- કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલા લેવા જરૂરી
- રાજ્ય સરકારે ત્રણથી ચાર દિવસનો કરફ્યૂ લાદવો જોઈએ - હાઇકોર્ટ
- લોકડાઉન લાગુ કરવા અંગે પરપ્રાંતિયોએ રજૂ કરી પોતાની મનોવ્યથા
ન્યૂઝ ડેસ્ક : રાજ્યમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને કારણે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારિયાની ખંડપીઠે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સરકારને કહ્યું હતું કે, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલા લેવા જરૂરી છે. કોરોનાના સંક્રમણની ચેઈનને તોડવી પણ જરૂરી છે. તેમણે રાજ્ય સરકારને સલાહ આપતાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે રાજ્ય સરકારે ત્રણથી ચાર દિવસનો કરફ્યૂ લાદવો જોઈએ અને વિકેન્ડ કરફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે તેવી પણ ટકોર કરી હતી. લોકડાઉનની જરૂર પડે એવી સ્થિતિ હોવાનું નામદાર હાઇકોર્ટે અવલોકન કર્યું હતું.
20 શહેરોમાં રાત્રિ કરફ્યૂ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો
કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે રાજ્ય સરકારે ત્રણથી ચાર દિવસનો કરફ્યૂ લાદવો જોઈએ અને વિકેન્ડ કરફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે તેવી પણ ટકોર હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યા બાદ કોરોનાની સ્થિતિ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોના નિયંત્રણ અને સંકલન માટે પૂરતી સારવાર મળી રહે તે માટે જરૂરી સૂચનો અધિકારીઓને આપ્યા છે. રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ચાર મહાનગરપાલિકામાં રાત્રિ કરફ્યૂ હતો તે હવે 20 શહેરોમાં રાત્રિ કરફ્યૂ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ લગાવાયો છે. મુખ્યપ્રધાન દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખી મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય કરાયો છે.
પરપ્રાંતિય મજૂરો દ્વારા લોકડાઉન લાગુ થાય તો તેમને કેવી મુશ્કેલીમાંથી પસાર થવું પડશે તે અંગે જણાવ્યું
રાજ્યમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોને લોકડાઉનનો ભય સતાવી રહ્યો છે, ત્યારે ETV BHARAT સાથે વાતચીત કરતા પરપ્રાંતિય મજૂરો દ્વારા લોકડાઉન લાગુ થાય તો તેમને કેવી મુશ્કેલીમાંથી પસાર થવું પડશે તે અંગે જણાવ્યું હતું. આ સાથે રાત્રિ કરફ્યૂ અને વિવિધ પ્રતિબંધો તેમજ ચૂંટણી સમયે કોરોના ગાઇડલાઇનનો ભંગ જેવા મુદ્દે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
જેતપુરના સાડી ઉદ્યોગ સાથે જોડાયેલા મજૂરોમાં લોકડાઉન અંગે ઘેરાયા શંકાના વાદળો
રાજકોટ જિલ્લાના જેતપુરને સાડી ઉદ્યોગનું વડુમથક માનવામાં આવે છે. 6 એપ્રિલના રોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા રાજયના 20 મોટા શહેરોમાં રાત્રી કરફ્યૂનું એલાન કરવામાં આવ્યું છે, ત્યારે જેતપુરના સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલા અને તેમાંથી જ રોજગારી મેળવતા મજૂરોમાં ગયા વર્ષ જેવી જ લોકડાઉનની દહેશત અને શંકા જોવા મળી રહી છે.
શું મજૂરો મૂકાશે મુશ્કેલીમાં ?
સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલા મજૂરો માંગ કરી રહ્યા છે કે, સરકાર દ્વારા જે રાત્રી કરફ્યૂ લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે યોગ્ય છે, પરંતુ સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવશે તો મજૂરો મુશ્કેલીમાં મૂકાશે.
