેવો દ્વારા દિવાળી મનાવવામાં આવે છે, તેના ઉપ્લક્ષમાં અને ભગવાન શ્રી હરિ કૃષ્ણ દ્વારા અનેક સૌકાઓ પૂર્વે સ્વયંમ પરિક્રમા કરી હોવાની ધાર્મિક પરંપરાને કારણે આદિ અનાદિકાળથી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા યોજાતી હોય છે જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો જોડાયને ભવભવનું ભાથુ બાંધતા નજરે પડે છે.
દેવ ઉઠી એકાદશી અને ગિરનારની લીલી પરિક્રમા
કારતક સુદ અગિયારસને દેવ ઉઠી એકાદશી તરીકે મનાવવામાં આવે છે,આજના દિવસે ભગવાન વિષ્ણું પાતાળ લોકથી પૃથ્વી લોક તરફ પધારતા હોય છે, આ પરંપરાને આનંદ અને ઉત્સાહ તરીકે દેવલોકમાં દેવ દિવાળીના તહેવારથી ઉજવવામાં આવ્યો હતો. આવી સનાતન ધર્મની પરંપરા તેમજ આજ દિવસે ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા સૌપ્રથમ વખત ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના અષ્ટ સખાઓ દ્વારા કરવામાં આવી હોવાની ધાર્મિક પરંપરા મુજબ છેલ્લી અનેક સદીઓથી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા કારતક સુદ એકાદશીના દિવસે શરૂ થઈને પૂનમે પૂર્ણ થતી હોય છે. જેમાં લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ ભવ ભવનું ભાથું બાંધવા માટે દેશ અને દેશાવર માંથી ઉમટી પડે છે.
ગિરનાર ક્ષેત્ર 32 કોટી દેવતાની તપસ્થળી
ગિરનારને નવનાથ 64 સિધ્ધોમાં જગદંબા અને 33 કોટી દેવતાઓના તપસ્વીના ઐતિહાસિક સ્થળ તરીકે પણ જોવામાં આવે છે, હિમાલય પૂર્વેનો ગિરનાર પર્વત દેવી-દેવતાઓની સાથે પ્રાકૃતિક મહત્વ પણ આટલું જ ધરાવે છે, ગિરનાર તળેટીમાં ગુરુદત્તાત્રેય દ્વારા તપસ્ચર્યા કરવામાં આવી હતી. ગુરુદત્ત મહારાજને ભગવાન વિષ્ણુના અવતાર તરીકે પણ પૂજવામાં આવે છે. જેથી કારતક સુદ એકાદશીના દિવસે ગિરનાર પરીક્ષેત્રમાં 32 કોટી દેવી દેવતાઓની સાથે નવનાથ 64 જોગણી અને માં જગદંબાની સ્વયંમ હાજરીની અનુભૂતિ થાય તે માટે સ્વયંમ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા પ્રથમ વખત ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા તેમના અષ્ટ શખાઓ દ્વારા કરવામાં આવી હતી. જેમાં સનાતન ધર્મની પરંપરા અનુસાર પાંડવો પણ સામેલ થયા હતા. જેથી કારતક સુદ અગિયારસના દિવસે ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા કરવાની એક પરંપરા આદિ અનાદિકાળ પૂર્વે શરૂ થઈ હતી તે આજે આધુનિક યુગમાં પણ અકબંધ જોવા મળે છે.
આધ્યાત્મિક અને પ્રાકૃતિક ઉર્જાનું કેન્દ્ર ગીરનાર
ગિરનારને આધ્યાત્મિક અને પ્રાકૃતિક ઊર્જાના કેન્દ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ગિરનારની પ્રકૃતિમાં આધ્યાત્મની સાથે પ્રાકૃતિક લાભ લેવા માટે પણ પરિક્રમા ધાર્મિક અને પ્રાકૃતિક રીતે પણ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે, એક પરંપરા અનુસાર પરિક્રમા પૂર્ણ કરેલા પ્રત્યેક પરિક્રમાથી પોતાના ભવભવના પુણ્યના ભાથા બાંધીને પણ અહીંથી જતા હોય છે. વધુમાં સનાતન ધર્મ ઉત્સવો અને તહેવારોની સાથે પ્રકૃતિમય પણ જોવા મળે છે, ત્યારે પ્રકૃતિની મધ્યમાં રહીને આધ્યાત્મના સાનિધ્યમાં ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા પ્રત્યેક જીવ માટે પુણ્યશાળી માનવામાં આવી છે. જેથી ભગવાન શ્રીકૃષ્ણના સમયથી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા શરૂ થઈ હતી જેનું આધ્યાત્મિક અને પ્રાકૃતિક મહત્વ આજે તેટલું જળવાયેલું જોવા મળે છે.