- એવું તે શું થયું કે શપથવિધિ મોકૂફ રખાઈ
- સીનીયર પ્રધાનોની નારાજગી કેટલી વાજબી
- પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી શું કરશે?
અમદાવાદ: ભલે ભાજપ સત્તાવાર રીતે ન સ્વીકારે પણ મંત્રીમંડળના નવા નામોને લઈને કોકડુ ગુંચવાયું છે. જૂના તમામ સીનીયર નેતાઓ નવા મંત્રીમંડળમાં કપાયા છે, જેથી સીનીયર પ્રધાનોએ વિરોધ કર્યો છે. અને આવા સીનીયર નેતાઓએ વિજય રૂપાણીના નિવાસસ્થાને જઈને તેમને મળીને બેઠક કરી હતી, અને તેમની લાગણી રજૂ કરી હતી.
પાટીલનું નિવાસસ્થાન બન્યું પ્રધાનપદ લેવાનું કેન્દ્ર
બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના નિવાસસ્થાને પણ અનેક ધારાસભ્યો આજે સવારથી વન ટૂ વન બેઠક કરી રહ્યા હતા. દરેક ધારાસભ્યો પ્રધાનપદ માટે પાટીલને મળીને લોબીંગ શરૂ કર્યું હતું. પ્રધાન મંડળના નામોને લઈને વિવાદ તો થયો છે. પાછા નેતાઓ બહાર નીકળીને મીડિયા સાથે વાત કરતાં કહે છે કે, કોઈ વિવાદ નથી, સીનીયર તમામ પ્રધાનોને મનાવી લીધા છે અને આવતીકાલે બપોરે 1.30 વાગ્યે શપથવિધિ યોજાશે. જે હોય તે પણ શપથવિધિ મોકૂફ રહી છે. તેની પાછળ સીનીયર નેતાઓની નારાજગી દેખાઈ આવે છે. અત્યાર સુધી સત્તા સંભાળીને હવે જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે પ્રધાનપદ ન મળે તો તેઓ પદ વગર કેવી રીતે ચૂંટણી જીતી શકે. આ મુદ્દાને લઈને જ નારાજગી જોવા મળી રહી છે.
નારાજગી ઠાલવવા માટે રૂપાણીનું નિવાસસ્થાન
આજે સવારથી જ સીનીયર નેતાઓને પ્રધાનમંડળના શપથ માટે ફોન નહી આવતાં તેઓ સીધા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને મળવા પહોંચી ગયા હતા. જેમાં વાસણ આહિર, યોગેશ પટેલ, બચુભાઈ ખાબડ, કુમાર કાનાણી સહિતના નેતાઓ રૂપાણીના નિવાસસ્થાને મળ્યા હતા અને નારાજગી રજૂ કરી હતી અને મોવડીમંડળ સામે રજૂઆત કરવા કહ્યું હતું. પણ હવે હાલ પ્રધાનમંડળમાં કોને સમાવવા અને કોને ન સમાવવા તે સી. આર. પાટીલના હાથમાં છે.
અમિત શાહ નામ નક્કી કરીને જ ગયા છે?
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં જ્યારે અમિત શાહ આવ્યા ત્યારે તેમણે ખાનગી રાહે સર્કિટ હાઉસમાં બેઠક કરી હતી અને તેમાં પ્રધાનમંડળના નામ નક્કી થયા હતા. તે મુજબ સીનીયર નેતા કપાશે, યુવા ચહેરાઓને સ્થાન અપાશે. નો રિપીટ થિયરીનો કોન્સેપ્ટ અપનાવાયો છે. જેથી સીનીયર નેતાઓમાં કચવાટ રહે તે સ્વભાવિક છે. પણ આજે ઉહોપોહ વધારે હતો, જેથી ભાજપને શપથવિધિ મોકૂફ રાખીને કાલ પર લઈ જવી પડી છે.
નો રિપીટ થિયરીનો આ પ્રયોગ કેટલો સફળ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં માથે છે અને ભાજપ નવો જ પ્રયોગ કરવા જઈ રહ્યું છે. નવા જ ચહેરાના નવા જ મુખ્યપ્રધાન સાથે નવું જ પ્રધાનમંડળ રચીને શું સાબિત કરશે, તે ખબર નથી. પણ ચૂંટણી અગાઉનો આ પ્રયોગ કેટલો સફળ થશે? આટલી મોટી પાર્ટી છે, તેણે કંઈક તો વિચાર્યું જ હશે. પણ સી. આર. પાટીલે છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં નો રિપીટ થીયરી અપનાવી હતી અને જ્વલંત સફળતા મળી હતી. જોકે, તે મહાનગરપાલિકાની ચંટણી હતી, આ ગુજરાત રાજ્યની ચૂંટણી છે.