મોટાભાગના ગુજરાત બહારના લોકો જેતપુરના સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે
ગયા લોકડાઉનમાં જેતપુરના સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલા મજૂરો બહુ હેરાન-પરેશાન થયા હતા. તેમજ કારખાનેદારોએ પણ બહુ નુકસાની વેઠી હતી, તેમજ જેતપુરમાં બનતી સાડી પુરા ભારત ઉપરાંત વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે. જેમાં ગયા લોકડાઉનમાં સાડી ઉદ્યોગમાં ખુબ જ મોટું નુકસાન થયું હતું.
મજૂરોમાં માસ્ક નામે ઉઘરાવાતા દંડ સામે નારાજગી
સાડીના કારખાનાઓમાં કામ કરતા મજૂરોમાં એકબાજુ લોકડાઉનની દહેશત છે, તો બીજી બાજુ માસ્ક ન પહેરવા બદલ ઉઘરાવવામાં આવતા એક હજારના દંડ સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, એક તો રોજગારી ઓછી મળે છે, અને આ દંડ પોસાય એમ નથી. જોકે સાડીના કારખાનેદારો સાથે વાત કરતા તેમણે ETV ભારતને જણાવ્યું હતું કે, જો લોકડાઉન થશે તો તેઓ દ્વારા મજૂરોના રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવશે.
ભાવનગરના પરપ્રાંતીય શ્રમિકોની એક જ માગઃ લૉકડાઉન લગાવો તો સમય આપજો
સમગ્ર દેશમાં કોરોનાને પગલે લોકડાઉનના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ભાવનગરમાં ગત વર્ષે લોકડાઉનથી હેરાન પરેશાન થયેલા અને હાલ પરત ભાવનગરમાં રોજીરોટી મેળવવા આવેલા પરપ્રાંતિયોએ સરકાર પાસે માગ કરી છે કે, જો લોકડાઉન લગાવો તો થોડો સમય આપજો.
ભાવનગરમાં હજારો પરપ્રાંતિયો કરી રહ્યા છે કામ
ભાવનગર શહેરમાં આવેલી ચિત્રા GIDC વિસ્તારમાં અનેક યુનિટો આવેલા છે. આ યુનિટમાં હજારોની સંખ્યામાં પરપ્રાંતિયો કામ કરે છે. રોલિંગ મિલ હોઈ કે હીરાના કારખાનાની ડાઈ બનાવવાનું કારખાનું તમામ જગ્યાએ પરપ્રાંતીયો જોવા મળે છે. ગત વર્ષે કોરોનાના કારણે ટ્રેનના ડબલ ભાડા, બસના ડબલ ભાડાને પગલે પરપ્રાંતિયોને હાલાકી થઈ હતી.
લોકડાઉનને લઈ શું કહ્યું પરપ્રાંતિય મજૂરોએ
ભાવનગરમાં હાલ રાત્રિ કરફ્યૂને પગલે હીરાની ડાઈ બનાવતા કારખાનામાં કામ કરતા આશરે 15 બિહારી શખ્સો પૈકી ત્રણ લોકો પોતાના વતન જવાના છે. ચિત્રા GIDCમાં આવેલા આ હીરાના કારખાનામાં કામ કરતા શખ્સોએ જણાવ્યું હતું કે, લોકડાઉન ભલે કરવામાં આવે પણ પરપ્રાંતિયોને તેમના વતન જવા માટે સરકાર પહેલા વ્યવસ્થા કરે, કારણ કે ગત વર્ષે પોતાના વતનમાં જવા માટે પરપ્રાંતિયોને હાલાકી અને પૈસાનો વેડફાટ થયો હતો.
