અમદાવાદ : ધન્ય ધરા ગુર્જરી એટલા માટે કહેવાય છે કે, શક્તિ ઉપાસનાના પવિત્ર તીર્થધામ ગુજરાતની રક્ષા કરે છે. ઉત્તરે વિરાજતાં માઁ અંબાજી શક્તિપીઠ સહિતના ધામ આદ્યશક્તિ ભવાનીના ભક્તો માટે એક એવું આસ્થાનું ધામ છે, કે જ્યાં નવરાત્રીના દિવસોમાં જ નહીં વર્ષભર ભક્તો માઁને નમવા આવતા રહેતા હોય છે.
ચાલુ વર્ષ કોરોના મહામારીને લઇને અલગ પ્રકારના વાતાવરણમાં નવરાત્રીના નવ દિવસ જવાના છે એ નિશ્ચિત છે. ત્યારે માઁ આદ્યશક્તિની ભક્તિ માટે શિરમોર સમાં નવરાત્રીના દિવસોનું ઉપાસના અને અનુષ્ઠાનને શ્રદ્ધાથી અનુસરતા ભાવિકો માટે સહસ્ત્રગણું મહત્ત્વ સમાયેલું છે. નવરાત્રીના નવ દિવસ માતાની આરાધના, અધ્યાત્મ જીવનનો આગવો અનુભવ અને રાત્રીના ઝગમગતા તારલાઓ વચ્ચે ખેલાતા ગરબાની અદભૂત ત્રિવેણી રચે છે, કે જે કપરા કાળમાં ભક્તને અનોખું બળ પૂરતી રહે છે.
ગુજરાતની પોતીકી સંસ્કૃતિમાં અભિન્ન અંગ સમાન નવરાત્રીમાં જાહેર કાર્યક્રમો નથી યોજાવાના, પરંતુ સીમિતપણે પણ ગરબા રમવાનો સાત્વિક આનંદ લોકો માણી શકે છે. ત્યારે નવેનવ નોરતાંમાં માઁ ભવાનીના નવ સ્વરુપોની આરાધના કરતા તેમનો મહિમા સ્મરણ પણ કરીએ.
પ્રથમંમ શૈલપુત્રી
નવરાત્રીના પ્રથમ નોરતે માતા ભવાનીનું પ્રથમ સ્વરુપ પૂજાય છે તે છે શૈલપુત્રી સ્વરુપ. ભક્તો આ દિવસે માના સ્વરુપને જે પ્રકારે ચિંતવે છે, તે શૈલપુત્રી તરીકે મહિમાગાન કરવામાં આવે છે. શૈલ એટલે કે પર્વત. પર્વતના પુત્રી-શૈલપુત્રી કહેવાયા છે. માર્કંડેયપૂરાણમાં ઉલ્લેખયાં પ્રમાણે હિમાલયપુત્રીના આ સ્વરુપને નવદુ્ર્ગાના નવ સ્વરુપોમાં પ્રથમ સ્વરુપ તરીકે સ્થાન અપાયું છે.
દેવીનું આ નામ હિમાલયને ઘેર પુત્રી તરીકે જન્મ લેવાથી પડ્યું છે. હિમાલય આપણી શક્તિ, દૃઢતા, આધાર તથા સ્થિરતાનો પ્રતિક છે. મનુષ્યજીવનમાં દૃઢતા, સ્થિરતા તથા આધારનું મહત્વ સર્વપ્રથમ છે, એટલે આ દિવસે આપણા જીવનમાં સ્થાયિત્વ તથા શક્તિમાન બનવા માટે માતા શૈલપુત્રી પાસે પ્રાર્થના કરવી જોઈએ. શૈલપુત્રીની આરાધના કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે.
હિમાલયની ઉત્તુગતાંના શિખરે વિરાજતા ચંદ્રની શીતળતા સમાન સાત્વિક ધ્યેય પ્રાપ્ત કરાવે તેવા માતા શૈલપુત્રીનું વાહન વૃષભ માનવામાં આવે છે. તેમના વરદ હસ્તમાં ત્રિશૂળ અને વામ હસ્તમાં કમળનું પુષ્પ ભક્તના માનસહૃદયમાં પમરાટ ફેલાવે છે. તેમની સ્તુતિ સ્વરુપે આ વચનો બોલવામાં આવે છે.
વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધકૃત શેખરામ્ । વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ।।
ચરાચરેશ્વરી ત્વં હિ, મહામોહ વિનાશિની ભુકિત, મુકિત દાયિની,શૈલપુત્રીં પ્રણમામ્યહમ્।।
અર્થાત હે માઁ ભગવતી આપ મનુષ્યોને મનવાંછિત લાભ અને ફળ આપનારા છો. આપ વૃષભ પર બિરાજમાન થઈ ત્રિશુલ અને કમળ ધારણ કરો છો. આપના ભાલે દિવ્ય તેજસમાન ચંદ્રમા ધારણ કરેલો છે. હે માઁ શૈલપુત્રી, તમે યશસ્વિની છો. સમસ્ત જગતને, ભક્તોને યશ અને તમામ સુખ આપનારા રક્ષા કરનારા છો.
ઉલ્લેખનીય છે કે, પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મૂળાધારચક્રમાં સ્થિત કરે છે અને યોગસાધનાનો આરંભ કરે છે. પહેલાં દિવસે માતાજીની મહાપૂજા અંતર્ગત નૈવેધ તરીકે ગાયના શુદ્ધ ઘીનો ભોગ ધરાવવામાં આવે છે.