નવા મુખ્યપ્રધાન અને નવી કેબિનેટ પ્રજા સ્વીકારશે ખરી
ગુજરાતમાં 2022ની ચૂંટણી ખૂબ જ મહત્વની છે. કારણ કે, ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી ઉભરીને આવી છે. પ્રજા પણ તેમને સ્વીકારવા તૈયાર થઈ છે. દિલ્હીના વિકાસના કામો અને ભષ્ટ્રાચાર મુકત શાસનને પગલે તેમજ આમ આદમી પાર્ટીનું ગ્રાઉન્ડ લેવલનું કામ વખણાયું છે. અનેક મોટા માથા AAPમાં જોડાયા છે અને જોડાઈ રહ્યા છે. જે જોઈને ભાજને CMનો ચહેરો બદલવો પડ્યો છે. બીજી તરફ ઔવેસીની પાર્ટી પણ ચૂંટણીમાં ઝપલાવશે, માયાવાતીની બ.સ.પા. સહિત એન.સી.પી. પણ ચૂંટણી લડશે. ટૂંકમાં 2022નો જંગ ખરાખરીનો થવાનો છે. પણ તે પહેલા ભાજપે ગુજરાતમાં નવા ચહેરાના મુખ્યપ્રધાન અને નવી જ કેબિનટનો પ્રયોગ પ્રજા કેટલો સ્વીકારશે? આવા સમયે અખતરા કરવા જતાં ખતરો વધવાની ધારણા પણ છે. ભાજપ હાલ એક જ કેફમાં છે કે, નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી જીતી જઈશું. જોકે, ચૂંટણીમાં અનેક ફેક્ટરો કામ કરે છે અને સ્થાનિક રાજકારણ અલગ જ પ્રકારનું હોય છે.
ભાજપે ચહેરા નહિં, ચરિત્ર બદલવાની જરૂર છે: ડૉ. મનિષ દોશી
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, રાજ્યમાં લોકો હાલ અતિવૃષ્ટિનો સામનો કરી રહ્યા છે. ત્યારે ભાજપના નેતા સત્તા માટે એકબીજાના પગ ખેંચી રહ્યા છે. ભાજપે ચહેરા બદલવાની જગ્યાએ ચરિત્ર બદલવાની જરૂર છે. પ્રધાન મંડળમાં સ્થાન મેળવવા માટે થઈ રહેલી આ ખેંચતાણથી કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીના ધજીયા ઉડી ગયા છે. આ ખેંચતાણ ખરેખર નીતિન પટેલ, વિજય રૂપાણી અને સી. આર. પાટીલ વચ્ચેની ખેંચતાણ છે. સેવાની વાતો કરતી ભાજપ ખરેખર સત્તાની લાલચુ છે અને હાલમાં જે પ્રકારે સત્તા મેળવવા માટે કાવાદાવાઓ કરાઈ રહ્યા છે, તેના પરથી તે સ્પષ્ટ થાય છે.
સીનીયર નેતાઓને માથે ઠીકરા ફોડ્યા છેઃ AAP
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવકતા યોગેશ જદવાણીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જે રીતે ભારતીય જનતા પાર્ટી 27 વર્ષથી શાસન કરી રહી છે અને હવે નો રિપીટ થિયરી અપનાવીને નવા પ્રધાનોને સત્તામાં લાવવાની વાત કરી રહી છે. આ બધા તાયફા પ્રજાના પૈસાનો ધૂમાડો કરી રહી છે. સરકારની નિષ્ફળતા છૂપાવવા માટે પ્રજાનું ધ્ચાન બીજી જગ્યા તરફ વાળવા માટે સીનીયર પ્રધાનોને કોરાણે મુકી દેવા છે અને તેમના માથે ઠીકરા ફોડવા છે. ભાજપમાં અંદરોઅંદરની લડાઈ છે અને આગામી દિવસોમાં યાદવાસ્થળી થશે. સીનીયર નેતાઓ વિરોધપક્ષનો સંપર્ક કરશે અને ભાજપ સરકારમાં અસ્થિરતા ઉભી કરશે. ખજૂરાહો કાંડ જેવી ઘટના બને તો પણ નવાઈ નહી.
ભરત પંચાલ બ્યૂરો ચીફ, ETV Bharat, ગુજરાત