અલંગમાં આશરે 40 હજાર જેટલા પરપ્રાંતિયો કામ કરી રહ્યા છે
ભાવનગર જિલ્લામાં પરપ્રાંતીય લોકો મોટી સંખ્યામાં રોજીરોટી મેળવવા વસવાટ કરે છે. અલંગમાં આશરે 40 હજાર જેટલા પરપ્રાંતિયો કામ કરી રહ્યા છે, જ્યારે ચિત્રા GIDCમાં પણ આશરે 5 થી 10 હજાર પરપ્રાતિયો કામ કરે છે. આ ઉપરાંત સિહોરમાં આવેલી રોલિંગ મિલોમાં પણ આશરે 5 હજાર કામ કરી રહ્યા છે, ત્યારે GIDCમાં હીરાના કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય સખોના માલિકે જણાવ્યું હતું કે, ગત વર્ષે લોકડાઉનમાં મજૂરોને ખવડાવવાની અને તેમના વતન મોકલવા ભારે હાલાકી થઈ હતી. વાહનો મળતા ન હતા અને ખાદ્ય ચિઝોનો જથ્થો મેળવવામાં તકલીફો થઈ હતી એટલે આ વર્ષે લોકડાઉન ભલે સરકાર કરે પણ એક સપ્તાહનો સમય આપવો જોઈએ.
જામનગર બ્રાસપાર્ટમાં જોડાયેલા શ્રમિકોની લોકડાઉન વિશે પ્રતિક્રિયા
જામનગર જિલ્લાને બ્રાસપાર્ટનું હબ ગણવામાં આવે છે. 6 એપ્રિલના રોજ જ રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ રાજ્યના 20 મોટા શહેરોમાં રાત્રિ કરફ્યૂનું એલાન કર્યું છે. જોકે સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવશે તો લોકોની હાલત અત્યંત દયનિય બની જશે.
શ્રમિકો મુકાશે મુશ્કેલીમાં?
બ્રાસપાર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો માંગ કરી રહ્યા છે કે રાત્રિ કરફ્યૂએ રાજ્ય સરકારનો નિર્ણય બરાબર છે, પણ સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવશે તો શ્રમિકો મુશ્કેલીમાં મુકાશે.
અન્ય રાજ્યના લોકો બ્રાસપાર્ટ સાથે સંકળાયેલા છે
છેલ્લા ત્રણ મહિનાથી આ શ્રમિકોને બ્રાસ ઉદ્યોગમાં ધંધો-રોજગાર મળ્યો છે અને મોટા ભાગના શ્રમિકો દિવસ દરમિયાન બ્રાસપાર્ટના કારખાનામાં કામ કરતા હોય છે.
શ્રમિક એક હજારનો દંડ કેમ ભરી શકે?
એક બાજુ લોકડાઉનની દહેશત છે તો બીજી બાજુ સતત વધતી મોંઘવારીને લઈને પણ આ શ્રમિકો પરેશાન બન્યા છે. માસ્કનો મસ મોટો દંડ પણ શ્રમિકોને પરવડે તેમ નથી. માત્ર 200 રૂપિયા કમાતો શ્રમિક એક હજારનો દંડ કેમ ભરી શકે? તેવા સવાલ પણ આ શ્રમિકો કરી રહ્યા છે.
