- સાઉથમાં ભાજપ નબળી પડી ત્યાંનું પ્રતિનિધિત્વ વધાર્યું
- ચાર મલાઈદાર ખાતા દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને ફાળવ્યા
- 16 જિલ્લાને પ્રધાનમંડળમાં સ્થાન નહી
અમદાવાદ- ભૂપેન્દ્ર પટેલની નવી ટીમની રચના કરી તે પહેલા ભાજપના મોવડીમંડળે ખૂબ અભ્યાસ કર્યો છે અને કયા વિસ્તારમાં, કઈ દિશામાં અને કઈ જ્ઞાતિમાં આપણે પાછા પડીએ તેમ છીએ. આ ત્રણ બાબતો પર ફોકસ કરીને નવા પ્રતિનિધિમંડળમાં સ્થાન અપાયું છે. તેમ છતાં ગુજરાતના 16 જિલ્લાને પ્રધાનમંડળમાં પ્રતિનિધિત્વ મળ્યું નથી.
ગાંધીનગરના ધારાસભ્યને પ્રધાનમંડળમાં સ્થાન નહી
નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં 24 પ્રધાનો છે, જે 17 જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે 16 જિલ્લાને પ્રતિનિધિત્વ અપાયું નથી. અરવલ્લી, આણંદ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, ભરૂચ, પોરબંદર, દ્વારકા, ડાંગ, તાપી, નર્મદા, કચ્છ, દાહોદ, છોટાઉદેપુર, પાટણ અને ગાંધીનગર જિલ્લાને કોઈ જ પ્રતિનિધિત્વ મળ્યું નથી. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી છે, તે ગાંધીનગર જિલ્લાના ધારાસભ્યમાંથી પ્રધાન બનાવ્યા નથી.
સુરત મહાનગરપાલિકાની પરિણામો ઘણુ બધુ કહી ગયા છે
છ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, તેમાં બધે ભાજપનો જ્વલંત વિજય થયો હતો અને સ્પષ્ટ બહુમતી સાથે ભાજપની બોડી બની છે. પણ સુરત એક એવી મહાનગરપાલિકા છે, ત્યાં આમ આદમી પાર્ટીના 17 કોર્પોરેટર ચૂંટાયા હતા. ટૂંકમાં કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીએ એન્ટ્રી લીધી છે, જે ભાજપને ખટકી રહ્યું છે. આ વિસ્તારના પાટીદારો ભાજપ તરફથી મ્હો ફેરવીને આમ આદમી પાર્ટી તરફ વળ્યા છે. જેના કારણે ભૂપન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં દક્ષિણ ગુજરાતમાંથી સાત ધારાસભ્યોને પ્રધાનપદ મળ્યું છે અને તેમાંય ચાર ધારાસભ્યોને તો મલાઈદાર ખાતા ફાળવ્યા છે. (1) પૂર્ણેશ મોદી કેબિનટ કક્ષાના માર્ગ મકાનપ્રધાન (2) નરેશ પટેલ કેબિનટ કક્ષાના આદિજાતી વિકાસ અને અન્ન-નાગરિક પુરવઠાપ્રધાન (3) હર્ષ સંઘવી રાજ્યકક્ષાનું ગૃહપ્રધાન પદ અને (4) વિનોદ મોરડિયાને રાજ્યકક્ષાના શહેરી વિકાસપ્રધાન બનાવ્યા છે.
કેન્દ્ર અને રાજ્યમાં સુરતનું કદ વધ્યુ
સાઉથ ગુજરાતમાં ભાજપ નબળી પડી હતી, તેને વધુ મહત્વ આપીને ખૂબ મહત્વના કહી શકાય તેવા ખાતા ફાળવ્યા છે. પાટીદાર ફેકટર પણ અસર કરે છે, પ્રધાનમંડળમાં સાત પાટીદારોને સમાવ્યા છે, જેથી ભાજપ મોવડીમંડળે સુરતનું કદ વધારીને દક્ષિણ ગુજરાતને મજબૂત કર્યું છે, હા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ દક્ષિણ ગુજરાતથી આવે છે અને દર્શના જરદોશ પણ સુરતના લોકસભાના સાંસદ છે અને તેમને તાજેતરમાં જ કેન્દ્રમાં રાજ્યકક્ષાના રેલવે પ્રધાનનું પદ મળ્યું છે. પણ વખત આવે ખબર પડશે કે સુરતના નારાજ પાટીદારો પાછા ભાજપ તરફ આવે છે કે કેમ?
રિસાયેલા પાટીદારો માનશે ખરા?
કોંગ્રેસ 25 વર્ષથી સત્તાથી દૂર છે. જ્યારે આજકાલની આવેલી આમ આદમી પાર્ટીનો ડર સતાવી ગયો છે. મુખ્યપ્રધાનનો ચહેરો તો બદલ્યો, પણ આખુ પ્રધાનમંડળ બદલી નાખ્યું છે અને નવો જ મહાપ્રયોગ ગુજરાતમાં કર્યો છે. પણ આમ આદમી પાર્ટીનું ગ્રાઉન્ડ વર્ક જોઈને અને તેનો રીપોર્ટ ભાજપ મોવડીમંડળ સમક્ષ આવ્યો છે, જેથી દક્ષિણ ગુજરાતને વધુ મહત્વ આપ્યું છે અને જેથી ત્યાંના રિસાયેલા પાટીદારોને પરત લાવી શકાય.
ઉત્તર ગુજરાતમાં નીતિન પટેલ એકલા કાફી છે
નવા પ્રધાનમંડળમાં ઉત્તર ગુજરાતને ખૂબ ઓછુ પ્રતિનિધિત્વ અપાયું છે, માત્ર ત્રણ જ ધારાસભ્યો સમાવાયા છે અને ખૂબ અગત્યનું ઉત્તર ગુજરાતમાં જેમનો વટ પડે તેવા મોસ્ટ સિનિયર નેતા નીતિન પટેલ છે, તેમના વિસ્તારમાંથી ઓછુ પ્રતિનિધિત્વ અપાયું છે. પણ ભાજપ મોવડીમંડળને નીતિનભાઈ પટેલની વફાદારી પર વિશ્વાસ છે, તેઓ પાર્ટીનું કામ સુપેરે પાર પાડે છે અને ખંતથી કરશે. નીતિન પટેલનો એક બોલ ઉત્તર ગુજરાતના પાટીદારો સ્વીકારશે, જેમાં કોઈ બે મત નથી.
બોલો… હવે વિધાનસભામાં જૂનીયર નેતા આગળ અને સિનિયર પાછળ બેસશે
ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ આવી છે. ગુજરાત વિધાનસભાના ફ્લોરની વાત કરીએ તો જે સિનિયર પ્રધાનો હતા, તે આગળ બેસતા હતા અને અન્ય ધારાસભ્યો પાછળ બેસતા હતા. પણ હવે નવું પ્રધાનમંડળ રચાઈ જતાં નવા જૂનિયર પ્રધાનો આગળ બેસશે અને સિનિયર પૂર્વ પ્રધાનો પાછળ બેસશે. એટલે કે નેતાઓ કાર્યકર્તા બન્યા છે અને કાર્યકર્તા હતા તે નેતાઓ બની ગયા છે. આ બધુ માત્ર ભાજપમાં શક્ય બને.
ભરત પંચાલ બ્યૂરો ચીફ, ETV Bharat ગુજરાત