બંગાળી કારીગરો પર નિર્ભર છે રાજકોટની સોની બજાર
દેશમાં કોરોના આવ્યો તે પહેલા રાજકોટના સોની બજારમાં એક લાખ કરતાં વધુ બંગાળી કારીગરો કામ કરતા હતા પરંતુ કોરોના આવ્યા બાદ પ્રથમ લોકડાઉન થયું અને તેમાં તમામ કારીગરો પોતાના વતન પરત ફર્યા હતા. જ્યારે કોરોના કેસમાં ઘટાડો થતાં લોકડાઉન પૂર્ણ થયું ત્યારબાદ ફરી રાજકોટની સોની બજારમાં અંદાજિત 50 હજાર કારીગરો પરત ફર્યા હતા અને પોતાના ધંધા રોજગારમાં લાગ્યા હતા. હાલ જે કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે તેને લઈને હવે ફરી આ બંગાળી કારીગરોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
સોની બજારના 50 હજાર કારીગરો થશે બેકાર
રાજકોટની સોનીબજાર એ એશિયાની સૌથી મોટી સોની બજાર માનવામાં આવે છે ત્યારે આ સોની બજારમાં બંગાળમાંથી મોટાભાગના કારીગરો કામ કરવા માટે અહીં આવે છે. હાલ રાજકોટની સોની બજારમાં 50,000 જેટલા બંગાળી કારીગરો કામ કરીને રોજગારી મેળવી રહ્યા છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં જે રીતે વધારો જોવા મળી રહ્યો ત્યારે સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવે તો 50 હજાર કરતાં વધુ બંગાળી કારીગરો પોતાના વતન પરત ફરશે અને બેરોજગાર બનશે. જોકે હાલ જે કોરોનાની પરિસ્થિતિ રાજકોટમાં જોવા મળી તેને લઈને આવું પણ લાગી રહ્યું છે કે, આગામી દિવસોમાં લોકડાઉનની આવશ્યકતા પડી શકે છે.
સોની વેપારીઓ જવાબદારી લેવાની ચોખ્ખી ના પાડી
રાજકોટના સોની વેપારીઓએ પણ પોતાના કારીગરો વતન જાય તે માટે તેઓ તેમને જવા દેવા માંગે છે. જ્યારે હવે કારીગરો બીમાર પડે તો તેમની જવાબદારી પણ લે તે પ્રશ્ન ઊભો થયો છે કારણકે, ગત લોકડાઉનમાં એક લાખ કરતા વધુ બંગાળી કારીગરો પોતાના વતન ગયા હતા. પરત ફરીને આવ્યા નહોતા માત્ર 50 ટકા જેટલા જ કારીગરો પરત ફરીને આવ્યા હતા. કોરોના પોઝિટિવ કેસને લઈને ક્યાંકને ક્યાંક સરકાર દ્વારા લોકડાઉનની પરિસ્થિતિ ઉભી થાય તેવી શક્યતાઓ છે. જેને લઇને કારીગરો પરત પોતાના વતનમાં જાય તેવું લાગી રહ્યું છે. બંગાળી કારીગરોએ પણ જો ગુજરાતમાં લોકડાઉન થાય તો તેઓ પોતાના વતન પરત જતા રહેશે તેવું તેઓ કહી રહ્યા છે.
હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા સરકારને નિર્દેશ
કોરોનાના વધતા કેસો પર પોતાની ચિંતા વ્યક્ત કરતાં જસ્ટિસ વિક્રમનાથએ કહ્યું હતું કે, 700થી વધુ કેસ અમદાવાદ માટે ખરાબ પરિસ્થિતિનો સંકેત કરે છે. કેટલાક લોકો કહે છે કે, આ સાચુ નથી પરંતુ જો 700 આંકડા સરકાર આપે છે તો તે પણ ઓછા નથી.
2જી માર્ચથી કોરનાના કારણે પરિસ્થિતિ બગડી- ચીફ જસ્ટિસ
ચીફ જસ્ટિસ વિક્રમનાથે સરકારને ટકોર કરતાં જણાવ્યું હતું કે, જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં કોરોનાની સ્થિતિ સામાન્ય રહી હતી. પરંતુ માર્ચના બીજા અઠવાડિયાથી પરિસ્થિતિ વધુ બગડી છે અને હવે કોરોનાના કારણે મૃત્યુ આંકડાઓ પણ વધી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે.
નો મીટિંગ નો પોલિટિકલ ફંકશન હાઇકોર્ટની સ્પષ્ટ વાત
લોકોના મેળાવળાને કારણે કોરોનાનું સંક્રમણ વધી જતાં હાઇકોર્ટે સરકારને ટકોર કરી છે કે, પબ્લિક સ્થળ પર લોકો ભેગા થતા હોય ત્યાં ચોક્કસ નિર્દેશો સાથે ફરજિયાત સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવે અને નો પોલિટિકલ ફંકશન, નો મીટિંગની સ્પષ્ટ વાત હાઈકોર્ટે સરકારને કહી દીધી છે. કોર્ટમાં પણ ન્યાયાધીશથી લઈને અન્ય સ્ટાફ સુધી કોરોના ફેલાયો છે. કોર્ટે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રોજ આઠથી નવ સ્ટાફને કોરોના પોઝિટિવ આવે છે. આ ઉપરાંત ન્યાયાધીશો પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેના પરિવારજનોને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. પરંતુ તેમનો આંકડા હાલ ઉપલબ્ધ નથી.
હાઈકોર્ટનો રાજ્ય સરકારને સવાલ- કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે સરકાર શું કરી રહી છે?
જસ્ટિસ ભાર્ગવ કારિયાએ સવાલ કર્યો હતો કે, કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકાર કોન્ટેકટ ટ્રેસિંગ માટે શું કરી રહી છે? સરકાર આ માટે કઈ મેથોડોલોજીનો ઉપયોગ કરી રહી છે, તે જણાવવા સરકારને કહેવામાં આવ્યું હતું.
હાઇકોર્ટના નિર્દેશ બાદ સરકારના નિર્ણયો
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ચાર મહાનગરપાલિકામાં રાત્રી કરફ્યૂ હતો તે હવે 20 શહેરોમાં રાત્રી કરફ્યૂ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂ લગાવાયો છે. મુખ્યપ્રધાન દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખી મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય કરાયો છે.
સરકારે 3 લાખ રેમેડેસિવીરનો ઓર્ડર આપ્યો
મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, 3,00000 નવા રેમેડેસિવીર ઇન્જેક્શનનો ઓર્ડર આપવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલમાં ફ્રીમાં આપવામાં આવશે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં નહીં નફો નહિ નુકશાનના ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત બેડની સંખ્યા પણ વધારવામાં આવી છે.
આ પણ વાંચોઃ જો લોકડાઉન થશે તો એશિયાના સૌથી મોટા બ્રાસ ઉદ્યોગ પર શું અસર થશે
20 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂં
પહેલા ચાર મહાનગરપાલિકાઓમાં રાત્રી કરફ્યૂ હતુ, જે વધારીને 20 શહેરોમાં કરફ્યૂ લાદી દેવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢ, ભાવનગર, જામનગર, ગાંધીનગર, સુરેન્દ્રનગર વગેરે જેવા શહેરોમાં રાત્રી કરફ્યૂં રહેશે. જે સવારમાં 6 સુધી લાગુ રહેશે. આ ઉપરાંત રાજકીય અને સામાજિક મેળાવડામાં 50 થી વધુ લોકો ભેગા નહીં થઈ શકે. મોરવાહડપ અને ગાંધીનગર સિવાય દરેક જગ્યાએ આ નિયમ લાગુ પડશે. ગાંધીનગર અને મોરવાહડપમાં ચૂંટણી હોવાથી ચૂંટણી હોવાથી આ નિયમ લાગુ નહીં પડે.
આ પણ વાંચોઃ બેરોજગારીનો મોટો પ્રશ્ન ઊભો થઈ શકે છેઃ દિનેશ નાવડિયા
તમામ સરકારી કચેરીઓમાં શનિવાર અને રવિવાર રજા રહેશે
પહેલા સરકારી કચેરીઓમાં બીજા અને ચોથા શનિવારના રોજ રજા રહેતી હતી, જે હવે મહિનાના તમામ શનિ-રવિ સરકારી કચેરીઓ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. 30 એપ્રિલ સુધી રાજકીય મેળાઓ પણ નહીં કરી શકો. ઓક્સિજનની માત્રા વધારીને 70 ટકા કરવામાં આવી છે. 70 ટકા ઓક્સિજન આરોગ્ય વિભાગ માટે રિઝર્વ રાખવામાં આવશે.